Get The App

ખોટી ટીકા ટકતી નથી .

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ખોટી ટીકા ટકતી નથી                                                           . 1 - image

- 'ગુણી ગુણીષુ મત્સરી'  ગુણવાન જ ગુણવાનની અદેખાઈ કરે છે. ઉશ્કેરણીજનક ટીકામાં કશું જ તથ્ય નથી હોતું. સમજદાર માણસ ટીકાનો જવાબ આપવામાં સમય બગાડતો નથી પણ ધીરજથી, શાંતિથી, મૌન રાખી આગળ વધે છે

ઋષિ હારિતની પત્નીનું નામ ઇતરા હતું. એક સાધ્વીમાં જે સદ્ગુણો હોવા જોઈએ તે ઇતરામાં હતાં. (તસ્યાસી ઇતરા નામ ભાર્યા સાધ્વી ગુણર્યુતા-સ્કંધપુરાણ) વ્રત, તપ, પ્રાર્થના અને ઇશ્વર કૃપાથી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. માતાના નામ પરથી તેનું નામ 'અતરેય' રખાયું. જ્યારે તે બોલતાં શીખ્યો ત્યારે પહેલો શબ્દ 'વાસુદેવ' બોલ્યો. તેના ચહેરા પર અનોખું તેજ તથા ભગવદ્ પ્રેમની ચમક જોઈ માતા-પિતાને ખૂબ આનંદ થતો, પણ આ જ પ્રભુ નામ પિતાના દુઃખનું કારણ બન્યું. યજ્ઞાપવિત સંસ્કાર પછી અતરેયને અભ્યાસાર્થે મૂક્યો. પણ તે 'વાસુદેવ' સિવાય કશું બોલતો નહિ. પિતા તથા અન્ય ગુરૂઓ તેને ભણાવીને થાકી ગયા. તે કશું બોલતાં ના શીખ્યો ! બધાને લાગ્યું તે જડબુદ્ધિનો છે. પિતા નિરાશ થયા. બધા નજર ફેરવવા લાગ્યા. તેમની અવગણના થવા લાગી. છેવટે પિતાએ બીજા લગ્ન કર્યા. તેમના સંતાનો કર્મકાંડ તથા વેદાભ્યાસમાં તરત આગળ વધ્યા. ધીરે ધીરે એતરેય અને તેની માતાની ઉપેક્ષા થવા લાગી. સૌ તેમનો તિરસ્કાર કરતા. અપમાન કરતા. માતા કંટાળીને વિષ્ણુ ભગવાનના શરણે ગઈ. વિષ્ણુ મંદિરે પૂજા-અર્ચના શરૂ થઈ. અખંડ જાપ શરૂ કર્યા. વિનંતી પ્રાર્થનાઓ થવા લાગી. છેવટે માતાને પ્રભુકૃપાનો ભાસ થયો. એક રાતે એતરેયને સ્વપ્ન આવ્યું. શ્રી વિષ્ણુએ આશીર્વાદ આપી આદેશ આપ્યો, 'એતરેય, તું ફક્ત મારું નામ રટણ કરી ભક્તિ કરે એ પૂરતું નથી. કર્મ કર (શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધયેદકર્મણઃ) કારણ કે કર્મ નહિ કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. દુનિયાની ટીકાઓથી તારી માતા દુઃખી છે. તેમને પ્રસન્ન કર. તું વેદપારંગત થા. કોટીતીર્થની યાત્રા કર.' એતરેયે અભ્યાસ શરૂ કર્યો. વિષ્ણુકૃપાથી થોડા જ સમયમાં તે પારંગત થઈ ગયો. પછી માતાને લઈને હરિમેધાના યજ્ઞામાં પહોંચ્યો. ત્યાં વિદ્વાનો સાથે અધ્યાત્મવિદ્યાની ચર્ચામાં ભાગ લીધો. તેના જ્ઞાાન સામે કોઈ ટકી ના શક્યું. ઋષિ હરિમેધાએ પ્રભાવિત થઈ પોતાની પુત્રીના લગ્ન એતરેય સાથે કરાવ્યાં. આ વાતની જાણ થતાં જ તેના પિતા અને ટીકાકારો અવાચક થઈ ગયા. જડબુદ્ધિનો એતરેય તો આપણા કરતાંય બુદ્ધિશાળી છે ! તેની માનસિક શક્તિની છટા અને અસાધારણ સૂઝ જોઈ સૌ નતમસ્તક થઈ ગયા. ટીકાકારો ઋષિ હારીતને મળ્યા. સૌએ ભેગા થઈ એતરેયને દિવ્ય સિંહાસન પર બેસાડી તેનું બહુમાન કર્યું. ત્યારબાદ પૃથ્વીદેવીની દિવ્યમૂર્તિ સામે તે 'એતરેય બ્રાહ્મણ' નો દ્રષ્ટા સિદ્ધ થયો.

અથાક પ્રયત્નો પછી પણ વ્યક્તિ જ્યારે બીજાની કાર્યસિદ્ધિ સુધી પહોંચી ના શકે ત્યારે નિંદા કરવાની શરૂઆત થાય છે. તિરસ્કાર, ઉપેક્ષા, વેરઝેર કે કડવાશ જેવી વૃત્તિ આવી ટીકા કરાવડાવે છે. ટીકા મોટે ભાગે સિદ્ધ માનનીય વ્યક્તિની થાય છે. ક્યારેક મનમાં ઘર કરી ગયેલી કે સાંભળેલી ખોટી અફવા કે માન્યતા ટીકાને તીવ્ર બનાવે છે. રવીન્દ્રનાથ ટાગોર વિચારક હતા. કવિ હતા. તેમના પ્રસિદ્ધ થતા સાહિત્યને આલોચકો કે સાહિત્યકારો ગણકારતા નહિ. ઉપરથી તેમની કૃતિઓમાંથી ભૂલો કાઢી ટીકા કરતા. શરદચંદ્ર તેમની પ્રતિભા પારખી ગયા હતા. તેમણે ટાગોરને કહ્યું, 'મને આવી ખોટી ટીકાઓ સહન થતી નથી. જેના મનમાં જે આવ્યું તે બોલ બોલ કરે છે. તમે સામો જવાબ કેમ નથી આપતા ? એવો જવાબ આપો કે તેમની બોલતી બંધ થઈ જાય.' ત્યારે ટાગોરે કહ્યું, 'ભાઈ, હું એ નિંદકો કે ટીકાકારો જેટલો નીચલા સ્તરે ના જઈ શકું. મારા વિચારો, મારી દુનિયા જુદી છે. હું એટલું જાણું છું કે જો હું સાચો હોઈશ, મારા વિચારોમાં તથ્ય હશે તો ગમે ત્યારે એમની ખોટી ટીકાઓ લાંબી ટકવાની નથી.' એવું જ થયું. ટાગોરને નોબેલ પ્રાઈઝ મળ્યું એટલે તેમની નિંદા કરનારા જ તેમને ફૂલોના હાર પહેરાવવા પહોંચી ગયા.

જે દીવો બુઝાવાનો ઇન્કાર કરે છે તેની આસપાસ ટીકાનો પવન વધુ જોરથી ચક્કર મારે છે. 'ગુણી ગુણીષુ મત્સરી' ગુણવાન જ ગુણવાનની અદેખાઈ કરે છે. ઉશ્કેરણીજનક ટીકામાં કશું જ તથ્ય નથી હોતું. સમજદાર માણસ ટીકાનો જવાબ આપવામાં સમય બગાડતો નથી. પણ ધીરજથી, શાંતિથી, મૌન રાખી આગળ વધે છે. સારું, વધુ સારું કામ કરી બતાવે છે અને આશ્ચર્યજનક પરિણામ જાહેર કરે છે.

ત્યારે પ્રીતિશ નાંદી ઇલસ્ટ્રેટેડ વીકલીના સંપાદક હતા. એકવાર તેમણે અમિતાભ બચ્ચનની ઉપરાઉપરી ફલોપ જતી ફિલ્મો જોઈ એક કવર સ્ટોરી લખેલી. 'ફિનિશ્ડ' (છેવટે અમિતાભનો અંત) અમિતાભે ઉંમરના દરેક પગથિયે વિવિધ ભૂમિકાઓ ભજવી એ વાત ખોટી ઠેરવી. વર્ષો પછી પ્રીતિશ અમિતાભને સામેથી મળવા ગયા અને પોતાની ટીકાત્મક વાતને ખોટી પૂરવાર કરવા બદલ તેમને અભિનંદન આપ્યા અને માફી માગી.

ટીકાના દરમાં અસંતોષના સાપોલિયાં રહેતાં હોય છે. અસંતોષ માનસિક પરાજયનું જ નામ છે. જેમાંથી ખોટી ટીકાઓનો જન્મ થાય છે. અબ્રાહમ લિંકન તેર વાર હાર્યા પછી રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તેમના પિતા મોચી કામ કરતા હતા. પ્રમુખ તરીકેના પહેલા જ પ્રવચન વખતે એક ટીકાકારે તેમનું અપમાન કરવાના ઇરાદાથી કહ્યું, 'લિંકન, ભલે તમે આ વખતે પ્રમુખ બન્યા. પણ તમને ખબર છે, તમારા પિતાએ મારા માટે જોડા સીવ્યા હતા!!' લિંકને શાંતિથી જવાબ આપ્યો, 'ભાઈ, તમારી વાત સાચી છે. મારા પિતા મોચી કામ કરતા હતા, તે એમના મોચી કામમાં નિપુણ હતા. જેનું મને ગૌરવ છે. એમના સીવેલા જોડા વર્ષો સુધી ટકી રહેતા. કામ બાબતે કદી કોઈ ફરિયાદ આવતી નહિ... હું પણ તેમની આ વાત ધ્યાનમાં રાખીને આપણા દેશની સેવા કરીશ.'

દરિયામાં ઉછળતા મોજાંથી કુશળ નાવિક ગભરાતં નથી. દરિયો ગમે તેટલો ઘૂઘવતો હોય નાવિક કદી હાથમાંથી હલેસાં છોડતો નથી. ચોતરફ જળ ભલે ઉછાળા મારે વાસુદેવી ટોપલીમાં સત્ય હશે તો સલામત રીતે પાર  ઉતરી જ જવાશે. ખોટી ટીકા દરિયાની રેત પર લખેલા લખાણ જેવી ક્ષણિક હોય છે. સાચની એક લહેર આવતાં જ ભૂંસાઈ જાય છે. જેને કંઈક પામવું છે તે ટીકા પર નહિ કામ પર ધ્યાન રાખે છે. આકાશી રસ્તામાં વાદળો આવતાં જ પાયલોટ પ્લેનને થોડું વધારે ઉંચાઈએ લઈ જાય છે.

- સુરેન્દ્ર શાહ