ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપુર એટલે ભાદરવી પૂનમનો મેળો...
અરવલ્લીનો આરાસૂર પર્વત પર બિરાજમાન જગદ્જનની મા અંબાનાં ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો આ શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. મા અંબાના દર્શન કરવા ગામે ગામથી પદયાત્રી તો કોઈ દેશવિદેશથી માની ધજા- રથ સાથે, સંઘના સમુહ 'મા જગદંબા' ના ચરણે પહોંચે છે. અંબાજીની આ પદયાત્રાની પરંપરા બસો વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે.
ભાદરવી પૂનમનાં આગલા દિવસોથી જ પર્વતીય વિસ્તારમાંના ઉંચા નીચા રસ્તા પાર કરીને પદયાત્રીઓ મા જગદંબાના દર્શન કરવા આતુર બને છે, તેમજ તેમની સાથે ચાલતા નાના બાલુડાના ચહેરા પર જરાય થાક વર્તાતો નથી. જાણે સૌ પદયાત્રીઓમાં જગદ્જનની શક્તિનો સંચાર કરી રહી ન હોય ? મા અંબામા પ્રત્યેની આવી અઢળક આસ્થા આ માઈભક્તોમાં જ જોવા મળે છે ને ? આમાનાં કેટલાય પદયાત્રીઓ દર વર્ષે પદયાત્રા કરીને ધન્યતા અનુભવે છે. અગાઉ પાંચ દિવસ ચાલતો આ મહામેળો છેલ્લા કેટલાક વર્ષોથી હવે સાત દિવસ સુધી ચાલે છે.
અંબાજીનું આ માતાનું મંદિર, પ્રાગ ઐતિહાસિક કાળનું અને આ સ્થાનક ૧૨૦૦ વર્ષ પુરાણું હોવાનું મનાય છે. એક પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવજીએ જે સતીમાતાનાં બાવન ટુકડા થયા એમાંથી બાવન શક્તિ પીઠ બની અને એમાંનો એક ટુકડો, જે હૃદયનો અંબાજીમાં પડયો, તે ત્યારથી આ સ્થળ જગદ્જનનીનાં આદ્ય શક્તિ પીઠ તરીકે પ્રસિદ્ધ બની ગયું. જ્યારે' ભાગવત'માં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણનાં વાળ ઉતરાવવાની વિધિ આરાસુરમાં મા અંબામાંના સ્થાને થઈ હતી.
આ પ્રસંગે નંદ-યશોદાએ માતાજીનાં આ સ્થળે જવારા વાવ્યા હતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પાંડવો પણ વનવાસ શ્રી રામ અને લક્ષ્મણજી સીતાજીને શોધતા-શોધતા અર્બુદાનાં જંગલમાં આવેલા શ્રંુગત ઋષિનાં આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ માતાજીના આશીર્વાદ લઈ. પ્રસન્ન થઈને રાવણને હણવા ભગવાન શ્રી રામને અજયબાણ આપ્યું. આ બાણથી જ રાવણનો નાશ થયેલો, એવી માન્યતા છે.
આમ ભક્તિ અને શ્રદ્ધાંનાં સાગર સમા અંબાજીનાં ભાદરવી પૂનમનાં મેળાનો જીવનમાં એકવાર લાભ લઈને જીવતરને ધન્ય બનાવી શકાય.
જય અંબે...જય અંબે...