મા નવ જીવનમાં ચરિત્ર અર્થાત્ ચારિત્ર્યનો ખુબ જ અનોખો મહિમા છે. માનવજીવનને ટકાવવા માટે પવિત્રતા સાથે શુદ્ધ અને પ્રામાણિક ચારિત્ર જરૂરી છે. આપણે ત્યાં હિન્દીમાં એક પ્રખ્યાત પંક્તિ છે. 'હોન હાર બીલવાન કે હોતે ચીકને પાત । અર્થાત્ પુત્રનાં લક્ષણ પારણામાંથી બાળકમાંથી વય વધતાં ચારિત્રનું ઘડતર જરૂરી છે. શીલ, સંસ્કાર અને નીતિમત્તા સારાં ચારિત્રની નિશાની છે. આપણે ત્યાં મહાપુરૂષોનાં જીવન તથા ચરિત્રમાંથી આપણને ઘણું શીખવા મળે છે. શિરડીના સંત શ્રી સાંઈબાબાના જીવન વિશેનું આધ્યાત્મિક પુસ્તક શ્રી સાંઈ સત્ચરિત્ર છે. જેના બાવન અધ્યાય છે. સાંઇબાબાની જીવન લીલા તેમાં આલેખાયેલા છે.
પ્રભુશ્રી રામનાં ચરિત્રનું વર્ણન કરતો આધ્યાત્મિક ગ્રંથ તુલસીદાસ રચિત શ્રી રામચરિત માનસ છે. જેમાં પ્રભુ શ્રી રામનાં સમગ્ર ચરિત્ર તથા લીલાઓનું વર્ણન જોવા મળે છે. એક ખુબ જ જાણીતી પંક્તિ છે.
ચરિતં રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસીર એકૈક અક્ષર પુસાં મહાપાતક નાશન શ્રી રામના સુંદર, અનુકરણીય ચરિત્રનું વર્ણન રામચરિત માનસમાં જોવા મળે છે. પ્રભુશ્રી રામનું ચરિત્ર સદા પવિત્ર તથા પ્રેરણાદાયી છે. શ્રીકૃષ્ણનાં ચરિત્રનું વર્ણન શ્રીમદ્ ભાગવતમાં જોવા મળે છે.
શુદ્ધ ચરિત્રએ સદ્ગુણની નિશાની છે. જેનું ચરિત્ર શુદ્ધ હોય તે જ બુદ્ધ બની શકે છે. ચારિત્રવાન અને નિષ્ઠાવાન તથા નીતિવાન વ્યક્તિનું સમાજમાં સન્માનનીય સ્થાન હોય છે. જે લોકો ચરિત્રહીન હોય છે તેમણે વિપત્તિનો સામનો કરવો પડે છે. ચરિત્રહીન લોકોને સમાજ સ્વીકારતો નથી અને હડધુત કરે છે. વ્યક્તિમાં અણીશુદ્ધ ચારિત્ર હોય તો સમાજમાં તેનું સ્થાન મોખરાનું હોય છે. જે લોકો ચારિત્રવાન હોય છે. તેમની દૃષ્ટિમાં નિર્મળતા હોય છે. આવા લોકો સમાજ પ્રત્યે કંઈક કરી છુટવા માંગતા હોય છે. પોતાના કરતાં બીજાનો વિચાર પ્રથમ કરતા હોય છે.
સંસ્કૃતમાં એક ઉક્તિ છે તે મુજબ સમાન શીલ વાળાં યુગ્મો ભાગ્યે જ જોવા મળે છે. જેમકે સીતા-રામ, રાધા-કૃષ્ણ વિગેરે સંસ્કૃત લેખક કાલીદાસ કુમાર સંભવમ્ મા લખ્યું છે કે મંદ (હલકા) માણસો મહાત્માઓના ચારિત્રનો દ્વેષ કરે છે કે ઉપહાસ કરે છે. મહાપુરૂષો કે સંતોનાં ચારિત્રના અભ્યાસ પરથી આપણે આપણાં જીવનમાં શું ગ્રહણ કરવું અને તેનો કેમ અમલ કરવો તેનું માર્ગદર્શન મળે છે.
- ભરત અંજારિયા


