જૈનાચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
અનેક કાવ્યગ્રંથો અને ધર્મગ્રંથો અને ચરિત્રગ્રંથોના લેખક
(૭)
સાગરસંઘ માટે ગૌરવરૂપ ગણાય એવો એમનો બીજો ગ્રંથ છે શોભનસ્તુતિની ટીકા. શોભનસ્તુતિના નામે પ્રખ્યાત'સ્તુતિચતુર્વિશતિકા' એ ખ્યાતનામ જૈન વિદ્વાન 'શોભન મુનિ'ની અતિ ઉત્કૃષ્ટ પ્રકારની રચના છે. નીવડેલા વિદ્વાનો પણ એના અર્થોનો પાર પામી શક્તા નથી. આવા ગ્રંથ ઉપર ટીકા રચવા જેવું કાર્ય શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજે કર્યુ એ જ એમની પ્રકાંડ વિદ્વત્તાને વંદનને પાત્ર બનાવી દે છે.'સરલા' નામની આ ટીકા સાથે તેનો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત છે.
આ ઉપરાંત, તરંગવતી, અજિતસેન- શીલવતીચરિત્ર, ચંદ્રરાજચરિત્ર, કુમારપાલભૂપાલચરિત્ર, સુભાષિત સાહિત્ય વગેરે સંસ્કૃત રચનાઓ આપણને 'આફ્રીન' બોલવા માટે મજબૂર કરી દે છે. આ મહાકવિની અપ્રકાશિત રચનાઓ પણ બેનમૂન છે, જેમાં શબ્દસિન્ધુ(સંસ્કૃતભાષાનો કોશ), બુદ્ધિપ્રભા નામે સંસ્કૃતભાષાનું વ્યાકરણ, સ્તોત્રરત્નાકર અને બુદ્ધિસાગરસૂરિચરિત્ર નામના સ્વતંત્ર ગ્રંથો, ઉપરાંત, ધર્મશર્માભ્યુદય-ટીકા, નેમિનિર્વાણમહાકાવ્ય- ટીકા વગેરે ટીકાગ્રંથોનો સમાવેશ થાય છે. સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત કોશ અને બહોળા ટીકાસાહિત્યની રચના ઉપરથી જ એમની પ્રકાંડ વિદ્વત્તાનો ખ્યાલ આવી જાય છે. છેલ્લા પાંચ સૈકાઓમાં આટલું વિપુલ ટીકાસાહિત્ય પ્રાય: કોઈ પણ જૈનાચાર્ય દ્વારા રચાયું નથી.
શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજની યાદગાર ગુજરાતી રચનાઓમાં સૌન્દર્યલહરી, સંવેધછત્રીશી, સ્તવન સંગ્રહ, ગુરુપદ પૂજા, ગીતરત્નાવલિ ગીતમંજૂષા અને અજિત સૂક્તસિંધુ, ગીતરત્નાકર, ગીતપ્રભાકર, કાવ્ય સુધાકર વગેરે બહોળા સાહિત્યનો સમાવેશ થાય છે.
આ સિવાય ભીમસેનચરિત્ર, કુમારપાળચરિત્ર ( બે ભાગમાં), સુરસુંદરીચરિત્ર (બે ભાગમાં) અને લક્ષ્મણગણિ વિરચિત સંસ્કૃત સુપાર્શ્વનાથચરિત્રનો ગુજરાતી અનુવાદ (બે ભાગમાં) વગેરે ગ્રંથો પણ તેમની યાદગાર કૃતિઓ છે. આ સિવાય પણ અમારી નજરે નહીં ચડેલી અનેક નાની- મોટી પ્રગટ- અપ્રગટ કૃતિઓ હોવાની સંભાવના નકારી શકાય નહીં.
મહારાજ શ્રી અજિતસાગરસૂરીશ્વરજીના માત્ર ૪૮ વર્ષની વયે થયેલા આકસ્મિક કાળધર્મના કારણે તેમનું રચેલું ઘણું સાહિત્ય અપ્રગટ રહી ગયું. મહારાજાજીની પ્રિય વિહારભૂમિ પ્રાંતીજ (સાબરકાંઠા)ના જૈન સંઘ દ્વારા તેમનું સમગ્ર સાહિત્ય, તેઓશ્રીના વિદ્વાન પટ્ટધર ઉપાધ્યાય શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ગણિવરના સૂચનથી, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જૈન જ્ઞાાનમંદિરે (વિજાપુર)ને પ્રકાશનાર્થે સોંપી દેવામાં આવ્યું હતું. આ જ્ઞાાનમંદિરના સમર્પિત કાર્યકર્તાઓએ સત્વરે આ ગ્રંથોનું પ્રકાશન કરીને ગુરુ મહારાજનું અને સાગરસંઘના અનંત ઉપકારોનું ઋણ અદા કરવું જોઈએ.'
શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ જે યુગમાં થયા તે યુગના સાક્ષરોમાં કાવ્યાત્મક સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સમશ્લોકી કાવ્યાનુવાદ કરવાનો રિવાજ શરૂ થયો હતો. આ કાર્ય નવાં કાવ્યો રચવા કરતાં પણ અઘરૂં છે, કેમ કે તેમાં તત્સમ અનુવાદ કરવા ઉપરાંત મૂળ કાવ્યની કાવ્યાત્મકતા અને પ્રાસાદિક્તા પણ જાળવી રાખવી પડે છે.
કવિરાજશ્રીએ એ ક્ષેત્રમાં પણ અદ્ભુત કાર્ય કર્યું છે. સંસ્કૃત સાહિત્યમાં નીચેનો શ્લોક ખૂબ જ પ્રસિદ્ધ છે. એનો મૂળને પણ ટક્કર મારે તેવો મધુર કાવ્યાનુવાદ કવિરાજે કર્યો છે. મૂળ શ્લોક અને તેના કાવ્યાનુવાદને માણીએ:
સ્રતં તેન સમસ્તતીર્થસલિલે સર્વાપિ દત્તાવની,
યજ્ઞાાનાં ચ સહસ્ત્રમિષ્ટમખિલા દેવાશ્ચ સંપૂજિતા:।
સંસારાચ્ચ સમૃદ્ધૃતા: સ્વપિતરસ્ત્રૈલોક્યપૂજ્યોપ્યસૌ,
યસ્ય બ્રહ્મવિચારણે ક્ષળમપિ સ્થૈર્ય મન: પ્રાયુચાત્ ।
ત્હેં સ્નાન તો સઘળાં કર્યા પૃથ્વી બધી અર્પણ કરી, યજ્ઞાો હજારો આદર્યા સુર સર્વની વિનતી કરી,
તાર્યા જગતથી પિતૃઓ ત્રણ લોકોનો પૂજનીક થયો,
પળવાર મન વશ રાખી જો પ્રભુચરણમાં લયલીન થયો.
શ્રી અજિતસાગરજી મહારાજના બહોળા સાહિત્યવૈભવમાં આવી તો અનેક રચનાઓનો ખજાનો છે. ગુજરાતી કાવ્યરચનાઓમાં કવિરાજશ્રીએ વિવિધ છંદોની છૂટથી ઉપયોગ કર્યો છે, જેમાં સંસ્કૃત કાવ્યપ્રેમીઓની પ્રથમ પસંદ જેવા શાલિની, શિખરિણી, મંદાક્રાન્તા, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત, સ્રગ્ધરા ઉપરાંત તત્કાલીન ગુજરાતી કવિઓને પસંદ એવા ભુજંગી, હરિગીતિ, દુહા વગેરે જોવા મળે છે.
સાથોસાથ એ યુગના રિવાજ મુજબ છપ્પા, સવૈયા, એકત્રીસા વગેરે પણ એમણે બહોળા પ્રમાણમાં રચ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં જેમ અષ્ટકોની પ્રણાલિકા છે તેમ શ્રી અજિતસાગરજી મહારાજે ગુજરાતીમાં પણ અષ્ટક- કાવ્યો લખ્યાં છે, આ એમની પોતાની સૂઝભરેલી આગવી વિશેષતા ગણાય. દેરાસરોમાં પૂજા અને ભાવનામાં ગાઈ શકાય એવાં સેંકડો માથું ડોલાવનારાં ભક્તિગીતો એ તો એમની અદ્ભુત રચનાઓ છે.
(આવતા અંકે આગળ)