ડો.રમણલાલ ચી.શાહ: ઉત્તમ શ્રાવક અને પરંપરાના પદયાત્રી !
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
ક્રાન્તિની મૂળભૂત પરંપરાના પોષક અને જૈનધર્મના પ્રખર વિદ્વાન ધર્મપ્રેમી !
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને તેમના નિવાસસ્થાને, 'રેખા' બિલ્ડિંગમાં મળવાનું થયેલું. ધાર્મિક પરિવર્તનના તેઓ સંપૂર્ણ આગ્રહી હતા
૧
વિદ્વવાન શ્રાવક ડો.રમણભાઈ શાહનો સૌપ્રથમ પરિચય, પ.પૂ.મારા ગુરુદેવ આચાર્યશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ અને અમને સૌને વંદનાર્થે અમદાવાદના આંબલી પોળના જૈન ઉપાશ્રયે આવેલા ત્યારે થયેલો અને પછી તે સંપર્ક અમે મુંબઈ વિહાર કરતાં પહોંચ્યા ત્યારે વધ્યો અને દૃઢ પણ થતો ગયો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યનમાળામાં સં.૧૯૮૧થી કેટલાંક વર્ષો પર્યંત નિયમિત પ્રવચન કરવા મને લઈ જતા.
મારા પ્રવચનોનું શિર્ષક હું સીધું ધર્મસંધાન સિદ્ધ કરે તેવું કરતો અને પ્રવચનમાં મૂળ વિષય સાથે માનવીય દૃષ્ટિકોણ જોડાતો તેથી તેઓ અધિક પ્રસન્ન થતા હતા. એકવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ચૈ.સુ.૧૩ના શ્રી મહાવીર જયંતી નિમિત્તે તેમણે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજ્યું ત્યારે પણ મને પ્રવચન કરવા આગ્રહપૂર્વક લઈ ગયેલા.
પ્રેમપુરી આશ્રમમાં 'જૈન ધર્મ અને ગીતાધર્મ' વિશે પ્રવચન કરવા માટે શ્રી હરિભાઈ ડ્રેસવાળાને લઈને આવેલા, અને એમની જ સૂચનાથી પછી મારું એ પ્રવચન તે સંસ્થા દ્વારા પુસ્તકસ્થ પણ થયું.
મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના થઈ હશે તે સમયમાં દેશનું, સમાજનું અને ધર્મનું એક અલાયદું વાતાવરણ હતું. ક્રાન્તિ અને પરિવર્તનની વાતો વ્યાપ્ત હતી. રૂઢિચુસ્તતા, ક્રિયાકાંડના માળખામાં આમૂલ પરિવર્તન કરવું જોઈએ તેવી સર્વત્ર ચર્ચા હતી અને તેના પડઘારૂપે અનેક સંસ્થાઓ અને ઘટનાઓનું નિર્માણ થયું. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના સમય સુધી મુંબઈ જૈન યુવક સંઘ અને 'પ્રબુદ્ધ જીવનનું કાર્યક્ષેત્ર પણ તેવું જ રહ્યું હતુ.શ્રી રમણભાઈ શાહ એ સંપૂર્ણ દિશા બદલીને જૈન ધર્મ અને સાહિત્ય અને મૂળ પરંપરા સુધી મુંબઈ જૈન યુવક સંઘ અને 'પ્રબુધ્ધ જીવન'ને દોરી લાવ્યા.
ક્રાન્તિની વાતો જે તે સમયમાં યોગ્ય હશે પણ ધર્મના તર્કની દૃઢતા પણ એટલી જ ઊંડી અને મજબૂત હતી. એ તર્કને સમગ્ર દૃષ્ટિકોણથી પ્રાપ્ત કરવો જોઈએ. સ્વાર્થનું ક્ષણિક આવરણ તત્ત્વના મૂળ સૌંદર્યને ઝાંખું પાડી ન શકે તેમ તેને હટાવવાથી જ જો ધર્મનું સત્ય પ્રાપ્ત થતું હોય તો તે પણ એક ક્રાન્તિ જ છે.
આવી દૃષ્ટિ સુધી ડો. રમણભાઈ શાહ આજના યુવક સંઘને દોરી લાવ્યા તેવું મને લાગે છે. મુંબઈ યુવક સંઘની સ્થાપના સમયે બાળદીક્ષાનો પ્રખર વિરોધ થતો હતો. મેં એકવાર તે સમયે પ્રવચનમાં કહેલું :'યુવક સંઘની સ્થાપના બાળદીક્ષાના વિરોધમાં થયેલી અને તમે મને, એક બાળદીક્ષિત સાધુને પ્રવચન કરવા લઈ આવ્યા છો !!' શ્રી રમણભાઈ માર્મિક હસ્યા હતા. અલબત્ત, આ પણ એક ક્રાન્તિ જ નથી ।
સં.૧૯૮૧માં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને તેમના નિવાસસ્થાને, 'રેખા' બિલ્ડિંગમાં મળવાનું થયેલું. ધાર્મિક પરિવર્તનના તેઓ સંપૂર્ણ આગ્રહી હતા. છતાં, પૂરા વિનય સાથે મને મળ્યા હતા. તે સમયે મારો એક લેખ તેમણે લીધો અને કહ્યું' પ્રબુદ્ધ જીવન'માં છાપીશું.સંબંધને સાર્થક રાખવામાં તેઓ હંમેશાં સફળ રહ્યા છે.
ડો. રમણભાઈના પુસ્તકો અત્યારે મારી સન્મુખ છે. વિવિધ વિષયોને આવરીને યુવક સંઘે સરસ ગ્રંથમાળા બનાવી છે. ડો.રમણભાઈના લેખનને હું વર્ષોથી જાણું છું. કોઈપણ વાતને, મૂળ ્અને તેની આસપાસના સમગ્ર કેન્દ્રને પરિધમાં રાખીને વિસ્તારપૂર્વક છણાવટ કરવામાં તેઓ માને છે. ધર્મતત્વના સંદર્ભમાં લખેલા લેખો તેનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. ડો.રમણભાઈનું આંતરિક બંધારણ જ એક શ્રદ્ધાળુ શ્રાવકનું છે.
એમની શ્રદ્ધા એમને, તત્ત્વને તેના જ સ્વરૂપમાં પામવાની, સમજવાની, નિરખવાની દૃષ્ટિ આપે છે. અને તે માટે તેઓ તત્વને તેના તમામ પુરાવાઓ સુધી તપાસે છે, તેનો મર્મ પારખે છે, અને ત્યાર પછી જ તેઓ લખે છે. એ લેખનમાં ક્યાંય પોતાનું વિચારબિંદુ તેઓ ઉમેરતા નથી પણ પૂર્વસૂરિઓ અને ધર્મશાસ્ત્ર આમ કહે છે તે ધ્વનિ જ દૃઢ કરે છે. જૈન સાહિત્યની આ મૂળ પરંપરા છે.
પૂર્વસૂરિઓ પણ ધર્મના મૂળ તત્ત્વને તેના સ્વરૂપમાં વિસ્તારીને પોતાની ભાષામાં મૂકીને અટકી જાય છે. એ જ પરંપરા ડો.રમણભાઈ અક્ષુણ્ણ જાળવે છે.
(આવતા અંકે પૂર્ણ)
પ્રભાવના
પાણીની તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, શીતળ છાયાંની જરૂર પડે ત્યારે વૃક્ષના વાવેતર કરવા ન જવાય, પ્રકાશની જરૂર પડે ત્યારે લાઈટ ફીટીંગ કરવા ન બેસાય : એ તો પહેલેથી કરવું પડે. મૃત્યુ આવે ત્યારે જ ઇશ્વરનું સ્મરણ કરવા ન બેસાય, એ પણ પહેલેથી કરવું પડે.