Get The App

ઉત્તમ જીવન શ્રેષ્ઠ વ્યક્તિત્વ મુનિ નમ્રરત્ન વિ.મ.

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
ઉત્તમ જીવન શ્રેષ્ઠ વ્યક્તિત્વ મુનિ નમ્રરત્ન વિ.મ. 1 - image

- પ્રેરણાની પરબ-આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

ઘણીવાર એવું બને છે કે ફૂલનું અદ્ભુત સૌંદર્ય આપણા હૃદયને બાગ-બાગ કરી દે છે. પરંતુ તે પછી તેની સુકોમળતા અને તેમાંથી પ્રસરતી સુવાસ અનુભવતા એમ જ થાય છે કે ફૂલનાં સૌંદર્ય કરતાં ય તેની સુકોમળતા અને સુવાસ ક્રમશ: ઉત્કૃષ્ટ છે. ટૂંકમાં ફૂલની એકેક વિશેષતાઓ આપણને એકમેકથી ચઢિયાતી અનુભવાય છે. બસ, આ જ રીતે કેટલાક વ્યક્તિત્વો બરાબર આવા ફૂલ જેવા જ હોય છે. તેમના એક એક સદ્ગુણોને આપણે નિહાળતા જઈએ અને આપણને એવો અનુભવ અવશ્ય થાય કે તેમના વિશિષ્ટ સદ્ગુણો પરસ્પર એકમેકથી ચઢિયાતા છે. પ્રસ્તુત સંદર્ભમાં મારે વાત કરવી છે, તા. ૧૨ માર્ચ, ૨૦૨૬ ના દિવસે સવારે વિહાર દરમિયાન ભોરોલ (મુંબઈ) પાસે અકસ્માતમાં કાળધર્મ (મૃત્યુ) પામેલ અમારા એકવીશ વર્ષીય સમર્પણ-સંસ્કાર-સદ્ભાવસંપન્ન મુનિવર નમ્રરત્નવિજયજી મ.ની. અમારા ગુરૂદેવ આ. રાજરત્નસૂરીશ્વરજી મહારાજે તો તેમના માટે હૃદયગંમ લેખ 'ગુજરાત સમાચાર'માં આલેખ્યો જ છે, પરંતુ 'ગુણિયલ વ્યક્તિત્વ વારંવાર ગવાયા વિના રહેતું નથી' એ ન્યાયે આ કોલમમાં પણ આપણે તેમના ત્રણ વિશિષ્ટ જીવનપાસાઓનું દિગ્દર્શન કરીશું :

(૧) સમર્પણશીલતા : સમર્પણ એટલે પરમાત્માને યા ગુરૂને પોતાનું જીવન પૂર્ણત: સોંપી દેવું - વિચારમાત્રનો પણ અવકાશ ન રાખવો. આવું સમર્પણ મુનિવરમાં ઉત્તમ જ નહિ, સહજ પણ હતું. દીક્ષા લીધા બાદ નહિ, દીક્ષા પૂર્વે પણ હતું. એની ઝલક જોવા મળી તેઓ દીક્ષા પૂર્વે પોતાના ફોઈમહારાજને વંદન કરવા દક્ષિણ ભારતમાં ગયા ત્યારે. ફોઈ મ. એ તેમને પૂછયું : 'દીક્ષા લીધા બાદ કોના શિષ્ય બનશો ?' તેમણે તુરત ઉત્તર પાઠવ્યો : 'એ મારે વિચારવાનું ન હોય. મોટા ગુરૂદેવ કહે તેમનો શિષ્ય બની જઈશ.' સમર્પણ છલોછલ આ વાર્તાલાપ જ્યારે મારા સાંભળવામાં આવ્યો, ત્યારે મનમાં સહજ ઉપસી આવ્યા પૂ.  ધર્મસૂરિજી મ. માટે તેમના ગુરૂદેવે આલેખેલા શબ્દો કે 'નૈસર્ગિક કુલજવિનયાદિસદ્ગુણભાક્.' (૨) કર્તવ્ય પરાયણતા : માત્ર છ વર્ષનો જ દીક્ષાપર્યાય ધરાવતા હોવા છતાં તેમનાં કાર્યોમાં ચીવટ એવી રહેતી કે એકપણ કાર્યનું પુન:સ્મરણ ન કરાવવું પડે. દરેક કાર્યો સવાયા સરસ જ થાય. અંતિમ દિવસે તેમને કાર્ય સોંપાયું હતું 'આ. હિતરત્નસૂ.મ. સાથે વિહારમાં રહેવાનું અને તેમની સંભાળ લેવાનું.' અકસ્માત સમયે આ. હિતરત્નસૂરિજીને સહીસલામત રાખીને તેમણે એ કાર્ય પણ જાણે બખૂબી નિભાવ્યું

(૩) ગંભીરતા : તેમનામાં ગાંભીર્ય ગુણ એવો સરસ હતો કે ગહન વાતોને ય સરળતાથી પચાવી જાણે. તેમની આ વિશેષતાનાં કારણે જ તેમના દાદાગુરૂદેવ આ.રાજરત્નસૂરિજી મ. તથા ગુરૂદેવ આ. રશ્મિરત્નસૂ.મ. તેમને પોતાની નિકટ બેસાડવાનું વધુ પસંદ કરતા.

આ મુનિવર માટે મને બે અફસોસ કાયમ રહેશે : (૧) શત્રુંજય અને આદિનાથ પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા તેમણે, અમારી સાંજની નિત્ય પ્રભુભક્તિમાં બે પ્રભુભક્તિગીતો અવશ્ય ગાવાની મારી પાસે માંગણી કરેલી. એક, સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે... અને બે, ઋષભજી બોલાવે છે... મેં તેમની એક ઇચ્છા પૂર્ણ કરી, પણ બીજી ઇચ્છા પૂર્ણ કરવાની બાકી જ રહી ગઈ. અને (૨) અકસ્માત સમયે હું તેમનાથી માત્ર વીશ કદમ દૂર પાછળ હતો. પરંતુ હું તેમનું રક્ષણ ન કરી શક્યો અને નજર સામે જ કરુણ ઘટના સર્જાઈ ગઈ... આગામી સમયમાં જેમના માટે 'નમ્રસ્મરણમ્' નામે હૃદયસ્પર્શી પુસ્તિકા પ્રકાશિત થશે તેવા આ મુનિવરે પૂર્વદિને જ વર્ષીતપની સાધના ઉમંગથી શરૂ કરી હતી. આદિનાથ પ્રભુએ વર્ષીતપ શરૂ કર્યો પછી વચ્ચે ભોજન લીધું નહોતું. મુનિવરે પણ તેમ જ કર્યું. 'વર્ષીતપ શરૂ કર્યા બાદ ભોજન ન લીધું.' પ્રથમ પારણા પૂર્વે જ જીવનવિરામ થયો.

છેલ્લે મુનિવરને મીઠો ઠપકો આપતા એટલું જ કહેવાનું કે : 'જીવ્યા ઉત્તમ અને લીધી વિદાય, યાદ રહેશો સૌને સદાય, અચાનક ચાલ્યા છોડીને સઘળું, ફરિયાદ રહેશે એની સદાય...'