તહેવારો એટલે ઊર્જા...!!! .
નવીનતા જીવનમાં જરૂરી છે. એકના એક ઘરેડમાં ફર્યા કરતી જિંદગીમાં મજા ઓછી આવે છે. માણસ મજામાં હોય તો જ એને મળવાની મજા આવે. મજામાં ન રહેવાની આવડત જેનામાં નથી એ બીજાની પણ મજા પણ બગાડી નાખે છે. અલબત, જેને મજામાં રહેતાં આવડી જાય છે તે પછી દુનિયાના બાહ્ય પરિબળો એની મજામાં ઓટ નથી લાવી શકતા. કારણ કે આવા વ્યક્તિને ખબર પડી જાય છે કે મોજમાં રહેવામાં જ મજા છે. એના માટે મજા એ જ મોક્ષ. મજા વગરની વળી જિંદગી કેવી...?
'તહેવાર' મજા માણવાનો એક સ્ત્રોત છે. તહેવારો સૌને ઊર્જાવાન બનાવે છે. આપણે ત્યાં શ્રાવણમાસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. અલગ-અલગ તહેવારોની અલગ-અલગ મજા અને અલગ અલગ મહત્તા હોય છે. ઉપવાસ કે એકટાણા કરીને, મૂળ તો શરીરનો કચરો જ દૂર થતો હોય છે. ધ્યાન, ધૂન, ભક્તિ, રટણ અને સત્સંગ માણસને આદ્યાત્મિક રીતે ઊંચે લઈ જાય છે. માણસમાં શ્રધ્ધા અને વિશ્વાસ બેવડાઈ જાય છે તહેવારોમાં. તહેવાર અબાલવૃધ્ધને આનંદિત કરે છે. માણસ હોય એના કરતાં કંઈક જુદો જ જણાય છે.
તહેવારોમાં નાના ભૂલકાઓ તો આનંદની કિલકિલિયારીઓ કરે જ છે, ઉપરાંત મંદિરોમાં દેખાતી ભીડના ચહેરાઓ પણ પ્રફુલ્લિત અને ભાવવિભોર થયેલા જોવા મળે છે. ફરિયાદો અને દુઃખો બધુ જ ગાયબ થઈ જાય છે તહેવારોમાં. માણસમાં મૂળ તત્ત્વ જે હોવું જોઈએ એવી 'માણસાઈ' તહેવારોમાં ઝલકતી હોય છે. અને જેનામાં માણસાઈ હોય એ માણશ ઊર્જાવાન આપો આપ બની જાય છે. જેને પોતાની માણસાઈને ઓળખી લીધી છે તેને પછી બીજાના સહીસિક્કાની જરૂર નથી. ઈશ્વર એજ સુપ્રિમો.
તહેવારોમાં આપણે કેટલા ઊર્જાવાન બનીએ છીએ. ઊર્જાને ટકાવીને આપણું જીવન કેટલું ઊજાળીએ છીએ તેને પ્રમાણિત કરીને કુદરત આપણા જીવતર ઉપર હસ્તાક્ષર કરે છે.
- અંજના રાવલ