શ્રમણ ભગવાન મહાવીરે કહેલી પ્રવચન કથાઓ !

By GS Team
14 Aug 20193 mins read
This article was originally published on 14 Aug 2019
શ્રમણ ભગવાન મહાવીરે કહેલી પ્રવચન કથાઓ !

( ૧)

દેવસર્જિત સમવસરણમાં ભગવાન મહાવીર દેશના આપતા હતા. દેશનાના પ્રવાહમાં જ્ઞાાની ગૌતમે કહ્યુ,'ભગવાન, આજે અમને કોઈક રૂપક્કથા કહો.'

ભગવાને મધુરું સ્મિત કર્યું. એમણે કહ્યું. 'એક નગરમાં એક શેઠ વસતા હતા. તેમને ત્રણ પુત્રો હતો. શેઠને એકાદ વિચાર આવ્યો કે આ ત્રણ પુત્રોમાં શ્રેષ્ઠ પુત્ર કયો ? એમણે ત્રણેયને સરખું ધન આપીને વિદેશ મોકલી આપ્યા અને કહ્યું કે તમને જે ગમે તે ધંધો કરજો અને પાછા આવીને શું કમાઈ લાવ્યા તે મને કહેજો.

પુત્રોએ હામી ભણી. તેઓ વિદેશયાત્રાએ નીકળી પડયા. કેટલાંક વર્ષો પછી સૌથી નાનો પુત્ર પાછો આવ્યો. તેણે પોતાના પિતાને કહ્યું કે હું જેટલી સંપત્તિ લઈને ગયેલો તેનાથી અનેકગણી સંપત્તિ વધુ કમાઈને આવ્યો છું.

થોડાક સમય પછી બીજો પુત્ર પાછો આવ્યો. એ માત્ર મૂળ મૂડી કમાઈને પાછો આવ્યો હતો. એ નવું નહોતો કમાઈ શક્યો. નહોતી મૂડી ગુમાવી.

છેલ્લે આવ્યો સૌથી મોટો પુત્ર. એ તમામ સંપત્તિ ગુમાવીને ખાલી હાથે પાછો આવ્યો હતો ! શેઠે જોયું કે સંપત્તિને અનેકગણી વધારીને આવનાર પુત્ર જ શ્રેષ્ઢ છે, તેમણે તેને વારસદાર બનાવ્યો. આટલી ટૂંકી રૂપક્કથા કહીને ભગવાન મહાવીરે તેનો ઉપસંહાર આમ કર્યો :

'માનવમાત્ર પુુણ્યની મૂડી લઈને આવે છે, પણ જે શીલથી, સદાચારથી સંસ્કારસંપત્તિ સંવર્ધે છે તે જ માનવી સૌને પ્રિય થાય છે, ઇહલોક- પરલોકમાં સુખી થાય છે !'

(૨)

એકદા રાજા શ્રેણિકે શ્રી મહાવીર પ્રભુને પૂછયું:

' ભગવંત, લોભી જીવો કેવા હોય છે ?'

પ્રભુએ કહ્યું:

'ભંતે ! થોડા માટે અધિક ગુમાવવાની વાતો જાણીએ ત્યારે એ મનુષ્ય લોભી હોવો જોઈએ, તેમ માનવું રહ્યું, લોભથી સર્વનાશ થાય.'

શ્રેણિકે કહ્યું:

'ભગવંત, કોઈ દૃષ્ટાંત કહેશો ?'

પ્રભુએ કહ્યું:

'એક નગરમાં એક ગૃહસ્થ વસે. સામાન્ય માનવી. કર્મનો બળિયો. જ્યાં કામ કરે ત્યાં ઊંધુ થાય. સુખ હંમેશાં તેનાથી બે ડગલા આગળ ચાલે.

એમાં, એને કોઈએ સલાહ આપી : ભાઈ, વિદેશ જા, એકાદ હજાર દ્રમ્મ કમાઈ લે એટલે ભયો ભયો ! થોડી બરાબર મહેનત કરજે, પ્રામાણિકતા છોડીશ નહિ.

આ દુ:ખી માનવીને તે સલાહ ગમી. પત્નીને સમજાવીને તે બહારગામ ઉપડયો. કાળી મજુરી કરી, રાત- દિવસ ન જોયાં ને ખરેખર એક હજાર ટ્રમ્મ કમાયો. એ પાછો વળી ગયો, એક હજાર દ્રમ્મક કમાઈ લીધા પછી હવે વિદેશ રહેવું ઠીક ન લાગ્યું. એણે ૯૯૯ દ્રમ્મ એક મજબૂત વાંસળીમાં ગોઠવીને કમરે બાંધી. એક દ્રમ્મની ૧૦૦ કોડી ખિસ્સામાં રાખી. માર્ગમાં ભૂખ લાગે તો કામ આવે !'

એ ઝડપથી ચાલતો રહ્યો ઘર ભણી. માર્ગમાં ક્યાંક ક્ષુધા સંતોષી પણ ખરી. એમાં ચાલુ પ્રવાસમાં એણે પેલી ૧૦૦ કોડી ગણી તો ૯૮ નીકળી. એને થયું, મેં તો માર્ગમાં એક જ કોડી ખર્ચી છે ! નહિ, આ પસીનાથી મેળવેલી કમાઈ છે, એ ગુમાવે કેમ પરવડે ?

એણે કમરે બાંધેલી વાંસળી એક વૃક્ષની નિશાની રાખીને જમીનમાં દાટી. પેલી કોડી બરાબર ગણી, એમાં ૯૮ હતી ! એ જે માર્ગે આવ્યો હતો ત્યાં પાછો વળ્યો. એક કોડીને શોધવા ! પણ રે ! એ કોડી ક્યાંય ન મળી !

નિરાશ થઈને એ પાછો આવ્યો. જ્યાં વૃક્ષનું નિશાન યાદ રાખેલું ત્યાં જમીનમાં ખોદ્યું તો એ વાંસળી કોઈ ઉપાડી ગયેલું ! એ માનવીએ દુર્ભાગ્યને રડતાં માથું કૂટયું !

લોભી માનવી આવા હોય છે : એક કોડીને ખાતર નવસો નવ્વાણું દ્રમ્મ ખુવે છે !

પ્રભાવના 

આનંદ લૂંટ લે બન્દે,

પ્રભુ કી બંદગી કા !

ના જાને કબ છૂટ જાયે,

સાથ જિંદગી કા !