Get The App

રોજરોજનાં ટેન્શન-ચિંતા । પ..ણ..હા, સમજથી ટાળવાં જ જોઈએ

Updated: Aug 7th, 2019

GS TEAM

Google News
Google News
રોજરોજનાં ટેન્શન-ચિંતા । પ..ણ..હા, સમજથી ટાળવાં જ જોઈએ 1 - image


પરોઢિયે ઉઠીએ ત્યાં તો છાતી ધબકવા માંડે... મીઠી મીઠી ચા- કડવી લાગવા માંડે ! શંકા-કુશંકાને દહેશત ન ઇચ્છીએ તો યે વળગી પડે ! ને વ્યથા- કથાના પ્રસંગોમાં જ દિવસ પસાર કરવો પડે.

જ્યાં જુઓ ત્યાં સવારથી   સાંજસુધી, અરે  ઊંઘમાં પણ, ચિંતા અને ટેન્શન ! રઘવાટ, ઉતાવળ, અશાંતિ, વ્યાકુળતા, ઉશ્કેરાટ, રૂપી કીડીઓ પળેપળે માનવીને વળગી પડે છે. ચટકા ભરે છે. હેરાન...પરેશાન કરી મૂકે છે ! ને માણસ, ચાની કીટલી બની ઉકળ્યા જ કરે છે ! અરે ! સુખ સગવડો વધી, કમાણી વધી, સુખ-સાહ્યબી વધ્યાં, મનોરંજન વધ્યાં, આનંદ-પ્રમોદનાં સાધનો વધ્યાં... લીસ્ટ તો લાંબુ થાય પણ, કહેવાનું એટલું જ કે ટેન્શન-ચિંતા ચોવીસે કલાક રંગમાં ભંગ પાડે છે. સરવાળે કંકાસ હી કંકાસ !

પરોઢિયે ઉઠીએ ત્યાં તો છાતી ધબકવા માંડે... મીઠી મીઠી ચા- કડવી લાગવા માંડે ! શંકા-કુશંકાને દહેશત ન ઇચ્છીએ તો યે વળગી પડે ! ને વ્યથા- કથાના પ્રસંગોમાં જ દિવસ પસાર કરવો પડે. પ્રશ્ન એ છે કે આવી વ્યથા- કથાના પ્રસંગોના થેલા ભરી ભરી, ટેન્શન-ચિંતા- ઉપાધિઓ વહોરી... બી.પી. વધારી, શું ડોક્ટરોનાં બીલ ભરવાનાં ? અરે, એ પણ ટેન્શન જ ને !  વ્યથા- કથાના પ્રસંગો કેવી રીતે ઉભા થાય છે અને ધારીએ તો કેવી રીતે ટાળી શકાય તેનાં થોડાંક ઉદાહરણ જોઈશું.

૧)  'હું કહું છું.. તેમ કરવું જ પડશે.'

'ના..ના... હું કહું છું, તેમ જ થશે.'

આમ, હું...તું..નું 'મહાભારત' ઘરમાં ભડકા કરે. હોળી કરે...ને લાંબુ ચાલે તો પરિવારમાં ખાનાખરાબી થાય.

પણ, બંનેમાંથી એકપણ સમજે કે મારો 'દુરાગ્રહ' શા માટે ? જેમ મારું સાચું હોય તેમ સામેવાળાનું પણ સાચું હોય. ઉદારતાપૂર્વક વિચાર કરીને ગમખાઈને શાંત પડી જઈએ તો 'હું...હું' ના ભડકા શાંત થાય.

૨)   'મારું અપમાન ?'

'હું તારે ઘેર પગ નહિ મૂકું. શું સમજે છે તારા મગજમાં ?' ને આ દ્વંદ્વ યુધ્ધમાં ક્રોધથી માથુ ફાટવા માંડે. બૂમબરાડાને ગર્જનાઓ શરૂ થાય. અપશબ્દોનો હેલી....

પણ, તેનાથી શો લાભ ? લોકોને તમાશો મળે ને આવાં દ્વંદ્વ યુદ્ધ કરનારને મળે બી.પી. ડોક્ટરોનાં બીલ શરૂ... થોડીકવાર ધીરજ, શાંતિ, રાખી મૌન બની જઈએ તો આપણને ફાયદો થાય. સહનશીલતા એ પણ ઉપાય છે. વિવેક પૂર્વક ક્યારે ચૂપ રહેવું તે શીખવા જેવું છે.

૩) ઘરમાં ઝઘડો... બાઈજી વાસણ પછાડે, બાળકોને ધીબે, ભાઈજી પગ પછાડતા ઓફિસે જાય. કાગળ ફાડે, શિક્ષક હોય તો બધો ગુસ્સો નિશાળીયા ઉપર ઉતારે. ઓફિસનો ઉપરી હોય તો ઘરનો રોષ હાથ નીચેના કર્મચારીઓ ઉપર ઉતારે- આમ દિવસભર 'રોષચક્ર' ચાલ્યા કરે. શો ફાયદો ? આવું વારંવાર વર્તન કરવાથી લોકો આપણને 'કૂતરાંની નાતમાં' મુકી દે. આવી પરિસ્થિતિ ટાળી શકાય છે. તે માટે આવા પ્રસંગો યુક્તિપૂર્વક ટાળવા શક્ય હોય તો ત્યાંથી થોડો સમય ખસી જવું ને મક્કમ થવું કે હું શાંત બનીશ જ.

૪) ' મને આટલું જ ?'

'પેલાને આટલું બધું ?' મને જ અન્યાય ?' ભાયડા ભેગાં બૈરાં પણ બૂમરાડ મચાવે. આમ, અસંતોષના લાકડાં સળગવા માંડે. 'કોર્ટમાં જઈશ ગૂંડા મોકલીશની સામેસામે ચાલવા માંડે ધમકીઓ... બંદૂકની ગોળીઓ માફક પણ.. આ રીતે કરવાથી શું કાંદા કાઢશો ? વિચારે ખરા કે ઓછું મરોળ્યું તેમાં કંઈ કારણ હશે. ને અન્યાય થયો હશે તો શાંતિપૂર્વક રજુઆત કરવી. ધીરજ રાખવી. કોર્ટને રસ્તે જવામાં તો બંનેની બરબાદી પાયમાલી.... ધીરજપૂર્વક   વિચાર કરી- પૂરેપૂરા ન્યાયપૂર્વકની આપણી માગણી લાગે તો નિયમાનુસાર કાર્યવાહિ કરી શકાય. મનમાં ડંખ રાખ્યા સિવાય સમજવું કે પોતાનું હોય એ જાય નહિ, અને જે જાય એ પોતાનું નહિ.

'આવું સ્વાદવગરનું ખાવાનું કર્યું છે.'

' જેવું હોય તેવું ખાઓ'

'એટલે ?'

'ખાવું હોય તો ખાવા નહિતો...'

સળગતો ચૂલો રસોઈ કરનારના અને ખાનારના મગજમાં સળગવા માંડે. રસોઈ કરનાર રસોઈમાં ધ્યાન રાખે ને ખાનાર વાંધાવચક છોડી દે તો ? જરૂર પડે તો મીઠું..મરચું ઉપર થોડુ લઈ શકાય.. આવી સમજ કેળવવી જ પડે. જમતી વખતે થતા કંકાસ-કજિયાથી તંદુરસ્તી ઉપર અસર પડે છે. તેથી બંને પક્ષે જમવાના સમયને પ્રસન્નતાથી ભરવાની ટેવ પાડવી જ પડે.

૬) બસમાં બેસવા માટે ઝઘડો.

'ઉભા થઈ જાઓ' આ મારી સીટ છે.

'તમારી કયાંથી સીટ ? જાવ, ઉભા નથી થતાં.' બસ, પછીતો બંને બાંખડવા માંડે. અન્ય પેસેન્જર્સને તો આવું મનોરંજન મફત મળતું હોય એટલે તમાશો જોયા કરે. મગજ ગુમાવ્યા વિના વિનયપૂર્વક કહેવામાં વાંધો શો ? શું શાંતિથી ને જરૂર પડે તો 'કંડક્ટર'ની મદદથી ઉકેલ ન લાવી શકાય ?

૭) 'દીકરો સ્કૂટર ઉપર બહાર ગયો છે. તેને 'એકસીડંટ' થશે તો 'બકલીના બાપાને હાર્ટની તકલીફ છે. કંઈ થઇ ગયું તો ? ' આવી, અવનવી ચિંતાઓ ઘરમાં બેસીને કરવાની ને બી.પી.ને અન્ય મનોરોગ વધારવાની ઘણાંને ટેવ પડી ગઈ હોય છે. મોટે ભાગે તો ચિતાઓ નિરર્થક હોય છે.

જેવી ચિંતાઓ કરીએ તેવું બનતું હોતું નથી. આવા સમયે પ્રભુસ્મરણ, વાચન, કે મનગમતી પ્રવૃત્તિમાં મન પરોવી દેવું જોઈએ. નકારાત્મક વિચારો છોડી હકારાત્મક વિચારો કરવા. ઊભા થઈ થોડુંક બહાર લટાર મારવા નીકળી પડવું. મનને અન્ય સારી બાબતો તરફ વાળી લેવું.

ઘરના વડીલવર્ગ સાથે દરરોજ ઝઘડા થવા માંડે. મા બાપને 'ડોસા-ડોસી'નું સંબોધન સાંભળવા મળે. જે મા બાપે પેટે પાટા બાંધીને ઉછેર્યા હોય તેમને કૂતરાં મૂકવાનાં ? તમારે પણ ઘડપણ આવશે ત્યારે તમારાં સંતાન ધૂત્કારશેને કાઢી મૂક્શે તો કેવું લાગશે ? વિચારો તેથી વડીલો પ્રત્યે આદર..સન્માન... રાખી દીલ જીતો. માબાપ માટે થોડું સહન કરવાનું આવે તો કરવું એ ધર્મ છે. સેવા અને પ્રેમથી એમનાં દીલ જીતી શકાય.

૮) રાતોરાત ધનવાન બનવું છે. બંગલા, ગાડી, ને તગડું બેંક બેલેન્સ થાય તે માટે અવળા રસ્તા લીધા. દાણચોરી, ભ્રષ્ટાચાર, છેતરપીંડી, દગા, કાળાંધોળાં કર્યા. કદાચ સાહ્યબી મળી.. પણ રોગ થયા... છોકરાં નઠારાં નીકળ્યાં. બૈરુ..બેરુ ન રહું... તેના કરતાં સંતોષ. સમજપૂર્વકનું શાંત-પ્રસન્નમય જીવન શું ખોટું ? વિચાર શક્તિના અભાવે આવાં પરિણામ સહન કરવાં પડે. વટ પાડવા જતાં આપણે જ 'કટ' થઈ જઈએ છીએ. દંભથી કદી જંપ ન થાય.

૯) દેખાદેખી માગણીઓ ઘરમાં વધારીએ...આ લાવો... તે લાવો...લોન લો, ગમે તે કરો પણ લાવો, લાવો ને લાવો..   વસ્તુઓ વસાવીએને ઉછીનાં લીધેલાં નાણાં ભરપાઈ ન થઈ શક્યાં તો ? પછી ટેન્શન.. ચિંતા... માનસિક.. શારીરિક, રીતે પડી ભાગવું, એ તો શું જીવન કહેવાશે ? આવા  બનાવો ઉપરથી શીખવા જેવું હોય છે કે હાથે કરીને ટેન્શન ન વધારવાં. સાહસ જરૂરી છે પણ આંધળું સાહસ નિરર્થક છે.

આ  ઉદાહરણ બતાવે છે કે હાથે કરીને આપણે મુશીબતો ઉભી કરીએ છીએ ને તેના ભોગ બની જઈએ છીએ. 'વટ પાડવા ખાતર વિનાશ નોંતરવાની જરૂર નથી. સુખી જીવન જીવવા શાંતિ, ધીરજ, સ્વસ્થતા,સહનશીલતા,દયા, કરુણા, વિચારશીલતા, પ્રસન્નતા, સદ્વાચન, સત્સંગ, સંતોષ મક્કમતા, દૃઢનિઃશ્ચર્ય, પ્રામાણિકતા સમભાવ, અને પ્રભુશ્રદ્ધા દ્વારા જીવન જીવીએ ત તે ભગવાનને ગમશે. ભગવાને આપેલી  જિંદગીને સદ્ગુણ'નિષ્ઠા- સદવર્તન, સદ્વિચાર સાદગી અને પુરુષાર્થથી સફળ બનાવીયે તો તે પણ 'ભક્તિ' છે. જીવન તો મીઠો કંસાર હોય'ભંગાર'નહિ. માનવતાપૂર્ણ, વિચાર, વાણી વર્તન આચરણ સદ્વ્યવહાર જરૂરી છે.

શાંત ચિત્તે સંસારમાં મ્હાલજોરે.'

- લાભુભાઈ ર.પંડયા


Tags :