કાવ્યોની અખંડ ધરા વહાવનાર કવિવર: જૈનાચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
તાળી દઈ ગમ્મત કરી ગપ્પાં ઘણા મિત્રો કરે,
કઈ સ્વાર્થ કેરે કારણે ઘર આંગણે ફરતા ફરે,
વાર્તાકથંતા નિશદિને દોસ્તોની દોસ્તાઈ દિસે,
દિલનાં દરદ પુછનાર જગમાં મિત્ર ક્યાં વસતા હશે.
જગતની ચોપાટના આટાપાટાના જાણતલ કવિરાજ પોતે જે દુનિયામાં વિચરે છે તે અધ્યાત્મજગતના પ્રપંચો વિષે પણ સારી રીતે માહિતગાર છે. અગાઉ કહ્યું છે એમ કવિ ક્રાન્તિની મશાલનો ધારક હોવો જોઈએ. કવિ ક્રાન્તદ્રષ્ટા હોવો જોઈએ. શ્રી અજિતસાગરજી મહારાજ પોતે એક ધર્મગુરુ હોવા છતાં બની બેઠેલા ગુરુઓના પ્રપંચો ઉપર પ્રહારો કરી શકે છે. એક ક્રાંતિકારી સાચો સંત જ આમ કરી શકે છે. તેઓ જેમ એક સાચા મિત્રની ખોજ વિષે પ્રશ્ન કરે છે તેમ સાચા ગુરુ વિષે પણ કરે છે. માટે જ કથિત ગુરુઓની મનોવૃત્તિ અંગે આંખ ઉઘાડનારૂં કડવું સત્ય ઉચ્ચારીને બહુ કપરો સવાલ પૂછે છે:
ગુરુપદ સ્વીકારે હર્ષથી બહુ શિષ્યના સદ્ગુરુ થવા,
જે તે જનોને ત્યાગ કરવા બોધ માંડે આપવા;
સદ્દગુરુ બની માયાવી મોટા શ્વાનની પેઠે ભસે,
દિલના ગુરુ બનનાર સાચા સદ્ગુરુજી ક્યાં હશે.
બધાને શિષ્યોની ફોજ ઉભી કરવી છે. ગુરુ બની બેસવું છે. 'સદ્ગુરુ'નો માયાવી- નકલી વેષ ધારણ કરીને ડાઘીયા કૂતરાની જેમ ભસવું છે. પરંતુ પોતાના આચરણથી શિષ્યનું હૃદય જીતી લે, હૃદયપરિવર્તન કરીને કલ્યાણના માર્ગે ચડાવે એવા'સદ્ગુરુ' ક્યાં હશે ! કવિવરના સમયમાં માયાવી ગુરુઓના કેવા પ્રપંચો ચાલતા હશે એની વ્યથાનું પ્રતિબિમ્બ એમના પ્રશ્નમાં દેખાઈ આવે છે. આજે પણ એવા માયાવી અને પ્રપંચી ગુરુઓ' અમે જ સુવિહિત સદ્ગુરુ, બાકી બધા કુગુરુ' નાં ઢોલ- નગારાં વગાડે જ છે ને ! શ્રી અજિતસાગર મહારાજ જેવા સમયમાં વિચરતા હતા એવા સમયમાં આવો પ્રશ્ન પૂછવા માટે છપ્પનની છાતી જોઈએ.
કવિ મનોવિજ્ઞાાનના પણ કેવા ઊંડા અભ્યાસી હશે એ એમના આ શબ્દોથી જણાય છે:
ઉતરે ઘડીમાં ખાડમાં
ઘડીમાં ચઢે ગિરિ ઉપરે,
કિચ્ચડ વિષે કૂદી પડે
બેસે જઈ વળી ટેકરે,
નિર્ભય અગર કે સભય
શું ઘટ વાત એ નથી દાખતું,
ચંચળ અતિ મન માંકડું
નથી શાંતિ ઘડીભર રાખતું.
કવિ અનિલ જોષીએ લખ્યું છે ઃ'થતે કેવું સારૂં, અગર મનને હોત પગ જો, કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી.' પરંતુ નથી અટકતું. આ જ વાત, જરા અલગ અંદાજમાં, દાયકાઓ પૂર્વે અજિતસાગરસૂરિ મહારાજે પોતાના કાવ્યમાં વણી લીધી છે ઃ 'નથી શાંતિ ઘડીભર રાખતું.'
ઉપરની પંક્તિઓમાં શ્રી અજિતસાગર મહારાજ, માણસનું આબેહૂબ માનસદર્શન કરાવે છે. માણસનું મન ચગડોળે ચડે ત્યારે ન તો એને અજવાળું જડે, ન એને કોઈ માર્ગ દેખાય. ચારે કોર અંધારૂં વ્યાપી રહ્યું હોય એવી સ્થિતિમાં અક્કલ પણ કામ ન કરે. આ વાત પ્રાસાદિક કાવ્યમાં કવિવર કેવી સરસ રીતે પ્રસ્તુત કરે છે. જુઓ:
સૂર્ય સ્વરૂપી જ્ઞાાનનો ઉજ્જવળ પ્રકાશ જણાય ના,
અજ્ઞાાનરૂપી રાત્રિમાં નિજ પંથ પણ પેખાય ના;
દશ દિશ્ તિમિર છાઈ રહ્યું પડતી નથી સમજણ કશી,
નૌકા અમ્હારી ચાલી આ ભવસિન્ધુ માંહી ધસમસી.
બુદ્ધ પુરુષોએ તો મનને જ સંસાર માન્યો છે, પરંતુ જનસામાન્ય માટે તો સંસારનું સ્વરૂપ કેવું ભૂલભુલામણીવાળું છે ! અબોધ માનવને તો સમજાય જ નહીં કે સંસારનો ક્યો રંગ સાચો અને ક્યો રંગ ખોટો.
એટલે જ કવિવર પણ સામાન્ય માણસના સવાલને વાચા આપે છે:
કંઈ ઠામ બહુ સ્વરપૂજિતા મધુરી વીણા વાગી રહી,
કંઈ ઠામ મૃત જન પાછળે રોક્કળ અતિ લાગી રહી,
કંઈ ઠામ વિરહ ઉતાપ છે સત્સંગ બીજે થાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે વાત ક્યાં સમજાય છે ?
ક્યાંક દિલ ડોલાવતા સંગીતની મહેફિલ, ચાલતી હોય તો ક્યાંક મૃતાત્માનાં મરશીયાં ગવાતાં હોય, ક્યાંક વિરહનો તાપ હોય. આમાં સંસારનું સાચું સ્વરૂપ કયું છે ?
કવિવરનો ક્રાંતિકારી સ્વભાવ એમનાં કાવ્યોમાં વારંવાર ડોકાયા કરે છે. એથી જ સંસારના અટપટા સ્વરૂપને જરા જુદી રીતે પણ નીરખે છે. દુનિયાના વિરોધાભાસો જોઈને એમના મનમાં પણ સવાલ જાગે છે કે સંસાર ત્યાગીને ઘર કરતાં બમણો ધનસંચય કરવા નીકળેલો સાધુ અને સંસારમાં જ રહીને પરલોક સુધારનારો ઘરબારી, આ બેમાં સત્ય કોના તરફે છે ? શું આને જ દોરંગી દુનિયા કહેતા હશે ? કથિત વિદ્વાનો શાસ્ત્રાર્થોની તલવારો તાણીને લડાઈઓ જ ઉભી કર્યા કરે છે, તો સામી બાજુએ ભણતર વિનાના સામાન્યજનો ચુપચાપ ભક્તિરસમાં તરબોળ બનીને પોતાનું જીવન સફળ કરી જાય છે.
(આવતા અંકે આગળ)