Get The App

ગાયત્રી-સાર્વભૌમ મંત્ર .

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
ગાયત્રી-સાર્વભૌમ મંત્ર                                   . 1 - image

જે રીતે રમતના મેદાનમાં પરિશ્રમ કર્યા વગર કોઈ ખેલાડી બની શક્તો નથી અને અખાડામાં ઊતર્યા વગર કોઈ પહેલવાન બની શક્તો નથી એ જ રીતે નિયમિત ઉપાસના, સાધના અને આરાધના કર્યા વગર કોઈ પણ માણસ સાધક બની શક્તો નથી. તેને કોઈ સિધ્ધિ મળતી નથી. તે આધ્યાત્મિક ઉન્નતિ કરી શક્તો નથી. એના પરિણામે તેને શાશ્વત સુખ, શાંતિ તથા મુક્તિ પણ મળી શક્તી નથી.

શ્રીરામ શર્મા આચાર્ય લખે છે, ઉપાસનાના નામે મોટા ભાગે એવી ભૂલ થાય છે કે અનેક લોકો એવું ખોટું સમજે છે કે ભગવાનને બિચારાને પ્રસાદ, નૈવેદ્ય, નાળિયેર, ઇલાયચી વગેરે વસ્તુઓ કદાપિ મળતી નથી અને જો હું તેમને આ બધું ચઢાવીશ તો તેઓ ખુશ થઈ જશે અને ખૂબ કૃપા કરશે. જો હું તેમની સ્તુતિ તથા પાઠ કરીશ તો જાગીરદારોની જેમ તેઓ પોતાની પ્રશંસા સાંભળીને ખૂશ થઈ જશે અને મને માલામાલ કરી દેશે. આવી બધી બાળરમતથી ભગવાનને પોતાની મનોકામના પૂરી કરવા ફોસલાવી શકાય છે પછી ભલે એ મનોકામના યોગ્ય હોય કે અયોગ્ય, ન્યાય સંગત હોય કે અન્યાયપૂર્ણ હોય છતાં પણ ભગવાન તેને પૂરી કરી દેશે.' આ ભૂલ ભરેલી માન્યતા છે.

સાધક માટે સદ્બુધ્ધિની દાતા વેદમાતા ગાયત્રીની સાધના સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, સર્વસુંલભ અને સરળ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે 'ગાયત્રી' છંદસામહમ્ કહીને ભારતીય સંસ્કૃતિના મંત્રોમાં ગાયત્રી મંત્રને સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ પ્રતિપાદીત કર્યો છે. ગાયત્રી મહામંત્રની મોટી મહત્તા હોવાના કારણે જે પરાપૂર્વથી આપણા ઋષિમુનિઓ, મહર્ષિઓ તથા મહાપુરુષો ગાયત્રીની ઉપાસના કરતા રહ્યા છે. તપશ્ચર્યા કરતા રહ્યા છે. જેમ કે-

વેદ વ્યાસ, દેવર્ષિ નારદ, વિશ્વામિત્ર, પરશુરામ ઋષિ ભારદ્વાજ, વશિષ્ઠ, દુર્વાસા, સનતકુમાર, કપીલ, કશ્યપ, વાલ્મીકિ, અગસ્ત્ય, જમદગ્નિ, યાજ્ઞાવલ્ક્ય, પરાશર, દધિચી, શૌનક, લોમશ, અત્રિ, મુદ્ગલ, કૌશિક, ગૌતમ, પાંડુક્ય, કણ્વ. પુલસ્ત્ય, ચ્યવન વગેરે ઋષિઓના જીવન તરફ જો દૃષ્ટિપાત કરીએ તો સ્પષ્ટ રૂપે સમજાઈ જશે કે તેમની મહાનતા અને સફળતાનું મૂળ કારણ તેમની ગાયત્રી સાધના જ હતી.

આધુનિક યુગમાં પણ એવા અનેક મહાત્માઓ થઈ ગયા છે જેમણે ગાયત્રી ઉપાસનાનો આશ્રય લઈને પોતાના આત્મબળ તથા બ્રહ્મતેજમાં અપાર વૃધ્ધિ કરી હતી. તેમના ઇષ્ટદેવ ભલે જુદા હોય એમ છતાં વેદમાતા ગાયત્રી પ્રત્યે તેઓ અનન્ય શ્રધ્ધા ધરાવતા હતા. અને તેથી જ તેઓ મહાપુરુષ બની શક્યા. જેવા કે શંકરાચાર્ય, તુલસીદાસ, ગોરખનાથ, દયાનંદ સરસ્વતી સ્વામી શિવાનંદ, સમર્થ ગુરુ રામદાસ, સંત જ્ઞાાનેશ્વર, સ્વામી રામાનંદ રામાનુજાચાર્ય, માધવાચાર્ય, હરિદાસ, દાદુ દયાળ સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, મહર્ષિ અરવિંદ, મહર્ષિ રમણ, મહાત્મા ગાંધી, કવિવર રવીન્દ્રનાથ ટાગોર, સર્વ પલ્લી રાધાકૃષ્ણન, લોકમાન્ય તીલક- વગેરે મહાત્માઓનો આધ્યાત્મિક વિકાસ ગાયત્રી મહાશક્તિનો પાલવ પકડવાથી જ થયો હતો.

ગાયત્રી સાધના કદાપિ નિષ્ફળ જતી નથી. કોઈ પણ બીજા મંત્રનો જપ કરવામાં આવે અને દુર્ગા, કાલી, લક્ષ્મી, વિષ્ણુ, શિવ, કૃષ્ણ, રામ વગેરે કોઈપણ ઇષ્ટદેવનો સાધક પોતાના ઇષ્ટમંત્રની સાથે સાથે ગાયત્રીમંત્રના જપ અવશ્ય કરી શકે છે. કારણકે ગાયત્રી સાર્વભૌમ મંત્ર છે. તેમજ સદ્બુધ્ધિની પ્રાપ્તિ માટેનો મંત્ર છે. ગાયત્રી સાધના કરવાથી પોતાના ઇષ્ટદેવનો મંત્ર જલદી ફળે છે. આથી ગાયત્રીમંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. ગાયત્રી સાધનાથી આપણો સંપૂર્ણ વિકાસ થાય છે. આપણે સુખી તથા પ્રતિભાશાળી બની શકીએ છીએ. ગાયત્રીનો સાધક દિવસે દિવસે ઓજસ્વી, તેજસ્વી તથા વર્ચસ્વી બનતો જાય છે. તે ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ કરીને જીવનમાં અવશ્ય સફળ થાય છે. જેને ગાયત્રી સાધનાની સફળતા વિશે શંકા હોય તેણે અવશ્ય પ્રયોગ કરીને ખાતરી કરવી જોઈએ. 

માધવાચાર્યે વૃંદાવનમાં રહીને ૧૩ વર્ષો સુધી ગાયત્રીના અનુષ્ઠાન કરી 'માધવનિદાન' નામના ગ્રંથની રચના કેવી રીતે કરી તે હકીકતથી આયુર્વેદ ચિકિત્સાક્ષેત્રની પ્રત્યેક વ્યક્તિ જ્ઞાાત છે. 

ઓમ ભૂર્ભુવ : સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોન : પ્રચોદયાત્ ।।

- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ