(તા. ૭ અને ૮-૯-૨૦૨૫, (ભાદરવા સુદ પૂનમ, શનિવાર-રવિવાર)
ગ્રહણની અવધિ-૩ કલાક ૨૯ મિનિટ
ગ્રહણ સ્પર્શ : ૯.૫૭
ગ્રહણ મધ્ય : રાત્રીના ૧૧.૪૨
ગ્રહણ મોક્ષ : ૧.૨૬
(ગ્રહણનો વેધ તા. ૭ ને શનિવારના રોજ બપોરે ૧૨.૫૭ થી બેસે છે. ત્યારબાદ ભોજન કરવું નહીં. (બાળકો, વૃદ્ધોએ ૪.૫૭ પછી ભોજન કરવું નહિ)
આપણા ભારતમાં સોળ સંસ્કાર, મૂર્તિપૂજા, મંદિરો, તીર્થસેવન, સાધુસંગતિ, વિધિ-નિષેધ, વર્ણ, આશ્રમ દ્વારા ઉચિત જીવન વ્યવહાર, કુકર્મથી નરકની પ્રાપ્તિ અને સત્કર્મથી મુક્તિની પ્રાપ્તિ થાય છે એવો દ્રઢ વિશ્વાસ છે. તેથી આપણે ત્યાં ગ્રહણનો વિધિ પણ પાળવામાં આવે છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં બે પ્રકારના ગ્રહણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એક સૂર્યગ્રહણ અને બીજું ચંદ્રગ્રહણ. આ બંને ગ્રહણ દરેક માણસોએ પાળવાના હોય છે. આ ગ્રહણની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તે પાળવા માટે કયા કયા પ્રકારના વિધિ અને નિષેધ છે તેનો વિસ્તાર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યો છે.
જ્યારે જ્યારે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ આવે છે ત્યારે તે આપણે અવશ્ય પાળવું જ જોઈએ. તેવી આજ્ઞાા આપણા હિન્દુ ધર્મના અનેક ગ્રંથોમાં કરેલી છે.
ધર્મશાસ્ત્રમાં ગ્રહણના સૂતકને મોટું સૂતક કહેલું છે. ગ્રહણ સમયે બીજી ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું, પરંતુ જે ગ્રહણ નથી પાળતા તે બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે. માટે જે ગ્રહણનો સૂતકી હોય તેને જે અડે ને તેના સંસર્ગમાં આવે તો ભક્ત હોય તે પણ તેમાંથી ઉતરી જાય છે. ગ્રહણનું સૂતક એવું ખરાબ છે, તેમ સામે ગ્રહણ સમયે જે દાન કરવામાં આવે છે તેનાં જેવું કોઈ ઉત્તમ દાન નથી.
ચંદ્રગ્રહણના પ્રસંગે શું શું ન કરવું જોઈએ...
- ચંદ્રગ્રહણમાં ગ્રહણ સમય પહેલાં ત્રણ પ્રહર પહેલા (૯ કલાક) પહેલા વેધ બેસી જાય છે, આ સમય દરમિયાન જમાય નહીં.
- વેધમાં ઠાકોરજીને થાળ ન થઈ શકે. આરતી, ધૂન, પ્રાર્થના, કથા, કીર્તન થઈ શકે.
ચંદ્રગ્રહણ કેવી રીતે પાળવું ?
- ચાલુ ગ્રહણ સમયે એક જ સ્થાને બેસીને ભગવાનના મંત્રની ધૂન અને કથા - કીર્તનાદિ કરવું.
- સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણ વખતે રાંધેલું અન્ન વધેલું પડયું હોય તો તે ત્યાગવું.
- અથાણાં, દૂધ, દહીં, છાસ, ઘી, તેલ, તેલમાં તળેલી વાનગીઓ, માટીથી બનેલું પાણી ભરવાનું માટલું વગેરેમાં તલ અને દર્ભ (દાભડો) નાખવાથી તેને ગ્રહણ લાગતું નથી, પવિત્ર રહે છે.
- શણ, ઊન, દર્ભ, રેશમ - આ પૈકી કોઈપણ વસ્તુનું વણેલું કાપડ, ધાબળી, આસન કે અંબર પવિત્ર ગણ્યાં છે, સુતરાઉ કપડાં, આસન વગેરેનો સ્પર્શ ગ્રહણ દરમિયાન થઈ ન શકે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


