એકવાર, એકનાય ગંગાજળની કાવડ લઈને રામેશ્વર અભિષેક કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે એક ગધેડો તરસ્યો હોવાથી તડફડતો પડયો હતો. એકનાથે એકક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાની પાસે કાવડમાં જે ગંગાજળ હતું તે બધું જ ગધેડાને પીવડાવી દીધું. આજુ બાજુનાં લોકોએ આ જોઈને મશ્કરીમાં કહ્યું 'જુઓ આ શું કરે છે ? કેવો મૂર્ખ છે ? રામેશ્વર ઉપર જળ ચઢાવવાને બદલે ગધેડાને પીવડાવી રહ્યો છે.'
એકનાથ હસીને બોલ્યા, જુઓ ભાઈ, મારા રામેશ્વર પોતે અહીં આવી ગયા. એવું કહેવાય છે કે એકનાથની આ કરૂણા જોઈને શંકર ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા. અને બોલ્યા,' વરદાન માંગો. ત્યારે તે એકનાથે કહ્યું કે પ્રભુ ! તમે મારા પર શા કારણે પ્રસન્ન થયા છો ? ત્યારે શીવ કહે છે કે ' તે મરતા ગધેડાને ગંગાજળ પીવડાવી દીધું આજે તે પરોપકારનું કારૂણ્ય ભર્યું કામ કર્યું છે.'
શાંતભાવથી ત્યારે એકનાથ પ્રત્યુત્તર દેતા કહે છે કે ' મહારાજ ! મેં કોઈ પરોપકાર નથી કર્યો તરસ્યા વ્યાકુળ આ ગધેડાને જોઈને મને કરૂણતા આવી અને દુ:ખ થયું. તો મારી પાસે હતું, એ પાણી એને પીવડાવ્યું છે. મેં કોઈ ઉપકારની ભાવનાથી આ કામ નથી કર્યું. સેવાના કાર્યને ઉપકાર કહેવામાં નથી આવતો.
આ જ જીવનની કરૂણા પ્રેમ અને સેવા છે.
- ડો.ઉમાકાંત.જે.જોષી


