પ્રભુના મંદિરની બહાર રાગ અને દ્વેષ જેવા દુર્ગુણો ઉતારી આવીએ !
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
રાગ અને દ્વેષ મુક્ત જીવન સવારના કરેલા સ્નાન પછી મળેલી નિર્મળતા અને સ્ફૂર્તિ જેવું હોય છે !
રાગ અને દ્વેષ એ બંને સ્વાભાવિક પણ છે. જ્યાં જીવન છે ત્યાં એ બંને હોય જ. પોતાના કાર્ય માટે પ્રેમ હોવો કે પરિવાર પ્રત્યે રાગ થવો એ સહજ છે. જીવનમાં આવીને કોઈ નડતર બની જાય ત્યારે, તેના માટે ડંખ, દ્વેષ જાગવો કુદરતી છે
રાગ અને દ્વેષ બંને જીવન સાથે અનિવાર્ય રૂપે જોડાયેલા છે. વિશ્વની તમામ આત્મચિંતક વિભૂતિઓ તેનાથી પર થવાનું કહે છે. જેને આત્મકલ્યાણની લેશમાત્ર ઇચ્છા છે તેણે રાગથી, દ્વેષથી મુક્ત થયા વિના ન ચાલે; કેમ કે એ બંને, આત્મકલ્યાણની વચમાં મહત્ત્વના અવરોધ છે.
આત્મકલ્યાણને ક્ષણવાર દૂર રાખીએ તો પણ, જીવંત અવસ્થામાં પણ એનાથી નુકસાન થાય જ છે. ધૃતરાષ્ટ્રનો પુત્રરાગ, કૌરવો પ્રત્યે પક્ષપાત સર્જે છે અને પાંડવોના પક્ષમાં સત્ય અને ન્યાય બંને હાજર હોવા છતાં તેનાથી દૂર રાખે છે. દુર્યોધનનો પાંડવો પ્રત્યેનો દ્વેષ એને એક રાજ્ય તો ઠીક, એક ગામ પણ આપવા ઇન્કાર કરે છે !
સ્વાભાવિક, સ્વસ્થ, ઉત્તમ જીવન માટે પણ વધુ પડતા રાગ અને દ્વેષ અવરોધક બની જાય છે. જૂનાગઢના સંત કવિ નરસિંહ મહેતા ભજન કરતા હતા અને જાણ્યું કે પોતાની પત્નીનું અવસાન થયું છે તો એ જ ક્ષણે મનની કશી જ વિટંબણા વિના ગાઈ શકે છે : 'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.' આ સ્વાભાવિકતા, સ્વસ્થતા ભીતરમાં પડેલી વિરકિત વિના શક્ય નથી.
ગોશાલક શ્રી મહાવીરસ્વામીને તીવ્ર ઉપદ્રવ કર્યા પછી મૃત્યુ પામ્યો ત્યારે, રાજા શ્રેણિક તેની હવે શી ગતિ થશે તેમ પ્રભુને પૂછે છે. જેણે થોડી જ વાર પહેલાં કનડવામાં બાકી નથી રાખ્યું તેના માટે કોઈ જ ડંખ કે દ્વેષ મનમાં રાખ્યા વિના, ભગવાન મહાવીર 'ગોશાલક દેવલોકમાં જશે' તેમ કહે છે ! રાગ અને દ્વેષમુક્ત જીવન, સવારના કરેલા સ્નાન પછી મળેલી નિર્મળતા અને સ્ફૂર્તિ જેવું હોય છે.
રાગ અને દ્વેષ એ બંને સ્વાભાવિક પણ છે. જ્યાં જીવન છે ત્યાં એ બંને હોય જ. પોતાના કાર્ય માટે પ્રેમ હોવો કે પરિવાર પ્રત્યે રાગ થવો એ સહજ છે. જીવનમાં આવીને કોઈ નડતર બની જાય ત્યારે, તેના માટે ડંખ, દ્વેષ જાગવો કુદરતી છે. ક્યારેક એવું પણ બને કે રાગ અને દ્વેષને કારણે જીવનમાં થનગનાટ, ઝનૂન પ્રક્ટે ! ઝાંસીની રાણીમાં પ્રકટેલું ઝનૂન એના રાષ્ટ્રપ્રેમમાંથી આવે છે, ૧૮૫૭નો બળવો અંગ્રેજો પ્રત્યેના દ્વેષ અને દેશ પ્રત્યેના રાગમાંથી આવે છે.
આ તો જાણીતી વાત થઈ. આવી જ કોઈક મુલવણી વ્યકિતગત જીવન સુધી પણ આવી શકે. દરેક વસ્તુની બીજી બાજુ પણ હોય છે. રાગ અને દ્વેષ ઉન્નતિ માટેનાં પ્રેરકબળ બનતાં જોવા મળે ત્યારે આખુંય ચિત્ર જુદું હોય છે. પણ જેમ રાગ અને દ્વેષ પ્રત્યેક જીવનમાં સ્વાભાવિક છે તેમ તેનું ઉદાત્ત, પ્રેરક સ્વરૂપ સર્વત્ર નથી જોવા મળતું અને એવું જીવન વિરલ હોય છે ! જેમાંથી જીવનનું ઊર્ધ્વારોહણ થાય તેનું જ સ્વાગત કરી શકાય, કેમ કે આ જીવન ઘણું કીમતી છે !
વિશ્વની તમામ આત્મચિંતક વિભૂતિઓ એકસૂરે જીવનને મૂલ્યવાન કહે છે. જીવન ક્ષણભંગુર પણ છે. એ ક્યારે નાશ પામી જાય તે વાત જ કલ્પનાતીત છે. અને એવી સ્થિતિમાં, આ શ્રેષ્ઠ જીવનને નાના કે નકામા અવરોધોની સંગતમાં બરબાદ કરવું ન ઘટે. ધ્યાન, સાધના, સમાધિ અને પ્રભુમય અવસ્થા જેવી મોટી વાતો દૂર રાખીએ તોય ક્ષુદ્ર રાગ કે ક્ષુદ્ર દ્વેષને કારણે જીવન બરબાદ કરવા જેવું નથી.
ઉપર સંભારેલી એક વાતને ફરીથી સંભારીએ, તો સમજણની આંખ પર ગાંધારીની જેમ કોઈ મોહની પટ્ટી મારવા જેવી નથી ! આ જીવન, રાગ-દ્વેષ મુક્ત બને ત્યારે તેનો આનંદ અનોખો હોય છે ! રાગ અને દ્વેષનો બાર વેઢારવા જેવો નથી. એના કરતાં તો સર્વ પ્રત્યે પ્રેમ અને કરુણા અને સર્વ પ્રત્યે ક્ષમા અને સમતા ઉત્તમ છે. પ્રેમાળ અને સમતાવંત વ્યકિત યશ, શાંતિ અને કલ્યાણ પામે છે.
જૈન ધર્મ રાગ અને દ્વેષથી નિકાચિત કર્મો બંધાતાં હોવાથી તેનાથી મુક્ત થવાનું કહીને જીવન અને આત્મા- બંને માટે શ્રેયસ્કર માર્ગ સંબોધે છે. ગીતામાં શ્રીકૃષ્ણનો ઉપદેશ રાગ-દ્વેષમુક્ત તટસ્થતા તરફનો છે. આ ઉલ્લેખ એટલા માટે કરવો ગમે છે કે તેમાંથી તે પંથે જઈને તે મહાજનોએ જીવન- કલ્યાણ સંપ્રાપ્ત કર્યું છે.
આત્મોત્થાન માટે તેમણે જબરો સંઘર્ષ કર્યો અને એમણે આંતરિક દૃઢતા ન છોડી. એ દૃઢતા વિતરાગતા સુધીની હોય છે. પ્રભુપદ પામવા સુધીની હોય છે. રાગ અને દ્વેષ ગયા પછી સ્વયં ભક્તિ અને શ્રદ્ધાનો ઉદય થાય છે. રાગ અને દ્વેષ નઠારા અવગુણ છે. એ બંને તો પ્રભુપ્રીતિ કે પ્રભુભક્તિ પણ પ્રકટવા નહિ દે. જે પ્રભુથી પણ દૂર રાખે તેની નજીક જઈને શું કામ છે ? જે ભગવાનથી દૂર રાખે, એનાથી દૂર આપણે જ ન જઈએ ?
ભગવાન મહાવીરને કોઈકે પૂછયું.
'પ્રભુ, આપના ચરણોમાં હું શી ભેટ ધરું ?'
ખીલેલા કમળ જેવું મધુર હાસ્ય કરતાં પ્રભુએ કહ્યું: ' તારી જિંદગીમાં જે દુર્ગુણો પડયા હોય તે મને ન આપી દે ?'
પ્રભુના મંદિરમાં જઈને રાગ-દ્વેષ જેવા દુર્ગુણો મૂકી આવવા જેવું છે.
પ્રભાવના
નવકારવાળી રોજ ગણીએ પણ તેના મણકા ૧૦૮ શા માટે છે તે પણ જાણી લઈએ તો ? જૈનધર્મની ૧૦૮ મણકાની ગણના વિશિષ્ટ છે : અરિહંતના ગુણ ૧૨, સિદ્ધના ગુણ ૮, આચાર્યના ગુણ ૩૬, ઉપાધ્યાયના ગુણ ૨૫, સાધુના ગુણ ૨૭- એમ પંચ પરમેષ્ઠિના ગુણ મળીને થશે ૧૦૮ !
હવે જ્યારે પ્રભુના નામની માળા ગણીએ ત્યારે તેમના ગુણ પણ જીવનમાં અવતરે તેવો પ્રયત્ન શરૂ કરીશું ?