ગીતાનો પ્રસાદ હરસે સૌનો વિષાદ .
સા માન્ય રીતે મનુષ્યનો વિષાદ એ અનેક દુઃખોને જન્મ આપે છે, એને સુખ પ્રાપ્ત થતું નથી. ઉદાહરણરૂપે તમે દુઃખી હોવ અને તમે તમારા સંબંધીની સન્મુખ જઈ આંસુ પાડો એટલે તમારા સંબંધી પણ આંસુ પાડે. એટલે આપણને એમ થાય કે આપણા દુઃખમાં આપણા સંબંધીએ ભાગ પડાવ્યો. એનાથી વિષાદ દુર નથી થતો. અર્જુનનો જ વિષાદ એવો છે કે એ વિષાદે ગીતાનો પ્રસાદ સર્જ્યો અને આ પ્રસાદે સમગ્ર વિશ્વનું કલ્યાણ કર્યું. કારણ કે ગીતાનું ગાન કરનાર એ ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને ભગવાન શ્રીકૃષ્ણએ જે વાત કરી છે એ સનાતન સત્ય છે.
ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીના બીજા અધ્યાયમાં અર્જુનજીને કહ્યું કે, 'યોગઃ કર્મશુ કૌશલમ્.' કર્મને યોગ બતાવ્યો. અર્થાત્ જે વ્યક્તિ કર્મ કરે છે એ જ સાચો યોગી છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પુરુષાર્થ તો કરવો જ જોઈએ. સિંહ એમ માને કે હું જંગલનો રાજા છું મને બેઠાં બેઠાં જ ભોજન મળે તો એ શક્ય નથી. સિંહે પણ પુરુષાર્થ તો કરવો જ પડે. તો એવી જ રીતે ભગવદ ગીતા સમજાવે છે કે, પ્રત્યેક વ્યક્તિ કર્મને ધર્મ સમજીને કરે તો એ તેની સાચી પુજા છે.
શંકરાચાર્યજી શિવ માનસ પૂજામાં વર્ણવે છે કે, 'યદયદ કર્મ કરોમી, તત્તદ અકિલમ શંભુ તવારાધનમ્.' હું જે કાંઈ કર્મ કરું એ તમારી પૂજા છે તેમ તમે માનજો. ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ છે કે, 'કોઈ સ્ત્રી રસોઈ બનાવે અને રસોઈ કરતાં-કરતાં એ નામ સ્મરણ કરે તો એ પ્રભુનો પ્રસાદ બની જાય. કોઈ વ્યક્તિ પ્રવાસ કરતાં-કરતાં ભગવાનનું નામ લે તો એ યાત્રા બની જાય. માતા બાળકને તૈયાર કરતાં-કરતાં પ્રભુનું નામ લે તો એ ઠાકોરજીની સેવા બની જાય.' ભગવદ ગીતા સમજાવે છે કે, આપણી ક્રિયામાં શ્રીકૃષ્ણ હોવાં જોઈએ. એ જ સાચી ભગવાનની સેવા છે.
સંપૂર્ણ ગીતા ભગવાને અર્જુનજીને સંભળાવી એ સંભળાવ્યા પછી ભગવાને અર્જુનને એમ નથી કહ્યું કે, હું કહું એમ કર. ભગવાન એમ બોલ્યાં છે કે, 'મેં તને જે આ જ્ઞાન આપ્યું હવે તારી ઈચ્છા પડે તેમ તું કર.' અર્થાત્ 'યથેચ્છસિ તથા કુરુ.' ગીતા સમજાવે છે કે સદ્ગુરુનું કામ એ રસ્તો બતાવવાનું છે. પણ માર્ગ ઉપર ચાલવું કે ન ચાલવું એ શિષ્યને જોવાનું છે.
ગીતા સમજાવે છે કે મુક્તિ વ્યક્તિએ જાતે જ મેળવવી પડે; અને એ મુક્તિ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. માટે ચૌદમા અધ્યાયના પ્રથમ શ્લોકમાં કહ્યું 'પરમ્ ભૂય પ્રવક્ષામિ, જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ્; યદ જ્ઞાત્વા મુનયસર્વે પરમ્ સિદ્ધિ મિતો ગતા.' અર્થાત્ ભગવાન અર્જુનને કહે છે કે, 'ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન હું આપું છું. આ જ્ઞાન મેળવવાથી મનુષ્યને પરમ્ સિદ્ધિ પ્રાપ્ત થશે.' પણ પરમ સિદ્ધિનો અર્થ શું ? નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક. સાચું શું છે અને ખોટું શું છે એ સમજણ જ્ઞાનથી જ આવશે અને જે વિવેકી હશે એને જ્ઞાન પ્રાપ્ત થશે.ળ
માટે જ એક ભાવ ગીતમાં બહુ સુંદર શબ્દો છે કે, 'માર્ગ છે અજાણ્યો, મોજા ભયંકર, સંસાર સાગર તરવો છે દુષ્કર; હવે હોય શાની ફીકર ડુબવાની, કુશળ મરજીવો જ્યાં તરાવી રહ્યો છે.' આપણા માટે કુશળ મરજીવા સમાન જો કોઈ હોય તો તે ભગવાન શ્રીકૃષ્ણ છે. માટે જ કહ્યું કે, 'કૃષ્ણમ્ વંદે જગત ગુરુમ.'
માર્ટીલ શીલ એને કોઈ વ્યક્તિએ વિદેશમાં પ્રશ્ન કર્યો કે, 'ગાઢ જંગલમાં તમને એકલાં છોડી દેવામાં આવે અને તમને બિક લાગે તો તમે કઈ વસ્તુ જોડે રાખો ?' ત્યારે ઉત્તર આપતાં કહ્યું કે, 'ભગવદ ગીતા સિવાય કોઈ વસ્તુ મારી સાથે હોઈ જ ના શકે !'
જીવનમાં હરક્ષણ શ્રીકૃષ્ણ આપણી સાથે જ છે. માટે પુનિત મહારાજ કહે છે કે, 'ડગલું ચાલું અને મારો રણછોડ છે સાથમાં.' આ વિચારો એ ગીતાજીના વિચારો છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, 'તું મારે શરણે આવ, મારો થા.' અને માટે જ ગીતાજીનું વાંચન કરવું જોઈએ. ગીતાજીનો પ્રસાદ આપણી જોડે હોય અને શ્રીકૃષ્ણ આપણી સાથે હોય તો જીવનનો વિષાદ દુર થઈ જાય.
ગીતાના પ્રસાદ થી વિષાદને દુર કરી શ્રીકૃષ્ણ કૃપાનો અનુભવ કરીએ એ જ અભ્યર્થના...અસ્તુ !.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી