Get The App

'શુભ-લાભ કે શુધ્ધ લાભ'

Updated: Oct 13th, 2021

GS TEAM

Google News
Google News
'શુભ-લાભ કે શુધ્ધ લાભ' 1 - image

સૃ ષ્ટિના આદિપુરૂષ મનુમહારાજ દરરોજ સવારે સૂર્ય ભગવાનને અર્ધ્ય ચઢાવી દિવસનો પ્રારંભ કરતા એક દિવસ અંજલિમાં જળ લઈ મંત્ર જાપ કરતા હતા ત્યારે તેમણે જળમાં હલચલ અનુભવી. આંખો ખોલીને જોયું તો ખબાના જળમાં એક નાનકડી માછલી આમતેમ તરી રહી હતી. મનુ મહારાજ તેને ફેંકી દેશે એમ ધારીને માછલીએ દયનીય સ્વરે કહ્યું : ' મારી રક્ષા કરો. જીવ બચાવો. હું જીવતી રહીશ તો તમારો ઉપકાર કદી નહિ ભૂલું. ' મનુમહારજ દયાળુ હતા. તેમણે માછલીને એક પાત્રમાં પાણી ભરીને મૂકી દીધી. જેમ જેમ સમય વીતતો ગયો માછલી મોટી થતી ગઈ.

મનુમહારાજ પણ તેની લંબાઈ પ્રમાણે નવું નવું પાત્ર બદલતા ગયા. સમય જતાં માછલી એટલી મોટી થઈ ગઈ કે તે કોઈ પાત્રમાં સમાઈ ના શકે. એટલે મનુ મહારાજે તેને દરિયામાં છોડી દીધી. માછલીને તો દરિયો મળ્યો એટલે મોક્ષ મળ્યો. આ વાતને ઘણો વખત વીતી ગયો. એક દિવસ ધરતી પર પ્રલય કાળ આવ્યો. ચારેબાજુ હાહાકાર થવા લાગ્યો. વિનાશ થવા લાગ્યો. દરેકને જીવ બચાવવો મુશ્કેલ થઈ ગયો. ત્યારે એક સલામત ટાપુ ઉપર લઈ ગઈ. આમ માછલીએ તેમનો જીવ બચાવ્યો. આ એક પુરાણકથા છે.

 શુભ એટલે જીવનમાં ' જે મળે તે ગમી જાય અને લાભ એટલે ' જે ગમી જાય' તેની પાછળ મન જીવનભર ભટક્યા કરે. સૃષ્ટિમાં જે કંઈ મંગળપ્રદ કે કલ્યાણકારી ઘટે છે તે ભીતરની શાંત- અવસ્થામાં જ ઘટે છે. શાંત-અવસ્થા એટલે અંત : સ્થલની નિરાંત, અંત:સ્થલની જાગરૂકતા, ઇન્દ્રિયોની જીવંતતા. પણ જ્યારે ઇન્દ્રિયો શુભ વૃત્તિને ગણકાર્યા વગર લાભની પાછળ દોડે ત્યારે સમર્થ કે સમૃધ્ધ માણસ પણ સમાધાન કરતો નજરે પડે છે.

તે શુભ-કર્મમાં સમયની બરબાદી સમજીને શુધ્ધ લાભ લેવાના પક્ષમાં ખડો રહે છે. તે ઉનાળુ કેરીના મીઠ્ઠા રસનો સ્વાદ છોડીને મેંગો ફૂટ જામને ચાટતો જોવા મળે છે. તેને અહંકારની ભાષા શીખવવી નથી પડતી. તે પોતાના અંગત માણસોને પણ પ્રેમની હૂંફની જગ્યાએ તાપ આપે છે. લાભની વાત આવે ત્યારે માંડ સાચવી રાખેલા સદ્ગુણોને શુભની રેડ-કાર્પેટ નીચે ઢાંકીને કચરો દબાય તેમ દાબી રાખે છે.

ક્રીમિયાના યુધ્ધ વખતે ફલોરેન્સ નાઈટીંગલ જેવી સેવાભાવી યુવતિ પોતાના શરીરની પરવા કર્યા વગર અંધારી રાતે હાથમાં ફાનસ લઈને ઘાયલ સૈનિકોની સેવા કર્યા કરે છે.

સ્કપજેની સ્કુલમાં અનાથોના દર્દભર્યા પત્રો સાંભળીને ૧૮ વર્ષની એક યુવતિ પોતાનો યુગોસ્વાવિયા દેશ છોડીને કલકત્તા આવે છે. અને ફૂટપાથ પર સબડતા ગરીબ, અનાથ, નિ:સહાય જીવોની સેવા-ચાકરીમાં આખ્ખું જીવન વીતાવી દે છે. ટેરેસા નામની એ યુવતિ મધર ટેરેસા બની ૧૯૭૯માં નોબેલ પુરસ્કારની હકદાર બને છે. આવા પરોપકારી જીવોમાં શુભ-કર્મ કરવાની લાગણી ક્યાંથી જન્મે છે ?

  મધમાખી ફૂલમાંથી રસ ચૂસે ત્યારે ફૂલ કશુંક આપે છે તેની સભાનતા પણ ફૂલને હોતી નથી કે મધમાખી પોતે કશુંક લઈ રહી છે તેનો ભાર પણ તેને હોતો નથી. નિસ્વાર્થ કર્મનું આ એક શુભ-લાભ આદાન-પ્રદાન છે. વૃક્ષ બીજાને ફળ આપે છે. નદી બીજાને જળ આપે છે. ગાય બીજાને દૂધ આપે છે. એમ  આ શરીર પણ પરોપકાર માટે છે. વલ્લભાચાર્ય નવરત્નમાં કહે છે. (સર્વેષાં પ્રભુસંબંધો) દરેકને પ્રભુ સાથે સંબંધ છે.

જે માણસ શુભનો અર્થ સમજે છે છતાં તેનો અમલ નથી કરતો તે કરિયાણાના એવા વેપારી જેવો છે જેની પાસે સીધું સમાન તો ભરપૂર છે પણ કદી મંદિરના પગથિયાં ચઢી પુજા કરતો નથી.   દિવસભર એવું કામ કરવું જોઈએ કે રાતે સુખપૂર્વક ઊંઘ આવી જાય.  શુભ કામ કરનારને લાભ મળે કે ના મળે પણ માનસિક શાંતિ મળે જ છે. એવી ધરપત રાખવી એ ચૈતન્યની નિશાની છે.

- સુરેન્દ્રશાહ