'ભગવાન' જ સૌના સાચા ગુરુ છે .
- 'ગુ'નામ અંધકારનું છે અને 'રુ' નું નામ પ્રકાશનું છે. માટે જે અજ્ઞાન રૂપી અંધકાર ને દુર કરી દે તેનું નામ ગુરુ છે
- મહાભારતમાં બધા સગા-સંબંધી, સામ સામે લડવા આવી ગયા હતા. કોઈ કોઈનું ન હતું. કેવળ પરમાત્મા શ્રીકૃષ્ણ શાંતિદૂત તથા પોતાના હિતેચ્છુના કલ્યાણ માટે વચ્ચે હતા
ગુરુ બનાવવા માત્રથી કલ્યાણ થતું નથી પરંતુ તેના વચનો ને માનવાથી, અનુસરવાથી કલ્યાણ થાય છે. ગુરુ શરીર નથી હોતા અને શરીર ગુરુ નથી હોતા પણ તેનો ઉપદેશ-વચનામૃત- આદર્શો આપણા માટે ગુરુ હોય છે
ગુ રુકોણ ??: કોઈ વિષયમાં આપણને જેનાથી જ્ઞાનરૂપી પ્રકાશ મળે, આપણે સંશય તથા અજ્ઞાનરૂપી અંધકાર દુર થાય. તે વિષયમાં તે આપણો ગુરુ છે. જેમ આપણે કોઈને રસ્તો પૂછીએ અને તે આપણને રસ્તો બતાવે છે તો તે રસ્તો બતાવનારો આપણો ગુરુ થઈ ગયો. આપણે ચાહે તેને ગુરુ માનીયે, તેની સાથે ગુરુ-શિષ્યનો સબંધ જોડવાની વાત નથી.
લગ્નના સમયે બ્રાહ્મણ કન્યાનો સંબંધ વર સાથે કરાવી દે છે. ચાર ફેરા ફરીને તેમની સાથે પતિ-પત્નીનો સબધ જોડાવી દે છે. અને પવિત્ર ગ્રહસ્થાશ્રમ શરૂ કરાવી દે છે. પછી આપણે તે બ્રાહ્મણને જીવન ભર યાદ રાખતા નથી. તેને યાદ કરવાનું વિધાન પણ શાસ્ત્રમાં ક્યાંય નથી.
આપણા જીવનને અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર કાઢી જીવનનો ઇશ્વર મેળવવાનો માર્ગ બતાવી દે તે જ આપણાં સાચા ગુરૂ છે. અજ્ઞાનમાંથી પ્રકાશ તરફ લઈ જાય તેનું નામ ગુરૂ છે.
'ગુકાટશ્ચાન્ધકારો હિરુકાર સ્તેજ ઉચ્યતે ।
અજ્ઞાન ગ્રાસક બ્રહ્મ ગુરુદેવ ન સંશય ।।
(ગુરુ ગીતા)
'ગુ'નામ અંધકારનું છે અને 'રુ' નું નામ પ્રકાશનું છે. માટે જે અજ્ઞાન રૂપી અંધકાર ને દુર કરી દે તેનું નામ ગુરુ છે.
જો પારસના સ્પર્શથી લોઢું સોનું નહિ બન્યું, તો તે પારસ અસલી નથી અથવા લોઢું અસલી નથી. અથવા વચ્ચે કોઈ આડ છે. એવી રીતે જો શિષ્યને તત્ત્વજ્ઞાન નહિં થયું. તો ગુરુ તત્વને પામેલા નથી. અથવા શિષ્ય આજ્ઞાપાલક નથી અથવા વચ્ચે કોઈ આડ કે કપટ ભાવ છે.
વાસ્તવિક ગુરુ તે હોય છે જેને માત્ર શિષ્યનાં કલ્યાણની ચિંતા થાય છે. જેના હૃદયમાં આપણા કલ્યાણની ચિંતા જ નથી તે આપણો ગુરુ કેવી રીતે થઈ શકે ?
- ભગવાન જેવા ગુરુ કોઈ નથી:
ઉમા રામ સમહિત જગ માહીં ।
ગુરુ પિતુમાતુ બંધુ પ્રભુ નહીં ।।
(માનસ કિષ્કંધા૧૨/૧)
ભગવાનના જેવું આપણું હિત ચાહવાવાળા ગુરુ પિતા, માતા, બંધુ, સમર્થ વગેરે કોઈ નથી.
મહાભારતમાં બધા સગા-સંબંધી, સામ સામે લડવા આવી ગયા હતા. કોઈ કોઈનું ન હતું. કેવળ પરમાત્મા શ્રીકૃષ્ણ શાંતિદૂત તથા પોતાના હિતેચ્છુના કલ્યાણ માટે વચ્ચે હતા.
નિષાદરાજ, સિધ્ધભક્ત હતો. વિભીષણ સાધક હતો. અને સુગ્રીવ ભોગી હતો. પણ ભગવાન શ્રીરામે એ ત્રણેયને પોતાના મિત્ર બનાવ્યા હતા.
અર્જુન પણ અનેક વાદ-પ્રતિવાદ કર્યા પછી અંતે તે કૃષ્ણભગવાનને ગુરૂ માની પોતાને તેનો શિષ્ય તરીકે બનવા માટે કહેવા લાગ્યો. મને આપના શિષ્ય બનાવો.
ભગવાન પોતાને ગુરુ ન માનીને મિત્ર જ માને છે. ગીતાના ચોથા અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભક્તોડસિ મે સખા ચેતિ' કહી ભક્તોને પોતાના મિત્ર જ માને છે. વેદોમાં પણ મુંડક ઉપનિષદમાં ભગવાને જીવને પોતાનો મિત્ર ગણાવ્યો છે.
'સદા સાથે રહેવાવાળા તથા પરસ્પર મિત્રભાવ રાખવાવાળા બે પક્ષી-જીવાત્મા અને પરમાત્મા એક જ વૃક્ષ-શરીરનો આશ્રય લઈને રહે છે.
(શ્વેતાશ્વર ૪/૬)
ખરેખર ગુરુના મહિમાનું પૂરું વર્ણન કોઈ કરી શક્તું જ નથી. ભગવાનની કૃપાથી જીવને માનવ-શરીર મળે છે. અને ગુરુ કૃપાથી ભગવાન મળે છે.
'દીન, દુઃખીને જોઈને સંત-કે ગુરુનું હૃદય પીગળી જાય છે. અને એનાથી તેનું કામ થઈ જાય છે. એક કૃપા હોય છે. અને એક દયા હોય છે. દયામાં કોમળતા હોય છે. પણ કૃપામાં થોડું સાસન હોય છે. દયામાં સાસન નથી હોતું, માત્ર હૃદય પીગળી જાય છે. હૃદય પીગળવાથી શિષ્યનું કામ થઈ જાય છે.
જગાઈ-મધાઈ પ્રસિદ્ધ પાપી હતા. અને સાધુઓ સાથે વેર રાખતા હતા. પરંતુ ચૈતન્ય મહાપ્રભુએ તેમના ઉપર પણ દયા કરીને તેમનો ઉધ્ધાર કરી દીધો હતો.
પારસમાં એ તાકાત છે કે લોઢાને પણ સોનું બનાવી દે છે. પણ સોનામાં એ તાકાત નથી હોતી કે બીજા લોઢાને પણ સોનું બનાવી દે. પરંતુ અસલી ગુરુ મળી જાય તો તેની કૃપાથી ચેલોપણ ગુરુ કે મહાત્મા બની જાય છે. આ ગુરુ કૃપાની જ વિલક્ષણતા છે.
શબ્દથી, સ્પર્શથી, સ્મરણથી અને કૃપાદૃષ્ટિથી ચાર રીતે ગુરુ કૃપા આ ચાર રીતે થાય છે. જેમ કાચબી રેતીની અંદર ઇંડા મુકી પોતે પાણીની અંદર રહીને તે ઇંડાને યાદ કરતી રહે છે. તો તેના સ્મરણથી ઇંડુ પાકી જાય છે. આ 'સ્મરણદીક્ષા' છે. એવી રીતે ગુરુની કૃપાથી-દૃષ્ટિથી, શિષ્યને જ્ઞાન થઈ જાય છે.
ટીટોડી પણ પૃથ્વી ઉપર ઇંડા મૂકે છે અને આકાશમાં શબ્દ કરતી રહે છે. તો તેના શબ્દથી ઇંડુ પાકી જાય છે. એવી જ રીતે ગુરુ પોતાના શબ્દોથી શિષ્યને જ્ઞાન કરાવી દે છે. આ શબ્દદીક્ષા છે. જેમ ઢેલ પોતાના ઇંડા પર બેસી રહે છે. તો તેના જ સ્પર્શથી ઇંડુ પાકી જાય છે. આવી જ રીતે ગુરુના હાથના સ્પર્શથી શિષ્યને જ્ઞાન થઈ જાય છે. આ 'સ્પર્શદીક્ષા' છે.
વરસાદ બધા ઉપર પડે છે, સમાન રૂપે પડે છે. પણ બીજ જેવું હોય છે. તેવું જ ફળ પેદા થાય છે. એવી જ રીતે ભગવાન અને સંત-મહાત્માઓની કૃપા બધા પર સમાન રૂપે રહે છે. જે જેવું ચાહે તેવો લાભ ઉઠાવી શકે છે.
ગુરુ બનાવવા માત્રથી કલ્યાણ થતું નથી પરંતુ તેના વચનો ને માનવાથી, અનુસરવાથી કલ્યાણ થાય છે. ગુરુ શરીર નથી હોતા અને શરીર ગુરુ નથી હોતા પણ તેનો ઉપદેશ-વચનામૃત- આદર્શો આપણા માટે ગુરુ હોય છે.
આથી જ કહ્યું છે ભગવદ ગીતામાં 'ગુરૂજનોની સેવા તેવો ઉપદેશ છે.તેમજ ગુરૂને બ્રહ્માનંદ સ્વરૂપ, જ્ઞાનમૂર્તિ સ્વરૂપ, દ્વંદ્વરહિત, આકાશ જેવા નિર્મળ, અચળ, ત્રિગુણરહિત ભવોભવને તારનાર કહ્યા છે. પરમ સુખ આપનારા છે.
આવા સદ્ગુરુને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ ।
- ડો. ઉમાકાંત જે.જોષી