''ગોપીઓ'' હૃદયનો શુદ્ધ ભાવ બની ગઈ હતી. ગોપીનું રોમેરોમ ભક્તિરસનું પાન કરતું. ગોપી એ ન હતું સ્ત્રીતત્વ કે પુરુષતત્વ. સંસારના સર્વ સાંસારિક સુખોનો મનથી ત્યાગ કરી, પરમાત્માને માટે અતિ વ્યાકુળતાનો અનુભવ કરનાર ''તત્ત્વ'' હતું.
સંસારના સર્વભાવ-વિષયો છોડી ઇશ્વરને સતત ભજનાર તત્ત્વ હતું. પ્રભુપ્રેમમાં જે પાગલ બને એવું તત્ત્વ હતું. જેમને સતત બંસીનાદ-બ્રહ્મનાદ સંભળાતો. જે સર્વ વિષયો છોડી, કેવળ હરિચરણોમાં સમર્પિત રહેતી.
પરિપૂર્ણ વૈરાગ્ય, પરિપૂર્ણ પ્રેમભક્તિ અને પરિપૂર્ણ જ્ઞાન, એટલે જ ગોપી. જેનું સઘળું ચિત્ત ભગવાનમાં સહજ ભળી જતું તે ગોપી.
જે સદા ઊંડાણભર્યા 'જ્ઞાનામૃત'નું પાન કરતી ને... ઇશ્વર સર્વવ્યાપક છે, તે સર્વત્ર છે... એટલે તેની શરણાગતિમાં રહેવાથી અમારી ઉન્નતિ છે એવી દ્રઢ શ્રદ્ધા, રાખે તે ગોપી.
જેની પ્રત્યેક વૃત્તિ 'કૃષ્ણાકાર' બની ગઈ હતી. જે સતત 'ભાગવતરૂપ' બની ગઈ હતી તે ગોપી.
સાંસારિક-આસક્તિભર્યા, સંસારજગતના આનંદ ગોપીઓને ગમતા નથી. શ્રીકૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે... એવું દિવ્ય આનંદ સ્વરૂપ પામવાની અતૂટ ઉત્કંઠા એટલે 'ગોપી'.
સંસારમાં જન્મ લઈ, જાગૃતપણે સ્વધર્મ બતાવજા રહી... પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવી, 'બ્રહ્માનંદ પ્રાપ્ત કરે.. તે ગોપી,... ને... બ્રહ્મસંબંધ સિદ્ધ પણ કરે... તે ગોપી. ''શ્રીકૃષ્ણ પરમાત્માના મારા ઉપર અનંત ઉપકાર છે.'' એવું સતત યાદ રાખી, ભાવપૂર્વક આત્મસ્મરણ કરી સ્મરણ કરે તે ગોપી.
ગોપીઓના દિવ્ય સત્સંગમાં આવ્યા પછી ''ઉદ્ધવજીએ'' કહ્યું હતું કે, ''આવી ગોપીઓના ચરણની ધૂળને હું વારંવાર માથે ચડાવું છું.''
वन्दे नंदव्रजस्त्रीणाम् पादरेणुभीक्ष्णशः જે ત્રણે લોકને પવિત્ર કરે છે.
ઉપર પ્રમાણે શુદ્ધ... દિવ્ય-પવિત્ર-શ્રદ્ધાળુ-દિવ્યપ્રેમી જ્ઞાની 'ગોપીઓ' સાથેની, રાસલીલા કે ચીરહરણ પ્રસંગ હવે કોઈ અતિતુચ્છ મોહલીલા કે કામલીલાના પ્રસંગો નથી. પણ ''પરિશુદ્ધ જીવનું'' પરિશુદ્ધ પરમાત્મા સાથેનું ''દિવ્યમિલન'' હતું. જે માનવજીવનનું છેલ્લું લક્ષ્ય કહી શકાય.
આવા પવિત્ર, વિચાર, શુદ્ધભાવથી, શ્રીમદ્ભાગવત ના પ્રસંગોને ભાવથી સમજથી હૃદયમાં ઉતારવા જોઈએ.
શુદ્ધતમ, પવિત્ર, પ્રેમલક્ષણાભક્તિ સિદ્ધ કરનાર... શ્રીકૃષ્ણમય બની જનાર, ગોપીઓનું, શ્રીકૃષ્ણ ભગવાને
स्वागतम्...महाभागम्' કહી સ્વાગત કરેલું.
ભક્ત ઉદ્ધવજીને, શ્રીકૃષ્ણ ગોકુળ-વૃંદાવન મોકલે છે. તે વખતે કહે છે, ''હે ઉદ્ધવ'' ગોપીઓ મારા માટે મન-પ્રાણ અરે તેમનું સર્વસ્વ અર્પી દે છે. (મન્મનસ્કા, મત્પ્રાણા, મદર્થે ત્યક્ત દૈહકા)
ગોપીઓ ઉદ્ધવને કહે છે, ''અમારે મન કૃષ્ણ સિવાય બીજા કોઈ ઇશ્વર નથી'' અમારા હૃદયમાં તેમના સિવાય બીજા માટે જગા નથી.
* સંપૂર્ણ શારીરિક-માનસિક પવિત્રતા સિવાય, આધ્યાત્મિક માર્ગમાં એક ડગલું ભરવું અશક્ય છે...
* ઇશ્વરના માર્ગમાં બુદ્ધિની નહિ, પણ પૂર્ણ શુદ્ધિની જરૂર છે.


