ક્ષમા વીરસ્ય ભૂષણમ...
ઉપરોક્ત સંસ્કૃત વાક્ય એ સમજાવે છે કે ક્ષમા એ વીર મહાન પુરૂષનું આભૂષણ છે. જેમ દાગીના કે અલંકારો પહેરવાથી માનવ શરીર શોભે છે, તેમ કોઇને ક્ષમા કરવાથી મનની તથા માનવતાની ગરિમા શોભે છે. ક્ષમા એટલે માફી. દરગુજર કે જતું કરવાની ભાવના. ક્ષમામાં બે વ્યક્તિઓ મહત્ત્વના છે, એક જે ક્ષમા માંગે છે તે અને બીજો ક્ષમા બક્ષે છે તે. કોઇને ક્ષમા આપવી એ નાનીસૂની બાબત નથી. સૌ પ્રથમ તો આપણે જાણીએ કે ક્ષમા એટલે શું ? જ્યારે કોઈ વ્યક્તિથી જાણે અજાણે કોઈ ગુનો કે અપરાધ થયો હોય અને તે પોતાની ભુલ કે ગુનાનો એકરાર કરે એને ક્ષમા કહેવામાં આવે છે.
ક્ષમાની મહાનતા ત્યારે જ ગણાય છે કે જે માણસ પાસે સત્તા, અધિકાર કે પદ હોય, એ વ્યક્તિ ધારે તે કરી શક્તો હોય અને તે વ્યક્તિ કોઇને ક્ષમા આપે એ જ સાચી ક્ષમા છે. આના માટે હિન્દીમાં એક પ્રચલિત સુભાષિત છે કે 'ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો જિસકે પાસ ગરલ હો, ઉસકા ક્યા જો દંતહીન, વિષહીન સરલ હો' કહેવાનું તાત્પર્ય એ છે કે જે સાપ વિષધર હોય, જેના દાંત ડંખીલા હોય, સર્વ રીતે શક્તિમાન હોય અને એવો સાપ કોઇને માફી આપે કે ક્ષમા આપે એમાં જ એની મહાનતા છે, જ્યારે જે સાપ શક્તિહીન હોય, વિષહીન કે દંતહીન હોય અને તે કોઇને જતો કરે એમાં એ રાજાની મહાનતા છે.