આજથી એક સૈકા પૂર્વેના છટાદાર કવિ: જૈનાચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
(૧)
ત્યાગીજનો ઘરબાર ત્યાગી ડબલ ધનસંચય કરે,
ઘરબારી જન સંસ્કારી કોઈ પરલોકનું ભાતું ભરે;
વિદ્વાન વ્યર્થ લડી મરે અભણો પ્રભુગુણ ગાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે વાત ક્યાં સમજાય છે ?
કોઈ પુન્યવાન ગાડીઓમાં ફરે છે તો કોઈ અભાગીયો એમની જ ગાડી નીચે કચડાઈ જાય છે.
કઈ લોક મોટરમાં ફરે કઈ તે તળે ચગદાય છે સંસાર સત્ય અસત્ય તે વાત ક્યાં સમજાય છે ?
અલબત્ત, કવિરાજ સવાલ ભલે ઉઠાવતા હોય પરંતુ તેમનો ઇશારો તો સાફ જ છે. મોઘમપણે તેઓ દુનિયાના બેવડાં ધોરણો પર જ પ્રહાર કરે છે.
દુનિયા જેવી હોય તેવી, પરંતુ અજિતસાગર મહારાજ વ્યક્તિગત રીતે તો ભક્તિમાર્ગના જ પ્રવાસી છે અને એટલે જ એમનાં અસંખ્ય કાવ્યો એવા છે. જેમાં એમણે ભક્તિની અખંડ ધારા વહેતી મૂકી દીધી છે. એક નીવડેલા જૈન કવિ તરીકે અજિતસાગરજી મહારાજે જિનસ્તવનોની ચોવીશી, સ્તુતિઓ વગેરે ઉપરાંત અનેક ભક્તિગીતો લખ્યા છે.
ભક્ત કવયત્રિ મીરાંની 'હો રી મૈ તો દરદ દીવાની' એ કાવ્યની હરોળમાં ઊભું રહે એવું કવિરાજનું આ કાવ્ય વાંચ્યું.
વારે વારે નયનદ્વમાં રંગની થાય લાલી,
એ વ્હાલાની ફરી ફરી ઘણી વાટડી જોઉં ન્યાળી;
ભેદી ભેદી દિલગીરી વહે અશ્રુઓ કેરી ધારા,
વ્હાલીડાના વિરહશરના ઘાવ છે કાંઈ ન્યારા.
ભક્તિ પ્રેમપંથની પાવક જ્વાળામાં શેકાય પછી જ આવા દર્દીલા કાવ્યોનું સર્જન થઈ શકે અને એથી જ એ દર્દના માર્યા કવિરાજ, 'પાજી' જ્ઞાાની બનવા કરતાં સરળ સેવક બનવાનું વધુ પસંદ કરે છે. માટે જ તો એ એમની સેવકતાની ઝાંખી એમના કાવ્યોમાં ઠેર ઠેર ઝળકે છે :
ગાયે જાઉં ઇષ્ટના ગાન નિત્યે,
વાહે જાઉં દેવની સેવ પ્રીતિ;
રાજી થાઉં વિશ્વની બાજી જીતે,
પાજી થાઉં કેમ ! જ્ઞાાની નિમિત્તે.
ભક્ત, ભક્તિ અને ભગવાનનો ત્રિવેણીસંગમ રચાઈ જાય તો પછી દુનિયામાં કશું માગવાપણું રહેતું જ નથી માટે જ કવિરાજની અંતિમ ઝંખના તો એ દિશામાં જ વહેતી જણાય છે.
ભક્તિ આપો જ્ઞાાનીની થાય સેવા,
શક્તિ સ્થાપો મોક્ષનું સૌખ્ય લેવા;
વ્યક્તિ આપો વિશ્વનાં ક્યાંથી રહેવા
કાપો તાપો તીર્થ છો ઇષ્ટ દેવા !
જ્ઞાાનીની સેવાની ઝંખન તો એમની નમ્રતા અને સરળતાનું સૂચન માત્ર છે. બાકી તેઓ પોતે જ એક સમર્થ જ્ઞાાની, પ્રખર શાસ્ત્રવિશારદ, નીવડેલા કવિ, સમાજના પ્રહરી અને વિશ્રુત વ્યાખ્યાનકાર છે. એમનું સાહિત્ય અનેક દિશાઓમાં વિસ્તરેલું છે. સાહિત્યની કોઈ એવી વિદ્યા નથી જેમાં તેઓશ્રીએ ખેડાણ ન કર્યું હોય.
ગુજરાતી ભાષામાં એમનું ભક્તિ સાહિત્ય સેંકડો પૃષ્ઠોમાં વિસ્તરેલું છે ઉપર કહી આવ્યા એમ, સ્તવનો, સ્તુતિઓ અને ચૈત્ય વંદનો વગેરે સાહિત્ય તો ખરું જ, ઉપરાંત ગહુંલીકાવ્યો, ભજનો, વૈરાગ્યપ્રેરક પદો, કબીરની યાદ અપાવે તેવા ક્રાંતિમંડિત દુહાઓ અને અખાની લગોલગ ઊભા રહે તેવા ચાબખાઓ પણ એમણે લખ્યા છે. નદીના વર્ણનો, યમુના નદીને ઠપકો આપતું દીર્ઘ કાવ્ય, જેઠ અને અષાઢ મહિનાના વર્ણનો જેવી વિશિષ્ટ રચનાઓ નિરાંતે આસ્વાદ લેવા જેવો છે.
શ્રી અજિતસાગરજી મહારાજનું જેટલું પ્રભુત્વ ગુજરાતી ભાષા પર છે એથી વધુ પ્રભુત્વ તેમનું સંસ્કૃત ભાષા ઉપર છે. તેઓશ્રી રચિત એક અણમોલ સંસ્કૃત મહાકાવ્ય નામે 'ભીમસેન ચરિત્ર' તો વિદ્વદ્ વર્ગમાં એટલું બધું લોકપ્રિય થયું છે કે શ્રમણ સંઘમાં સ્વ- પરગચ્છના ભેદભાવ વિના એ ગ્રંથને રીતસર સંસ્કૃત સાહિત્યના પાઠયપુસ્તકનો દરજ્જો મળી ચૂક્યો છે. આજપર્યંત આ ગ્રંથની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે અને આ મહાકાવ્યને સંસ્કૃત ભાષાના પ્રાસાદિક ગ્રંથોમાં સ્થાન મળી ચૂક્યું છે.
સાગરસંઘ માટે ગૌરવ લેવા જેવી બીજી એક અદ્ભુત વાત એ પણ છે કે તેઓશ્રીએ સુપ્રસિદ્ધ જૈન આગમ ગ્રંથ 'કલ્પસૂત્ર' ઉપર 'સુખોદધિ' નામે વિદ્વદભોગ વિવૃત્તિ પણ લખી છે. આ ટીકાનું નામાભિધાન પોતાના દાદાગુરૂદેવ શ્રી સુખસાગરજી મહારાજ પરથી કરાયું છે. જૈનસંઘ અને વિદ્વવાનોના કમભાગ્યે આ ગ્રંથ પ્રકાશનાર્થે મુદ્રણમાં ગયા પછી કોઈ અગમ્ય કારણોસર ભેદી રીતે ગુમ થયો છે.
(આવતા અંકે આગળ)