જે પૂર્વજોની કૃપાથી આપણે આ ધરતી પર દેહ ધારણ કરી શક્યા, જેમની કૃપા અને આશીર્વાદથી આપણે સમૃધ્ધ, સંપન્ન બની શક્યા, ફુલી-ફાલી શક્યા, તેમના પ્રત્યે આપણી કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો, પિતૃઋણ અદા કરવાનો અનુપમ અવસર છે - આ પિતૃપક્ષ. ભાદરવા સુદ પૂનમથી માંડીને ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસ પિતરોને સમર્પિત હોય છે. પિતરોનું શ્રાધ્ધ-તર્પણ કરવાનું આ પર્વ ભારત દેશમાં ખૂબ જ શ્રધ્ધાપૂર્વક ઊજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ જેને શ્રાધ્ધ પર્વ પણ કહેવાય છે. પૂર્ણપણે શ્રધ્ધેય પિતરોને સમર્પિત હોય છે. આ શ્રાધ્ધ પર્વમાં લોકો પોતાના કુળ, પરિવારનાં સ્વર્ગસ્થ પરિજનો જેમ કે - સ્વર્ગસ્થ પિતા, માતા વગેરે પિતરોનું ભાવભક્તિપૂર્વક તર્પણ કરીને તેમને તૃપ્ત કરે છે, તેમના નિમિત્તે દાન કરે છે.
વર્ષના કોઈપણ માસ કે પક્ષની જે તિથિમાં પરિજનનું મૃત્યુ થયું હોય, ભાદરવા વદની એ જ તિથિએ એ પિતરુંનું શ્રાધ્ધ કરવાનું વિદ્યાન છે. સંન્યાસી વ્યક્તિનું શ્રાધ્ધ બારસના દિવસે કરવામાં આવે છે. અકાળમૃત્યુ, વિષપાન તથા આત્માહત્યા ને કારણે દિવંગત થયેલી વ્યક્તિનું શ્રાધ્ધ ચૌદશનાં રોજ કરવામાં આવે છે. તદ ઉપરાંત જો કોઈ મૃત પરિજન, જેમની મૃત્યુતિથિ યાદ ન હોય કે કોઈ કારણવશ શ્રાધ્ધ નિશ્ચિત તિથિ પર સંપન્ન ન થઈ શક્યું હોય તો તેમનું શ્રાધ્ધ ભાદરવા વદ અમાસના દિવસે કરવાનું વિધાન છે. આ તિથિ સર્વપિતૃ અમાવાસ્યા તરીકે પણ ઓળખાય છે.
શ્રધ્ધાથી પિતરોને જે કંઈ અર્પણ કરવામાં આવે છે. તેને શ્રાધ્ધ કહે છે. સ્વર્ગસ્થ આત્માઓની તૃપ્તિ કોઈ પદાર્થથી, ખાવા-પીવાની વસ્તુઓ વગેરેથી નથી થતી કારણ કે સ્થૂળ શરીરને સ્થૂળ ઉપકરણોની આવશ્યકતા પડે છે, મૃત્યુ પછી જીવાત્માનું સ્થૂળ શરીર સમાપ્ત થઈ છે. કેવળ સૂક્ષ્મ શરીર રહી જાય છે. સૂક્ષ્મ શરીરને ભૂખ-તરસ, ઠંડી-ગરમી વગેરેની આવશ્યકતા રહેતી નથી, આ શરીરમાં વિચારણા, ચેતના અને ભાવનાની પ્રધાનતા રહે છે, એટલે તેમાં ઉત્કૃષ્ટ ભાવનાઓથી ભરેલું અંત:કરણ શાંતિ પ્રદાન કરે છે. એટલા માટે શ્રાધ્ધ-તર્પણ વખતે મનની શ્રધ્ધા-ભાવનાનું ખૂબ મહત્વ છે. શ્રાધ્ધનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આપણા પૂર્વજોને નિરંતર યાદ રાખવા અને સમયાંતરે કૃતજ્ઞાતા-સ્વરૂપ તેમના નિમિત દાન કરવું. આ શૃંખલા ખંડિત ન થવી જોઈએ. પિતૃ એમને કહે છે જેમને ભૂલી શકાય એમ નથી. પિતૃઋણ એ એક એવું ઋણ છે, જે ચૂકવી શકવાનું અસંભવ છે. એટલા માટે પિતૃનું સ્મરણ કરીને તેમના માટે શ્રાધ્ધ-તર્પણ કરવું. તેમના નિમિત્તે દાન કર્મ કરવું વગેરેથી જ તેમને સંતુષ્ટ કરી શકાય છે, તેમને તૃપ્ત કરી શકાય છે. આજ તેમના પ્રત્યે આપણી શ્રધ્ધાંજલિ હોય છે, જેનાથી તેમના શુભ આશીર્વાદ આપણા પર વરસે છે.
- જ્યેન્દ્ર ગોકાણી


