''રામ ચરિત માનસ''માં એવો ઉલ્લેખ છે કે જ્યારે રાવણે પૂછયું; તપસ્વી રામ કોણ ? ત્યારે મંદોદરીએ કહ્યું હતું; 'રામ એટલે પદ, પાતાલ, શીશ અજ ધામ - જેના પગ પાતાળમાં અને મસ્તક બ્રહ્મલોકમાં છે તે રામ' રામને સમજવા માટે બહુ કાળ સુધી સત્સંગ કરવો પડે. કેવળ બુધ્ધિથી રામ થોડા પકડાય છે ? રામતીર્થે લખ્યું છે કે, ''મેંને બુધ્ધિ કી કિતાબ કો ગંગા મેં ફેંક દી બુધ્ધિ ને પરેશાન કર દિયા મુઝે' ભક્તિમાં બુધ્ધિની જરૂર નથી વિશુધ્ધિની છે.
દરિયાકાંઠે સાધુ-મોટા સિધ્ધ પુરૂષ ચાલ્યા જાય છે. ત્યાં થોડે દૂર બે બાળકો રમતા રમતા લડી પડયા, એક જે નાનો હતો તે મોટેથી રડી પડયો અને બીજો દોડી ગયો બાબાને દયા આવી બાળક પાસે જઈને પૂછયું; 'શું કામ રડે છે ?' બાળકે કહ્યું; પેલો મને મારી જતો રહ્યો, મારું શર્ટ ફાડી નાખ્યું. સાધુ બોલ્યા 'મારા માં બહુ સિધ્ધિ છે, આજે પહેલી વાર તારી પાસે મારી સિધ્ધિઓનો પ્રયોગ કરવો છે.' રડવાનું બંધ કરી દે, તું જે માગીશ તે આપીશ ! બાળક છાનો રહી ગયો. 'બાપજી, જે માંગશો તે આપશો ?' બાબા બોલ્યા, હા, બાળકે ચડ્ડીના ખિસ્સામાંથી એક પ્યાલો કાઢયો અને બાબાને કહ્યું : 'તો આ પ્યાલામાં સામે દેખાય છે તે દરિયો ભરી આપો. મહાત્માનું મગજ ધ્રુજી ગયું, બાળક ના પગ પકડી લીધા. કહ્યું, તે આજે મને સાચુ શિક્ષણ આપ્યું.'
જેમ પ્યાલામાં દરિયો ન ભરાય એમ બુધ્ધિનાં વાટકામાં કોઈ દિવસ બ્રહ્મ ન ભરાય. બ્રહ્મનુ સ્વરૂપ બુધ્ધિથી પર છે મૂંગો માણસ કેરી ખાતો હોય તમે અ ેને પૂછો કે કેવી લાગે છે ? એ રાજી થતો હોય છતા વર્ણન કેવી રીતે કરી શકે ?
રામસ્વરૂપ તુમ્હાર બચન અગોચર-બુધ્ધિ પણ ઈશ્વર અવિગત, અશક્ય, અવર્ણનીય છે. અવિગત-રામજીનાં સ્વરૂપ ની કોઈ વિગત ન આપી શકાય.
- ચેતન એસ. ત્રિવેદી


