Get The App

જીવનમાં જે કંઈ મૂલ્યવાન હોય તે મુશ્કેલીથી મળતું હોય છે

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
જીવનમાં જે કંઈ મૂલ્યવાન હોય તે મુશ્કેલીથી મળતું હોય છે 1 - image

આધ્યાત્મિક આંતર સાધનામાં સાધકે પરમતત્વને પામવાની સત્વ સંશુદ્ધ અંતકરણથી અભિપ્સા કરી હોય અને આત્મિક સત્યમાં સ્થિત થઈને ધંધો કરતાં કરતા અને સામાન્ય પરિસ્થિતિમાં આધ્યાત્મિક જીવન માટે જ્યારે તૈયારી  કરવાની હોય ત્યારે તેના માટે સારામાં સારો માર્ગ એ છે કે તેણે આત્મિક સત્યમાં પ્રથમ સ્થિત થઈને એક સંપૂર્ણ રીતે પુરુષાર્થ કરી ધનોપાર્જન તો પ્રાપ્ત કરવાનું જ છે અને ધનનો ઉપયોગ જીવનમાં કરવાનો જ. અને ઉપભોગથી બચવાનું છે અને જીવનમાં સમત્વ અને નિર્લેપ અવસ્થા એટલે કે આત્માનું સમત્વ એક સરખાપણું બધે એકજ આત્મા છે, એ જ પરમાત્મા છે, એ જ પરમતત્ત્વ છે, તેના નામ જુદા છે, તત્ત્વ એક જ છે, આ તત્વના કોઈ વારસો નથી. તેવા અંતરના શુદ્ધ ભાવમાં સ્થિત થવાનું છે.

આપણા આત્મામાં જ પરમાત્મા રહેલા છે, કોઈ પથરામાં તેનો વાસ નથી એટલું સ્પષ્ટ જાણો, આમાં કોઈનું માનવાનો સવાલ જ ઉપસ્થિત થતો જ નથી. આત્મા એજ પરમાત્મા છે, તેને અંદર ઉતરી જાણો તેમાં જ સ્થિત થાવ ત્યાં જ શાંતિ અને આનંદ બંને ઉપલબ્ધ છે. એવા આત્મિક સત્ય સ્વરૂપ જ્ઞાનમાં રચાયેલો આત્મિક સત્ય આધારિત ભાવ પ્રત્યેક વ્યક્તિ વસ્તુ અને જીવનમાં બનતા તમામ બનાવ પ્રત્યે, આત્મિક સત્ય સ્વરૂપ થઈને સંમભાવ રાખવો જોઈએ એ જ જીવનમાં સત્ય ધર્મનું અનુસરણ અને આચરણ છે, આજ આત્મિક સત્ય સ્વરૂપ આંતર સાધનામાં મહત્વનું અંગ છે. એટલું સત્વ સંશુદ્ધ અંતકરણથી જાણો અને આચરો આત્મિક સત્યનું આચરણ એ જ ધર્મ છે, જીવનનો સત્ય આધારિત માર્ગ દર્શક નિયમ છે, તેને જે ધારણ કરે તેને સત્યનો ટેકો મળી જ રહે છે અને તેજ જીવનમાં શાંતિ અને આનંદ પ્રાપ્ત કરે છે.

અત્યારે ભલે માણસોની પરિસ્થિતિ અજ્ઞાનમય હોય, જુદી જુદી ભરવાડની જોકોમાં પુરાયેલા હોય આત્મિક સત્યમાં કે સ્વતંત્ર ચિત્તમાં સ્થિર ન હોય છતાં પણ પરમતત્વનું અસ્તિત્વ સદાય તેના આત્મામાં હાજર જ હોય છે, અને પરમ તત્વનો સંકલ્પ આ પરિસ્થિતિમાં પણ કાર્ય તો કરી જ રહ્યો છે. તેનું તે કામ કરે જ છે, તેનામાં કોઈ સ્વાર્થ રાગ દ્વેષ કે અહંકાર નથી તે સદાય મદદ કરવા આતુર જ હોય છે. આપણે જ મોઢું ફેરવીને બીજાના કહેવા પ્રમાણે વર્તતા હોઈએ છીએ. આત્મિક સત્ય અનુસાર કે સ્વતંત્ર ચિત્ત કરી જીવતા જ નથી. તમારો આત્મા એજ તમારો પરમાત્મા છે. આત્મિક સત્ય એ જ તમારું સત્ય છે. ત્યાં જ તમારો ઉદ્ધાર છે. ત્યાં જ તમારું ઉર્ધ્વીકરણ અને સત્યમાં રૂપાંતરણ છે. એટલું જાણો. તમોને તમારા આત્મિક સત્ય સિવાય કોઈ તમારા સત્યમાં સ્થિત કરી શકશે જ નહિ અને તમારા સત્યમાં સ્થિત થયા વિના પરમ શાંતિ આનંદ નથી એટલું બરાબર જાણો.

- તત્વચિંતક વી. પટેલ