Get The App

પંચમ વેદ મહાભારત .

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
પંચમ વેદ મહાભારત                          . 1 - image

આપણી સંસ્કૃતિ એ વૈદિક સંસ્કૃતિ છે. ચાર વેદો તો ખરાં પણ 'ભારતમ્ પંચમો વેદ:' -  મહાભારત એ પાંચમો વેદ છે. આજે જે વિષય ઉપર હું ચર્ચા કરવા જઈ રહ્યો છું એનો હેતુ એ છે કે, દરેક વ્યક્તિઓ અંધશ્રદ્ધામાંથી મુક્ત થાય અને આપણા શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા રાખે. આજે એક અંધશ્રદ્ધા પ્રવર્તાય છે કે મહાભારત ન વંચાય. મહાભારત વાંચવાથી ઘરમાં સંઘર્ષો ઉભા થાય પણ મહાભારતના મહાત્મ્યમાં એવું સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે કે 'જે વ્યક્તિ મહાભારતનું પારાયણ ન કરે એના ઘરમાં સંઘર્ષોનું સર્જન થાય.' બહુ જ ઉંડાણ પુર્વક સમજીએ તો આ માત્ર પાંડવો કૌરવોની જ કથા નથી પણ, અસત્ય ઉપર સત્યના વિજ્યની કથા છે. મહાભારતનું એક જ સુત્ર એનો આત્મસાત દરેક વ્યક્તિઓએ કરવો જોઈએ અને એ સુત્ર છે 'યતો ધર્મ તતો જ્ય.' અર્થાત 'જ્યાં ધર્મ છે ત્યાં વિજ્ય છે.' તમે જો ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. 

મહાભારતના મહાત્મ્યમાં એવું વર્ણવ્યું છે કે, મહાભારતને શ્રવણ કરવાથી મનુષ્યના ચાર પુરુષાર્થો સિદ્ધ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 'જે મહાભારતમાં છે એ બધી જગ્યાએ છે અને જે મહાભારતમાં નથી એ અન્યત્ર ક્યાંય જોવા નહિં મળે.' શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મહાભારતનું કમળ પુષ્પ છે. કમળ પુષ્પ હું એટલા માટે કહું છું કે જે તેનો ઉદ્ભવ શ્રીકૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી થયો છે. મહાભારતનું ભિષ્મ પર્વ - એ ભિષ્મ પર્વાના ૨૫માં અધ્યાયથી લઈ ૪૨માં અધ્યાય સુધી ભગવદ્ ગીતા વર્ણવવામાં આવી છે. જેને આપણે ૧ થી ૧૮ અધ્યાય માનીએ છીએ. 

વિષ્ણુ સહસ્ત્ર નામ એનો ઉદ્ભવ મહાભારતમાંથી જ થયો છે. મહાભારતમાં અનુશાસન પર્વ. આ પર્વમાં પણ દાન ધર્માનુશાસન પર્વ અને આ પર્વના ૧૪૯ માં અધ્યાયમાં વિષ્ણુ સહસ્ત્ર નામ છે. પિતામહ ભિષ્મ અને યુધિષ્ઠિરજીના સંવાદમાં આ વિષ્ણુ સહસ્ત્ર છે. મહાભારતના વક્તા વૈષમપાયન ઋષિ છે અને મહાભારતના શ્રોતા એ જન્મેજય છે. મહાભારતનું શાંતિ પર્વ એ સમગ્ર મહાભારતનો સાર છે. યુધિષ્ઠિર મહારાજને રાજ્ય તો મળ્યું પણ ધર્મરાજ યુધિષ્ઠિરજીને શોક થયો કે મેં પ્રજાજનોનો દ્રોહ કર્યો છે. સ્વજનોથી છીનવેલી સત્તા મને શાંતિ નથી આપતી. ભિષ્મ પિતામહે સંકલ્પ કર્યો હતો કે ઉત્તરાયણના પરમ પવિત્ર દિવસે હું મારા દેહનો ત્યાગ કરીશ. ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરજીને હસ્તિનાપુરથી કુરુક્ષેત્રમાં લઈ આવ્યાં. મહાભારતના અંતિમ પાત્રને વિદાય આપવા માટે અનેક ઋષિમૂનિઓનું આગમન કુરુક્ષેત્રમાં થયું. એ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે, 'હે ધર્મરાજ યુધિષ્ઠિર ! પિતામહ ભિષ્મ જ્ઞાની છે. આ જ્ઞાનનો સૂર્ય અસ્ત થઈ જાય એના પહેલાં જેટલું મેળવાય એટલું જ્ઞાન મેળવી લો.' ભિષ્મ પિતામહે યુધિષ્ઠિરજીને રાજધર્મ, સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, વિગરેનું નિરુપણ કર્યું. જે સમગ્ર મહાભારતનો સાર છે. 

આવા બધા વિષયોે જો મહાભારતમાં હોય તો સંઘર્ષનો પ્રશ્ન જ ઉભો નથી થતો. મહાભારત એ ભગવાન વેદવ્યાસજીનો વારસો છે. ભગવાન વેદવ્યાસજી એ જગતનું કલ્યાણ કરવાવાળા છે. એ વ્યાસજીનો વારસો એને સાચવવો એ પ્રત્યેક વ્યક્તિઓની ફરજ છે. ભગવાન વેદવ્યાસજીના આપણા ઉપર અનંત ઉપકારો છે. એ ઉપકારોને ભુલીએ નહિં, ભગવાન વ્યાસજીનો વારસો સાચવીએ, મહાભારત વાંચીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ એ જ અભ્યર્થના.

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી