- કબીરદાસજીનો જન્મ 1398 ઈ. કાશીમાં થયો હતો. એના ગુરૂ 'રામનન્દજી' હતા તેમની પત્ની લોઈબાઈ હતી અને તેમને પુત્ર કમાલ અને પુત્રી કમાલી હતા. તેમનું મૃત્યુ 1575 માં થયું હતું. મૃત્યુસ્થાન મગહર હતું. કબીર સાહેબ એક મહાન સમાજ સુધારક માહાત્મા હતા
- જો સંત કૃપા કરે, હાથ પકડે, દીશા બતાવે તો જ આપણું મમત્વ તૂટે. અહીં 'મા' એટલે કબીર સાહેબ જનેતાનું નહીં પણ મમત્વ પણાને મારવાની વાત કહી છે
- જેનો આહાર શુદ્ધ હશે, સાત્વિક હશે, તેની બુદ્ધિ પણ શુદ્ધ અને સાત્વિક બનશે. આમ અહીં ગાયનું માંસ એટલે ભાવનો ભોક્તા એવા અર્થે કબીરજીએ કહેલું છે
ક બીર સાહેબે 'અમરપદ' મેળવવા માટે જીવનની પાંચ સાધનાઓ બતાવી છે. અમરપદ એટલે પ્રભુનાં આશ્રયનું પદ.
मा मारी धीधर करी गोबच्छ जो खार्इ ।
बाह्मण इति पहेचान करे सो अमरापुर जार्इ ।।
અહિં કબીરજીએ બહુ સ્પષ્ટ કરતા કહ્યું છે કે (૧) માને મારી નાખો. (૨) દીકરીને ઘરમાં રાખો (૩) વાછરડાનું માંસ ખાવું (૪) બ્રાહ્મણને મારી નાખો અને (૫) મદપાન પીઓ...
આમ જૂઓ તો આ વાતો બહુ વિચિત્ર અને અધાર્મિક લાગે... પરંતુ તેણે જે અર્થમાં કીધું છે તે સમજીએ તો આ વાતો ભવસાગર તરવાની વાત કટાક્ષ રૂપે કહી છે આપણે તેનો ખરો અર્થ જોઈએ.
(૧) માને મારી નાખોનો અર્થ અહીં મમત્વ તથા મમતાને મારવાની વાત છે. આપણને સહુને મમત્વ જ મારે છે. જો સંત કૃપા કરે, હાથ પકડે, દીશા બતાવે તો જ આપણું મમત્વ તૂટે. અહીં 'મા' એટલે કબીર સાહેબ જનેતાનું નહીં પણ મમત્વ પણાને મારવાની વાત કહી છે. માતૃત્વ તો પૂજનીય છે. મા તો ઈશ્વરનું બીજુ રૂપ ગણાય છે. મમત્વ એ આપણા અંદરનો શત્રુ છે તેને મારવાનું કબીર સાહેબ કહે છે.
બીજી વાત દીકરીને ઘરમાં રાખો : આ પણ કબીરજીની વિચિત્ર વાત લાગે છે. ઘીઘી એટલે દીકરીએ ઘી એટલે બુદ્ધિ - એ જ આપણી દીકરી. અહીં કબીરજી કહે છે કે 'ઘી' બુદ્ધિને ઘરમાં રાખો. બીજે ક્યાંય ન વરાવવી. અહીંયા જે શ્રેષ્ઠ 'નટવર' બેઠો છે ત્યાં વરાવો.
શ્રીમદ્ ભાગવતની ભીષ્મ સ્તુતિ અદભુત છે. ભીષ્મ મૃત્યુની બાણ શય્યા ઉપર સુતેલા છે અને કૃષ્ણની ઉપસ્થિતિમાં મહાનિર્વાણમાં જઈ રહ્યા છે. મૃત્યુ તો તમે જૂઓ. શું માંડવો રોપાયો હતો ? શું વરઘોડો ચઢયો છે. ભીષ્મનો ? બાણના ઘોડા ઉપર ચઢેલો વરરાજો આજે નીકળ્યો છે અને ત્રાજવું લઈને ઊભેલો કનૈયો, જરાયે આમથી આમ થવા ન દે. આવી નિર્ણાયક પરમ સત્તા, ચહેરા ઉપર થોડી પીડા અંદરથી દુ:ખ, એવા વયોવૃદ્ધ પુરુષ પિતામહ ભીષ્મ, શ્રીકૃષ્ણની સ્તુતિ કરતા એમ કહે કે, હે ગોવિંદ ઘરડો થયો મરવા જાઉં છું પણ વિપત્તિની એક વેદના લઈને જાઉં છું. કેમ ?? મારી દીકરી (બુદ્ધિ) કુંવારી છે.
તેને હું પરણાવી નથી શક્યો. હે ગોવિંદ આટલી ઉંમર થઈ, તારી રાહ જોતો હતો તેને (બુદ્ધિ)ને આપ વરો, શ્રીકૃષ્ણ સર્વલોક મહેશ્વર છે, કૃષ્ણ સર્વસત્તાધીશ છે. પણ સરમુખ્યતાર નથી, આજ તેનો ઈશ્વરીય સ્વભાવ છે ભીષ્મ કહે છે કે મારી જે બુદ્ધિ છે તે કુંવારી છે. અત્યાર સુધી તે કુંવારી છે હે નટવર ! મારી દીકરી બુદ્ધિને તમે જાઓ. અહિં કબીર સાહેબ બુદ્ધિને દીકરીનું રૂપક આપી પોતાની પાસે રાખવાની વાત કરે છે. કૃષ્ણને કે હરિને પરણાવો. પોતાની પાસે હૃદયમાં રહેલા હરિને પરણાવો.
(૩) गो सो बच्छ सो खाय :- ગાયનાં વાછરડાનું માંસ ખાવું, અહીં હૃદયના શુદ્ધ ભાવને ગાયનો વાછરડો કહ્યો છે. એ ભાવ ખાવો, પોતાના હૃદયના શુદ્ધ ભાવો છે. નાના વાછરડા જેવા છે તેને અંત:કરણમાં ઉતારીને ખાવાની વાત છે. ગાયનાં વાછરડાનાં માંસને નહિં. આ તો રૂપક અર્થમાં દર્શાવ્યું છે. ગાયનું માંસ એટલે ભાવનો ભોક્તા, તુલસીદાસજીએ હૃદયના શુદ્ધ ભાવને ગામનો વાછરડો કહ્યો છે એ શુદ્ધ ભાવને ખાવો જેથી અંત:કરણ શુદ્ધ બને.
।। भाववच्छ सिसु पाड पेन्हार्इ ।।
જેનો આહાર શુદ્ધ હશે, સાત્વિક હશે, તેની બુદ્ધિ પણ શુદ્ધ અને સાત્વિક બનશે. આમ અહીં ગાયનું માંસ એટલે ભાવનો ભોક્તા એવા અર્થે કબીરજીએ કહેલું છે.
(૪) ब्राह्मण हंति :- બ્રાહ્મણને મારી નાંખો ! કબીર સાહેબ આવી બ્રાહ્મણને મારી નાખવાની વાતો કરે ?? કબીરજી કાશીમાં રહે અને આવું બોલે ?? પણ એમ નથી કહેતા બ્રાહ્મણ તો પૂજ્ય છે. તુલસીદાસ તો બ્રાહ્મણની કેટલી વંદના કરે છે.
બ્રાહ્મણને મારવા એટલે બ્રાહ્મણને મારી નાખવા એવું કબીરજી નથી કહેતા. એ તો કહેવા માંગે છે કે બ્રાહ્મણને મારવો એટલે વાદ-વિવાદને મારી નાખો. વિતંડાવાદને ખોટી બડાઈને મારી નાખો.
એ જમાનામાં કાશીમાં ખૂબ વાદવિવાદ ચાલતો હતો. એટલે એ સ્થિતિને લક્ષ્યમાં રાખીને કબીરજીએ કીધું કે 'ભાઈ, જગતમાં સંવાદની જરૂર છે, વિવાદ કે વિતંડાવાદની જરૂર નથી. જ્યાં વિતંડાવાદ હોય ત્યાં કાપી નાખો અને એમાંથી બહાર નીકળી જાઓ.
જ્યાં વાદ વિવાદ હોય તેનો નાશ કરો, જેને ભક્તિ કે ભજન કરવું હોય, એણે વાદ વિવાદમાં પડવું નહિ.
તર્કોવાળી બુદ્ધિમાં બહુ પડવું નહિ. બહુ ખુલાસામાં પડવું નહિં. બ્રાહ્મણને મારવો એટલે વાદ વિવાદને મારવો. તેનાથી દુર રહેવું.
(૫) મદપાન કરો :- અહીં કબીરજી પાંચમો ઉપદેશ એ આપે છેકે 'મદપાન કરો' એટલે શરાબ પીવાનો નહીં પરંતુ મદ એટલે તમારા ગુરુએ તમને અનુભવ કરીને આત્મસાત કરાવ્યું હોય એ અનુભૂતિને પીધા કરો. એના ઘૂંટડા પીઓ - શરાબ નહિં.
ગુરુનાનક દેવ કહે છે કે
"નામ ખુમારી નાનકા ચઢી રહે દિન રૈન,
વાહ, વાહ રે મૌજ ફક્ત રા દિ."
ફકીરી પીઓ, ભક્તિ પીઓ, સાહેબ બંદગી પીવો, હરિનામ પીઓ. જેનામાં તમારી રૂચિ હોય તે લ્યો ને તે નામનું પાન કર્યા કરો.
ગુરુની મસ્તી પીવાની વાત કબીર સાહેબ કરે છે.
સદગુરુની, આચાર્યોની, મહાપુરુષોની મસ્તીને જ ેપીએ એ 'અમરાપુર'માં જાય.
કબીર સાહેબનો 'અમરપદ' મેળવવા માટેના આ પાંચ સૂત્રો હતા. કબીર સાહેબ સાદુ સરળ અને ફકિરી જીવન ગાળતા હતા પરંતુ તેના વિચારો, ભક્તિ વગેરે આપણા જીવન માટેની અમૂલ્ય ભેટ છે. નાત-જાત બધું મેલીને 'મન'ને સુધારવાની કબીર સાહેબે તેની વાણી દોહાઓમાં વ્યક્ત કરી છે માણસને ઉચ્ચ કોટીનો 'માનવ' બનાવવાની વાતો તેની રચનાઓમાં જોવા મળે છે.
"કબીરા હમ પૈદા હુએ
જગ હંસે હમ રોયે,
ઐસી કરની કર ચલો
હમ હંસે જગ રોયે."
પરિચય :- કબીરદાસજીનો જન્મ ૧૩૯૮ ઈ. કાશીમાં થયો હતો. એના ગુરૂ 'રામનન્દજી' હતા તેમની પત્ની લોઈબાઈ હતી અને તેમને પુત્ર કમાલ અને પુત્રી કમાલી હતા. તેમનું મૃત્યુ ૧૫૭૫ માં થયું હતું. મૃત્યુસ્થાન મગહર હતું. કબીર સાહેબ એક મહાન સમાજ સુધારક માહાત્મા હતા.
તેઓના દોહા આપણે જીવનમાં ઉતારીએ એજ એની સાચી અંજલિ આપીએ.
- ડો. ઉમાકાંત જે. જોષી


