Get The App

'ગરબો- બ્રહ્માંન્ડનું પ્રતીક

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
'ગરબો- બ્રહ્માંન્ડનું પ્રતીક 1 - image

'ગરબો' ગુજરાત ગુજરાતીઓનું પ્રતીક. આધ્યાત્મિક રીતે તો ગરબો 'બ્રહ્માન્ડનું જ પ્રતીક છે. પરંતુ ગુજરાતની પ્રજાએ, કવિઓ, ભક્તોએ ભક્તિમાં વણી લઈ આગવી ઓળખ આપી છે. ગુજરાતની સાંસ્કૃતિક ઘરોહર 'ગરબો' વૈશ્વિક ધરોહર ગણાયો છે. વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે ગરબો ગુજરાતને, ગરવી ગુજરાતણોને આગવી ઓળખ આપે છે.

ગરબા એ ગુજરાતની સંસ્કૃતિને વિશ્વકક્ષાએ જાળવી છે. 'હાથ-તાળી' થકી પંપાળી છે. 'ઠેસ' મારી સરખી રાખી છે, 'ચપટી' થી મનાવી પટાવી જાળવી લીધી છે. ગરબો શક્તિની ભક્તિનું સ્થૂળ સ્વરૂપ છે. ગરબાએ સમયને અને સમયે ગરબાને સાચવ્યો છે. ગુજરાતના ગ્રામ્ય જીવનને, નગર સંસ્કૃતિને ગરબાએ ધબકતાં રાખ્યા છે કારણકે ગરબો લોકોનો છે. લોકજીવનનો છે. 

'નંદનવન' થી મોંઘી છે ગૂજરી, ગરબા ગરબી રાસથી જીરે

ગૂજરીકૂંજ છે દેવોને દોહયલી, ગુર્જરી રાસના ઉલ્લાસથી જીરે.'

- જાતે પારસી હોવા છતાં સવાયા ગુજરાતી થઈ કાવ્યતત્વને પચાવનાર કવિ 'ખબરદાર' અરદેસર ફરામજી એ ઉપરોક્ત પંક્તિઓમાં ગુજરાત, ગરબા- ગરબીનું અંદકેરું મૂલ્ય આંક્યું છે.

આધ્યશક્તિ એટલે કોણ ? શક્તિપૂજા અનાર્યોના સમયથી ચાલતી આવી છે. માર્કન્ડેય પુરાણના બીજા અધ્યાયમાં 'આદ્યશક્તિ'ની ઉત્પતિની કથા આવે છે. જેમાં દેવ-દાનવ 'દેવાસૂર' સંગ્રામની કથા મહિષાસૂર પુરંદર વચ્ચે સો વરસ સુધી યુધ્ધ થયું. દેવલોકોની હાર થઈ. ઇન્દ્રાદિ દેવો બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજી, મહાદેવને લઈ શ્રી વિષ્ણુ ભગવાન પાસે ગયા. સૂરગણો ત્રિદેવીની વંદના કરવા લાગ્યા. પરંતુ હારેલા દેવો પર 'ત્રિદેવ' ને અતિક્રોધ થયો. ઇન્દ્રાદિ દેવોએ અસૂરોથી બચવા માર્ગદર્શન માંગ્યું. અતિ ક્રોધથી ત્રણ દેવમાં ક્રોધાગ્નિ પ્રગટયો. જેમાંથી 'મહાપ્રચંડ તેજરાશિ પ્રગટયું. જે મહાજ્યોત સમગ્ર બ્રહ્માંડમાં પ્રજવલિત પ્રકાશિત થયી. સમગ્ર વિશ્વમાં 'આધ્યજ્યોતિ' શક્તિ રૂપે પ્રગટયા. જે આદ્યશક્તિએ મોહવશ 'મહિષાસૂર' વૈશ્વિક અંધારનો વધ કર્યો. આદ્યજ્યોતિ જે આદ્યશક્તિ વૈશ્વિક તેજમાં પ્રગટ થયા. સૂર્ય ચંદ્ર, તારા, નક્ષત્રોમાં પોતાનું તેજ પ્રસરાવી, અનંત બ્રહ્માંડમાં વ્યાપ્ત થયા. આદ્યશક્તિનું ભૌતિક અને દૈહિકરૂપ જે વિશ્વમાં નારીશક્તિ રૂપે જગતમાં ઘેર ઘેર ગૃહલક્ષ્મી રૂપે વ્યાપ્ત છે. આધ્યશક્તિ જે જગતકલ્યાણી રૂપે પ્રગટયા તે જ આપણા સૌના ઘરોમાં સ્થૂળ રૂપે વસી રહ્યા છે. જેને આપણે સૌ લક્ષ્મી ગણી પૂજી રહ્યા છીએ.

ગરબો એટલે આદ્યશક્તિના ભૌતિકરૂપ નારીશક્તિ. સૃષ્ટિનું સર્જન કરવાની શક્તિ ધરાવતી 'નારીની કૂખ પણ 'ગર્ભદીપનું જ પ્રતીક છે. જીવ માતાના ગર્ભથી જ પ્રગટે છે. તે જ રીતે માટીનો ઘડો 'ગોળાકાર' જે રીતે મા નું ઉદર ગોળાકાર. માટીના ઘડામાં જ્યોત પ્રગટાવામાં આવે છે. જે રીતે માતાના દેહમાં જીવજ્યોતિ નવમાસ રહી પ્રગટ થાય છે. નવરાત્રી પણ નવમાસનું જ પ્રતીક છે.

- વસંત મ. દવે