Get The App

શાશ્વત ગુરૂ : કુદરત અને સમય

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
શાશ્વત ગુરૂ : કુદરત અને સમય 1 - image


તારીખ ૧૦મી જુલાઈ ગુરૂપુર્ણિમાનો દિવસ છે. ઠેર ઠેર ગુરુવંદના થશે. ગુરૂ વિના જ્ઞાન નહીં એવું કહેવાય છે. આધુનિક જમાનામાં આવું શક્ય નથી. આજના ગુરૂઓ માત્રને માત્ર પ્રજાનો દુરુપયોગ કરીને પોતાની જ ઝોળીઓ ભરતા હોય છે. પોતાનો જ સ્વાર્થ સાધતા હોય છે. યેનકેન પ્રકારે પોતાના અંધભક્તોનું ટોળું વધે અને પોતે ટકી રહે એમાં જ એમને રસ હોય છે.

હવે પોતે જ પોતાના ગુરૂ બનો એમાં જ તમારો ઉધ્ધાર છે. પોતાનું જીવન, અનુભવ, અવલોકન અને સંવેદનાઓના આધારે જ તમારે તમારા જીવનને કઈ દિશા આપવી એ જાતે જ નક્કી કરવું પડશે. તમારી ઉંમરે, તમારા અનુભવે, તમારા અવલોક નથી તમે શું શિખ્યા એ જ મહત્ત્વનું બની રહીને તમને આગળનો રસ્તો દેખાડશે. કારણ કે જીવનમાં શું ભણ્યા અને શું બન્યા એના કરતાં શું ગણ્યા અને જીવનમાંથી શું શિખ્યા એ વધારે જરૂરી છે. જ્ઞાન એટલે કે સરસ્વતી, લક્ષ્મી તો લાવશે, પણ લક્ષ્મીને ટકાવી રાખવા જ્ઞાનનો પાલવ તો હમેંશા પકડી રાખવો જ પડશે. કેટલાક લોકોનું જ્ઞાન અવળે રસ્તે ફંટાઈ જાય છે. પરિણામે એમના જીવનમાં સુખ, શાંતિ અને આનંદની બાદબાકી થતીહોય છે. દરેક બાબતનું સુખ હોવા છતાં સાચા જ્ઞાનના અભાવે, સમજ અને સમજદારીની ગેરહાજરીથી એમના આત્માને શાંતિ નથી હોતી.

આપણી આસપાસ, સમાજમાં તથા ધાર્મિકક્ષેત્રે એવી અસંખ્ય સારી-ખોટી ઘટનાઓ આકાર લેતી હોય છે કે જેમાંથી આપણે ઈચ્છીએ તો ઘણુ બધું શીખી શકીએ. શું કરાય ને શું ન કરાય. કેમ જીવાય અને શા માટે જીવાય આ બધો જ મસાલો સમાજ પાસેથી મળી શકે છે. તમારે માત્ર તમારો દ્રષ્ટિકોણ બદલવો પડશે. સાત્વિક વિચારયાત્રા જ તમને અંતર્યાત્રા કરાવશે.

આ માટે તમારી પાસે બે હાથવગા ગુરુ છે. એક છે કુદરત અને એક છે સમય. સતત બદલાતા રહેવું એ બંનેનો નિયમ છે. જે બદલાય છે એ કશુંક નવીન પામે છે. ઋતુ બદલાય, વાતાવરણ બદલાય, મોસમ બદલાય બરાબર એ જ રીતે સમય અજવાળું પહેરે કે અંધારું ઓઢે... આ કુદરત અને સમયનું બદલાવવું માણસ જાત માટે 'ગુરૂ'ની કક્ષાનું છે. ઈશ્વરને શોધવો હશે તો કુદરતમાંથી મળી રહેશે. એની લીલાઓ અપરંપાર છે. સામે પક્ષે સમય પણ તમને એ જ કહે છે કે, મને ઓળખો, મને પામો. મને સાચવશો તો હું તમને સાચવીશ. એટલું જ નહિં. લોકો પણ તમને સાચવશે. કુદરત અને સમયરૂપી બને ગુરૂઓને હ્ય્દયથી વંદન પ્રણામ. આ સાથે સાચા ગુરૂ અને સાચા સંતને ભાવાંજલિ.

- દિલીપ રાવલ

Tags :