Get The App

ધ્વની અને જય ઘોષનો મહિમા

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ધ્વની અને જય ઘોષનો મહિમા 1 - image

આપણે ત્યાં વિવિધ પ્રકારનાં ધ્વનીઓ સંભળાતા હોય છે તથા અનેક પ્રકારના જયઘોષ પણ થતા હોય છે. આ બંનેનું શું મહત્ત્વ છે તે જોઈએ :

ધ્વની હંમેશાં મધુર અને કર્ણપ્રિય હોય તે જરૂરી છે. આવા ધ્વની સાંભળવાનું ગમે છે. બેસુરા કે કર્કશ ધ્વની માથાંનો દુ:ખાવો કરતા હોય છે. મંદિરોમાં આરતી સમયે શંખનાદ કરવામાં આવે છે. તે જ રીતે ઝાલર, ઘંટ, નગારાં કે દંદુભિનો ધ્વની પણ થતો હોય છે. અન્ય ધર્મોમાં નોબતનો મહિમા છે. રોજ સવારે પશુ કે પંખીનો ધ્વની સાંભળવા મળે છે. પરેડ સમયે બ્યુગલ કે બેન્ડવાજાં વગાડવામાં આવે છે. આરતી સમયે ઢોલ-નગારાં વાગતાં હોય છે. ચોમાસામાં આકાશમાં વાદળોનો ગડગડાટ જુદા પ્રકારનો ધ્વની પ્રગટ કરે છે, દરિયા કિનારે મોજાંઓનો ધ્વની મનને શાંત કરે છે. આપણે જ્યારે ધૂન કે કીર્તન કરતાં હોઈએ છીએ ત્યારે તાળીઓનો ધ્વની સાંભળવા મળે છે. તેમાંયે સમૂહમાં વાગતી તાલબદ્ધ તાળી એક જુદું જ વાતાવરણ ખડુ કરે છે.

રાત્રે કે પરોઢે ગવાતાં ભજનોનો ધ્વની દિવસ સુધારી દે છે. આરતી થતી હોય ત્યારે મંજીરાં અને ખંજરીનો અવાજ પણ સુરમાં સુર પુરાવે છે. ધ્વની વિના બધું સુનકાર લાગે છે. જે કંઈ પણ વિધિ, પૂજા, પ્રાર્થના કે સત્સંગ કરીએ તેમાં ધ્વની જરૂરી છે. આ ધ્વનીનો અતિરેક ન થવો જોઈએ અને અવાજ પ્રદૂષણનું રૂપ ન લે તે પણ જોવું જોઈએ. આ સિવાય બીમાર દર્દીઓ, વડીલો કે વિદ્યાર્થીઓને ધ્વની ખલેલ ન પહોંચાડે તે જોવાની પણ આપણી સહુની ફરજ છે.

હવે વાત જયઘોષની કરીશું. અગાઉ રાજા-મહારાજાઓ મહેલમાંથી આવીને આસને બીરાજતા ત્યારે તેમનો જયઘોષ થતો તથા તે આવે છે કે આવી રહ્યા છે તેની છડી પણ પુકારવામાં આવતી. મંત્રી મંડળ તથા સભાના સભ્યો તેમનું સ્વાગત કરતા અને જય બોલાવતા.

હવે વાત અન્ય જયઘોષની. શીરડીના સાંઈબાબા માટેનો જયઘોષ આ પ્રમાણે હતો : ''રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ સચ્ચિદાનંદ સદ્ગુરૂ સાંઈનાથ મહારાજ કી જય!'' યુદ્ધમાં વિજય થાય ત્યારે વિજયી રાજાની જય બોલાવવામાં આવતી. રાષ્ટ્રગીતના ગાયન બાદ આપણે ''ભારત માતા કી જય'' બોલીએ છીએ પરેડમાં સલામી સમયે પણ જય બોલવામાં આવે છે. પદયાત્રા કરતા હોઈએ ત્યારે જે મંદિરે જતા હોઈએ જેમકે અંબાજી, દ્વારિકા, ડાકોર વિગેરે તે સમયે તે ભગવાનની જય બોલતાં બોલતાં જઈએ છીએ મંદિરની ધજા બદલાવતી વખતે પણ જયઘોષ થતો હોય છે. સત્યનારાયણની કથા, ગાયત્રી યજ્ઞા કે અન્ય પ્રસંગે અંતમાં હર હર મહાદેવ બોલીને જય બોલાવીએ છીએ.

રસ્તામાં સામે મળતી વ્યક્તિને પણ 'જય અંબે', 'જય શ્રી કૃષ્ણ', 'જય શ્રી રામ', 'જય સિયારામ', 'જય સાંઈનાથ' જેવા શબ્દો કહીને તેમનું અભિવાદન કરીને પ્રભુની જય બોલાવતા હોઈએ છીએ.

આમ જયઘોષ થકી વાતાવરણમાં પવિત્રતા સાથે એકતા અને જાગૃતિ થકી ભક્તિભાવમાં વધારો થાય છે.

ધ્વની અને જય એક સિક્કાની બે બાજુઓ છે. સામાજિક તથા ધાર્મિક સંદર્ભમાં બંનેનું સ્થાન અનોખું છે તથા તેમનો મહિમા પણ અવર્ણનીય છે. ચાલો આપણે પણ સુમધુર ધ્વનીમાં આપણા ઈષ્ટદેવ તથા કુળદેવીની જય બોલાવીએ અને ધન્યતા પ્રાપ્ત કરીએ. જય જગત !

- ભરત અંજારિયા