માનવીમાત્ર સાંસારિક જીવનયાત્રા દરમ્યાન જાણતાં-અજાણતાં પાપ કૃત્યો કરે છે - થઈ જાય છે. ક્યારેક અજાણે થએલ પાપ કૃત્યની પાછળથી જાણ થાય ત્યારે કરેલ પાપકર્મ બેબાકરું બની રહે છે - મન-હૃદય બેચેન બને છે. આ સમયે ઉદય થાય છે - ક્ષમાપના ભાવઉર્મિનો!
ક્ષમાપના એટલે પશ્ચાતાપ - પસ્તાવો - પાપ પ્રકટ હૈયાવરાળ... અહીં ક્ષમાપનાના સહારે નમી જવાની વાત છે. ક્ષમાપના એટલે ક્રોધ - અહંકાર તિરસ્કાર - ઈર્ષ્યા જેવા કષાયોના ભારથી મુક્ત થવું. પર્યુષણના પાવન દિવસોમાં આંસુ સારી આનંદ લૂંટવાનો છે. ક્ષમાપનાના ભાવ પ્રકટે આંખો ભીની ભીની થાય. ખૂબ ખૂબ રુદન કરવાનું છે - થએલ કાળાં પાપો પ્રત્યે ! પોક મૂકી આંખોમાંથી અશ્રુધારા વહેવડાવવાની છે સ્વયંને પજવતા દોષો - દુર્ભાવો - તમસવૃત્તિ યાદ કરીને ! પશ્ચાતાપ કરવાનો છે મન મૂકીને બીજાને આપેલાં દુ:ખો પ્રત્યે - આપણાંથી થએલ વાણીની હિંસાનો ! વિશેષ આપણાં સ્વનાં સ્વાર્થે - આનંદે બીજાને પજવ્યાનો કે દુભવ્યાનો પશ્ચાતાપ કરવાનો છે. અહીં પશ્ચાતાપ છે આપણાં દોષોનો ! વિતેલ સમયની ક્ષણે ક્ષણથી વર્તમાન સુધી આપણાં દુ:ખો, પીડા-વ્યથા-પ્રતિકુળતા પાછળ ખૂબ રડયા હવે દુ:ખોનું સ્થાન આપણાં દોષોને દેવાનું છે - દુ:ખને સ્થાને હવે દોષો ગોઠવવાના છે. દોષો-દુર્ભાવો પ્રત્યે સજાગ-સક્રિય રહી રડી રડી મક્કમપણે દોષભાવો દૂર કરવાનો સમજપૂર્વક પ્રયત્ન કરવાનો છે. દોષો અને કષાયોનું દહન-શમન થતાં હૃદયથી ભીનાં ભીનાં થવાનો આ સમય છે. ક્ષમાપનાભાવે માનવમનમાં આનંદની લહેરો ઉઠે જે થકી આંખોમાં સહજ હર્ષનાં આંસુ જન્મે ! બીજાને સુખી કરી જાતે સુખી થવું એ પર્યુષણપર્વના ક્ષમાપનાનું ફળ છે. શુભમ્ ભવતું - સૌનું કલ્યાણ હો - મંગળ થાઓ એ પ્રભુને અર્ચના !
- किसी ने कष्ढ दिया - क्षमा करो ।
- किसी ने हानि की क्षमा करो ।
- किसीने अपमान किया-क्षमा करो ।
- कोई क्षमा मांगे क्षमा करो ।
- कोई क्षमा न मांगे क्षमा करो ।
तुम शांति - सुख पा लोगे.''
''તુમ શાંતિ-સુખ પા લોગે.''
- કમલેશ હરિપ્રસાદ દવે


