Get The App

ઇશ્વર સર્વત્ર રહેલો છે .

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
ઇશ્વર સર્વત્ર રહેલો છે                                         . 1 - image

પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે 'સર્વ પ્રાણીમાત્રમાં ઇશ્વરના દર્શન કરો.' આપણું મન કામ, ક્રોધ, લોભમાં ભગવાનને ભૂલી જઈએ છીએ અને પૂજા-મંદિર-તીર્થ યાત્રા શુદ્ધભાવથી ન કરવાથી તે એક કાર્ય જેવું બની જાય છે અને મનમાં અહંકાર ઉત્પન્ન કરે છે. ડોંગરેજી મહારાજે ધર્મનાં અનુસરણ માટે સાત પ્રકારની શુદ્ધિ બતાવી છે, (૧) દેશ શુદ્ધિ, (૨) કાળ શુદ્ધિ, (૩) મંત્ર શુદ્ધિ, (૪) દેહ શુદ્ધિ, (૫) વિચાર શુદ્ધિ, (૬) ઇન્દ્રિય શુદ્ધિ, (૭) દ્રવ્ય શુદ્ધિ. જ્યાં સુધી મન શુદ્ધ થતું નથી ત્યાં સુધી દરેક પૂજા-તપ-જાત્રા-દેવદર્શન સફળ થતા નથી.

આ માટે પાંચ પ્રકારની સાધના દર્શાવી છે, (૧) માતા-પિતાની સેવા અને તેના આશીર્વાદ, (૨) સંત-ગુરૂ કે આપ્તજનોનાં આશીર્વાદ, (૩) સારો ઉદ્યમ, (૪) પ્રારબ્ધ કે નસીબ, (૫) ઇશ્વરની અનુકંપા.

ધર્મને-નીતિને-સચ્ચાઈને કરેલો પુરૂષાર્થ, પ્રાર્થના છે. ધર્મ કે નીતિ વિરૂદ્ધનો કોઈપણ પુરૂષાર્થ સફળ થતા નથી. ધર્મને અનુસરીને અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે. માનવ જીવનમાં ધર્મ જ પ્રધાન છે. અને એ માર્ગ અપનાવવા માટે કવિ માંગે છે કે અગર ખુદા નજર દે... ઇશ્વરની અનુકંપા વિના બધું જ અશક્ય છે. આવી અનુકંપા હૃદયમાં જાગે તો દરેકમાં ઇશ્વરના દર્શન થાય પછી વિશ્વ આખું મંદિરમય બની જાય અને જીવનનાં દરેક ધર્મો પ્રભુની આરાધના બની જાય.

* બે પ્રકારનાં લોકો : બે પ્રકારનાં લોકો છે. એક તો એવા છે જે મંદિરોમાં જાય છે અને વિચારે છે કે અમે ધાર્મિક બની ગયા અને બીજા એવા લોકો છે જે ચિત્ત-મનને એવું બનાવે છે કે જ્યાં બેઠા હોય ત્યાં મંદિર હોય. તેમની હયાતિ જ મંદિર હોય. તેમની ચેતના એકધારી પવિત્રતા, તેમની ચેતનાનો એકધારો આનંદ, તેમની ચેતનાનું એકધારું સૌંદર્ય, તેમની ચેતનાની સતત શાંતિ અને સંગીત તેમને ધાર્મિક બનાવે છે.

* મંદિર કોના માટે? :- એક ગામમાં એક મંદિર બની રહ્યું હતું. તે ગામમાં તો ઘણાં મંદિરો છે. એ ગામ જ મંદિરોનું અને દેરીઓનું જ છે. નવાઈની વાત એ છે કે ડગલે ડગલે મંદિરો હતા. જેમાં પૂજા કરવાવાળા શોધવા મુશ્કેલ હતા. અનેક મંદિરો પૂજા વિનાનાં પડી રહ્યા હતા અને ભગવાનો બિલકુલ ઉપેક્ષિત હતા. છતાં એક નવું મંદિર બની રહ્યું હતું. એ મંદિરનો બનાવવાવાળો એક વૃદ્ધ કારીગર હતો. તેને પૂછયું કે અહીં આટલા મંદિરો છે તો આ નવું મંદિર શા માટે બની રહ્યું છે?