પાને પાને જૈનોના અભ્યુદયની આકાંક્ષા પ્રગટ કરતો ગ્રંથ: જૈનોપનિષદ !
આજથી 100 વર્ષ પૂર્વે થયેલા ક્રાંતિકારી જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ !
ગુરુના જ્ઞાાનનો વિસ્તાર એટલે ઉપનિષદ. જ્ઞાાનપ્રાપ્તિના જે વિવિધ માર્ગો છે તેમાં ગુરુની સમીપતા એ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. ગુરુચરણે બેસીને મેળવેલું જ્ઞાાન વ્યક્તિને પરિપકવ બનાવે છે અને એક એવી પરંપરાને જન્મ આપે છે જે યુગાનુયુગ લોકોનું કલ્યાણ કરતી રહે છે.
દરેક ધર્મના ગ્રંથોની એક આગવી પરિભાષા હોય છે. વૈદિક પરંપરાએ 'ઉપનિષદ' શબ્દને જન્મ આપ્યો. બીજા શબ્દોમાં કહીએ તો ઉપનિષદ એ વૈદિક પરંપરાનો પારિભાષિક શબ્દ છે. જેનો પ્રારંભિક અર્થ છે ગુરુનિશ્રાએ મેળવેલું જ્ઞાાન, ગુરુ-શિષ્ય વચ્ચેના વાર્તાલાપનો સંગ્રહ, શિષ્યના પ્રશ્નોના ગુરુ દ્વારા અપાયેલા ઉત્તરો અને શિષ્યની જિજ્ઞાાસાઓનું ગુરુ દ્વારા અપાયેલું સમાધાન. આ પ્રારંભિક અર્થના વિસ્તારથી ઉપનિષદ શબ્દની અનેક છાયાઓ થઈ શકે.
જૈનધર્મના સુવર્ણયુગમાં જૈનાચાર્યએ પણ ઉપનિષદો આપ્યાં છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કલિકાલસર્વજ્ઞાનું 'અધ્યાત્મોપનિષદ.' કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યનો અધ્યાત્મોપનિષદ નામનો કોઈ ગ્રંથ હોય એની સૌથી પહેલી નવાઈ તો ખુદ જૈનોને જ લાગવાની! પણ તેમને યોગશાસ્ત્રનું નામ આપીશું તો તરત કહેશે કે હા, એ ગ્રંથ કલિકાલસર્વજ્ઞાનો ખરો! બસ, આ યોગશાસ્ત્ર એ જ અધ્યાત્મોપનિષદ! હકીકત તો એ છે કે યોગશાસ્ત્રનું મૂળ નામ જ અધ્યાત્મોપનિષદ છે!
ઉત્તરકાળમાં મહોપાધ્યાય યશોવિજયજીએ પણ ઉપનિષદોની રચના કરી છે.
આમ છતાં એક વાત નક્કી કે ઉપનિષદ શબ્દનું જેટલું આકર્ષણ વૈદિક પરંપરામાં દેખાય છે એટલું અન્ય પરંપરાઓમાં દેખાતું નથી.
વીતેલી સદીના સાક્ષરયુગમાં ઉપનિષદો આપનાર કોઈ જૈન ધર્માચાર્ય હોય તો તે માત્ર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી મહારાજ. આ યુગમાં ઉપનિષદો લખવાનો યશ શ્રીમદ્જીના ફાળે જાય છે. આમ પણ જૈનો ક્રાંતિનું બીજું નામ જ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ છે.
કોઈ પણ ગ્રંથરચનાનો મુખ્ય હેતુ માનવકલ્યાણ હોવો જોઈએ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સાહિત્યમાં આ બાબત સુપેરે દેખાઈ આવે છે. શ્રીમદ્જીનાં ટૂંકાં વાક્યો એમના અંતરના ઊંડાણમાંથી ઊતરી આવતાં હોય એવી અનુભૂતિ વાચકને થયા વિના રહેતી નથી.
શ્રીમદ્જીનાં સવાસો ઉપરાંત પુસ્તકોમાંથી કોઈ પણ પુસ્તક હાથમાં લો, એમાં આટલી બાબતો તરત જ નજર સામે તરવરી ઊઠશે ઃ વીરતા, સત્યપ્રિયતા, કહેવા જેવી વાતનો ચોખલિયો સંકોચ નહિ અને શબ્દે શબ્દે જનકલ્યાણની કામના. કેટલીક વાર તો વ્યથા અને વેદના પણ તેમની રચનાઓમાં પડઘાય છે.
પ્રસ્તુત ગ્રંથ 'જૈનોપનિષદ્'ના હાર્દમાં જઈએ તો તેમની આ વેદનાનું પ્રતિબિંબ નજરે ચડયા વિના રહેતું નથી: મહાવીરયુગમાં અને પછીના કેટલાયે સૈકાઓમાં જૈનોનો જે વિકાસ હતો, તેમની જે ગુરુતા હતી, તેમની જે વિરાટ સંખ્યા હતી તે બધું ક્યાં ગયું? કોઈક કાળે જૈનો દેશભરમાં ફેલાયેલા હતા તે હવે ગુજરાત મારવાડ પૂરતા મર્યાદિત કેમ રહી ગયા? લાખોની સંખ્યા ધરાવનારો આ જૈનવર્ગ સંકોચાઈને માત્ર તેર લાખ (આ સંખ્યા ૧૦૦ વરસ અગાઉની છે.
અત્યારે જૈનોની સંખ્યા પચાસ લાખની થઈ છે.) સુધી કેમ સીમિત થઈ ગયો? જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા બાબતે પણ શ્રીમદ્જીની વ્યથા જણાઈ આવે છે. શ્રીમદ્જીના વખતમાં સાધુ-સાધ્વીઓની સંખ્યા બે-ત્રણ હજાર જેટલી જ હતી તે આપણને આ પુસ્તકના આધારે જાણવા મળે છે.
પોતાનાં અનેક પુસ્તકોમાં જૈનોની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિની પ્રસંગોપાત્ત તુલના કરીને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે અંગુલીનિર્દેશ કર્યો છે. એ તુલના કરતી વખતે જૈનોની વર્તમાન સ્થિતિ અંગે તેઓશ્રી ખેદ વ્યક્ત કર્યા વિના રહી શકતા નથી. આ મુદ્દાને કેન્દ્રમાં રાખીને શ્રીમદ્જીએ 'જૈનોની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ'એ નામે એક સ્વતંત્ર પુસ્તક પણ લખ્યું છે.
(આવતા અંકે પૂર્ણ)
પ્રભાવના
તમે કોઈના જીવનમાં વૃક્ષ બનીંે છાંયો ન પ્રસરાવી શકો તો એટલી કોશિશ તો જરૂર કરો કે કંટક બનીને કોઈને તકલીફ નહિ આપો; તમે કોઈના જીવનમાં પેન્સીલ બનીને સુખના અક્ષર ન લખી શકો તો એટલી કોશિશ તો જરૂર કરો કે રબર બનીને જીવનમાંથી દુઃખના અક્ષર મીટાવી શકો!