મુઠ્ઠી ઊંચેરો માનવી ''કર્ણ'' (મહાદાની-કર્ણ)
- બ્રાહ્મણ રૂપમાં આવેલા શ્રીકૃષ્ણે કહ્યું કે તમો જો દાંત આપતા હોય તો તમે જ હાથે કાઢીને આપો. ત્યારે કર્ણએ પથ્થર લઇ પોતાના હાથે પોતાનાં એ બે સોનાનાં દાંત કાઢીને ધર્યા
'ક ર્ણ' એ એક મહાભારતનું ગૌરવવંતુ-શૌર્યવંતુ અને દાનેશ્વર વંતુ મહાન પાત્ર છે. કર્ણ એટલે માતા કુંતીની કૌમાર્યાવસ્થામાં સ્વયં સુર્યદેવના સંપર્કથી જન્મેલો પુત્ર એટલે ખરેખર પાંચેય પાંડવોનો મોટો ભાઈ જ થાય. પણ જનેતા કુંતી માટે તો એ અવાંછનીય પુત્ર હતો, એટલે કુંતી એ તેનો ત્યાગ કરીને પાણીમાં વહેતો મુકી દીધો હતો. આ બાળક કવચ અને કુંડળ એ બે અમૃત અલંકારો સાથે જન્મ્યો હતો. અને સારથી અધિરથ અને રાધા એ તેને પાણીમાંથી કાઢી ઉછેર કર્યો હતો. એટલે તેને 'રાધેય' પણ કહેવાય છે.
કવચ અને કુંડળ જેવા અમૃત અલંકારોથી તે સુરક્ષિત હતો. અને જ્યાં સુધી એ અલંકારો ધારણ કરેલા છે ત્યાં સુધી એને મૃત્યુનો પડછાયો પણ પહોંચી શકે તેમ હતું નહીં. એટલે ઇન્દ્રએ એની પાસેથી બ્રાહ્મણનું રૂપ ધરી દાનમાં માંગી લીધા હતા. દુર્યોધનની મિત્રતાએ તેને સુતપુત્રમાંથી રાજા બનાવ્યો હતો.
કૌરવો અને પાંડવોનાં યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણ અને માતા કુંત્તા એ એને મળીને બહુ સમજાવ્યો કે તું સુત પુત્ર નથી પાંડુ પુત્ર છે. પરંતુ એનો ઉછેર કરનાર માતા રાધે અને દુર્યોધને મને રાજા બનાવ્યો તેની મિત્રતાને હું છોડી શકું નહીં. અને મને રાજ્યની તો શું પરંતુ ત્રિલોકની લાલચ આપો તોય હું આનેદ્રોહ કરવાનું પાપ હું કદી નહીં કરી શકું. હું જાણું છું કે આ યુદ્ધમાં વિજય પાંડવોનો જ છે. કેમકે ધર્મ સ્વયં એના પક્ષે જ છે. પણ વિજયની લાલચે અને પરાજયનાં ભયથી હું તમારી વાત સ્વીકારી પાંડવોનાં પક્ષમાં આવું તેમાં મારું ગૌરવ શું ?? આમાં કર્ણ સહુથી ઉદાત્ત માનવી તરીકે પ્રગટ થાય છે. આ રીતે કર્ણ કૃતજ્ઞાતા અને મૈત્રિ નિભાવનાર દાનેશ્વરી કર્ણની મહાનતા પ્રદર્શીત થાય છે. આમ એ વ્યક્તિત્વની વીરતાનો પુજારી હતો. કુળ કે જન્મ નહીં પણ વ્યક્તિમત્તા અને સામર્થ્ય તથા દાનેશ્વરની વૃત્તિ એ કર્ણની મહાનતા છે.
તેનાં દાનેશ્વરીપણાંનો એક પ્રસંગ એવો છે કે આપમું હૃદય કંપાવી દે છે. જે તેને દાનીમાંથી મહાદાની બનાવી દે છે. જેને ભગવાન શ્રીકૃષ્ણએ અને ગૌરવંતો કર્ણ કહેલા છે. ભગવાન કૃષ્ણ એ અર્જુનને મહાદાનેશ્વરી કર્ણ વિષે વખાણ કરતા યુદ્ધ મેદાનમાં ઘાયલ પડેલ કર્ણ પાસે બ્રાહ્મણનો વેશ લઇ અર્જુનને સાથે લઇ જાય છે. અને પ્રત્યક્ષ અનુભવ કરાવે છે.
મૃત્યુ સમીપ પહોંચેલ કર્ણ પાસે કૃષ્ણ અને અર્જુન પહોંચે છે અને કર્ણ પાસે શ્રીકૃષ્ણએ કર્ણને કહ્યું 'હે અંગરાજ કર્ણ હું તમારી પાસે બહુ આશા લઇને આવ્યો છું પરંતુ તમારી આ દશા જોઇને હું કંઇ યાચના કરી શકું તેમ નથી. તેવું કહીને પાછા જતા હતા ત્યારે કર્ણએ તેમને કહ્યું કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારી પાસે આવેલ યાચક પાછો જાય તેવું બની શક્તું નથી. અને કર્ણે કહ્યું કે મારા બે દાંત સોનાના છે તે તોડીને લઇ લ્યો. બ્રાહ્મણ રૂપમાં આવેલા શ્રીકૃષ્ણે કહ્યું કે તમો જો દાંત આપતા હોય તો તમે જ હાથે કાઢીને આપો. ત્યારે કર્ણએ બાજુમાંથી પથ્થર લઇ પોતાના હાથે પોતાનાં એ બે સોનાનાં દાંત કાઢીને ધર્યા. ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે આ દાંત તો મેલા છે. તો કર્ણએ બાજુમાં પડેલ પોતાનું બાણ ઢસડાઇને લઇને પૃથ્વિ ઉપર બાણ ફેંક્યું અને તેમાંથી પાણીની ધાર થઇ. અને તેમાં પોતાનાં સોનાનાં દાંત ધોઇને શ્રીકૃષ્ણને આપ્યા.'
આ જોઈને અર્જુન ચકિત થઇ ગયો. પછી ભગવાન શ્રીકૃષ્ણ બ્રાહ્મણમાંથી પોતાનું વાસ્તવીક સ્વરૂપ ધારણ કરીને બોલ્યા હે દાનેશ્વરી કર્ણ ! હું તો આપની દાનવીરતાની પરીક્ષા લેવા આવ્યો હતો. ખરેખર તમારૂં દાનેશ્વરી વલણ જોઇને ગૌરવીત થયો છું. અને અર્જુનને શ્રીકૃષ્ણએ કહ્યું કે જોયું આ કર્ણ દાનેશ્વરી માત્ર નથી પરંતુ મહાદાનેશ્વરી કર્ણ છે.
આમ આ કર્ણ અસાધારણ વીર અને દાનેશ્વરી હતો. આ કર્ણ જ્યારે વીરગતિ પામ્યો ત્યારે મા કુંતા યુધિષ્ઠિરને કહ્યું બેટા ! એ તારો મોટો ભાઈ હતો અને હું જ એની જનેતા છું. આથી 'એક અંજલિ પહેલા વીર કર્ણને આપજે' આ વાતને સાંભળી યુધિષ્ઠિર વગેરે ભાઈએ સ્તબ્ધ અને ગદગદિત થઇ ગયા. આવો હતો મુઠ્ઠી ઉંચેરો, મહાદાનીમાનવી કર્ણ.
- ઉમાકાંત જે. જોષી