- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
રોજબરોજના જીવનપ્રવાહમાં એવી કોઈ ઘટના નિમિત્ત બને જે શાંત સરોવરમાં કાંકરી નાખવાથી જે વિવિધ તરંગો ઉઠે તે રીતે જ આપણો શાંત જીવનપ્રવાહ વિક્ષુબ્ધ બની જતો હોય છે.
આપણું કોઈએ અપમાન કર્યું, વિના કારણ અપમાનીત થયાના ભાવથી આપણને તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ થશે. આપણને તે વ્યક્તિ દ્વારા અપમાન કરવાનું એક્શન આપણા પર રીએક્શન (પ્રત્યાઘાત) એવું થયું જે આપણી વ્યાકુળતા તેના પ્રત્યેના દ્વેશમાં પરિણમી, પરંતુ આપણે આ ઘટનાને એ જ દિવસે 'હશે જે થયું તે' કરીને ભૂલી જઈએ અને આપણી મેમરીમાંથી ડીલીટ કરી દઈએ, કેરીફોરવર્ડ ન કરીએ એટલે આ ઘટનાને મનમાં સંઘરી ન રાખીએ તો ગાઢા કર્મબંધનથી બચી શકીશું, પણ મનમાં સતત આ વિચાર ઘર કરી જાય કે 'ભરસભામાં કેટલા બધા આગેવાનો અને શ્રેષ્ઠીઓની વચ્ચે મારું ઘોર અપમાન કર્યું. વિના કારણે તેમણે મારી આબરૂ પર કાળા છાંટા ઉડાડયા છે. હું એને નહીં છોડું. મોકો મળતા હું એની આબરૂના લીરા ઉડાડીશ' સતત મનમાં ઘોળાતો આ વિચાર નિકાચિત કર્મનો બંધ કરાવે છે.
વીતરાગ પરમાત્માએ વિવેકપૂર્વક સમતા રાખવાનું કહ્યું છે. સમતા જૈન ધર્મનો પર્યાય છે.
શેઠને ત્યાં એક નોકર કામ કરે. વર્ષોથી એ શેઠને ત્યાં નિયમિત કામ કરે. નિષ્ઠાવાન અને પ્રામાણિક માણસ. શેઠને પણ એના પર ભરોસો. તેને તેના કામ પ્રત્યે, શેઠ પ્રત્યે કે સહ-કર્મચારીઓ પ્રત્યે પણ કશી ફરિયાદ નહીં. પોતાના કામથી કામ. વધારાની કોઈ પંચાત કે ખટપટ નહીં. શેઠ ઘણા વખતથી વિચારતા હતા કે, આ વ્યક્તિ મીતભાષી છે. કદી કોઈ માગણી કરી નથી અને કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યો છે. તેમને લાગે છે કે આનો પગાર વધારવો જોઈએ. એક દિવસ નોકર ગેરહાજર રહ્યો એટલું જ નહીં પણ ફોન પણ કર્યા વગર એ ગેરહાજર રહ્યો. શેઠને તો મનમાં હતું તે રીતે તેનો પગાર વધારી દીધો. વધારેલો પગાર મળ્યા પછી પણ કાઈ વાત નહીં. શેઠને હતું કે તેનો પગાર વધાર્યો છે તો મારો આભાર માનશે ને ગેરહાજર રહેવાનું કારણ પણ આપશે, પરંતુ શેઠની આશા ફળી નહીં. તેણે શેઠ સાથે આ સંદર્ભે કોઈ વાર્તાલાપ કર્યો નહીં. કેટલાક સમય પછી ફરી એકવાર એ ગેરહાજર રહ્યો. કોઈ ફોન નહીં. શેઠે એ મહિને એનો પગાર ઘટાડયો.
શેઠને હતું કે તેને પગાર મળતાં તે મારી પાસે આવશે અને પગાર ઘટાડવા અંગે વાત કરશે પરંતુ એવું બન્યું નહીં.
શેઠ વિચારે છે કે, આ ગજબનો માણસ છે ! પગાર ઘટાડયો છતાં એક શબ્દ સુદ્ધાં બોલતો નથી. તેના મુખ પર ફરિયાદ કે દુ:ખની એક રેખા નથી. તેનો પૂર્વે કરતો હતો તે રીતે જ પ્રસન્નતાથી પોતાનું કાર્ય સંપૂર્ણ જવાબદારીપૂર્વક અને નિયમિત રીતે કરે છે. શેઠે તેની સાથે નિકટ સંબંધ ધરાવતા સહ-કર્મચારીને પૂછી જોયું કે, 'મેં તેનો પગાર ઘટાડયો છે તે અંગે તમારી સાથે એણે કોઈ પણ પ્રકારની વાતચીત કરી?' સહ-કર્મચારીએ કહ્યું કે, 'ના આ અંગે અમારી સાથે તેણે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી.' શેઠના બન્ને પ્રસંગને એક્શનની સામે તેમના તરફથી કોઈ પણ રીએક્શન ન હોવાથી શેઠ અકળાયા. તેમની મૂંઝવણ વધી કે આ વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો પ્રત્યાઘાત કેમ નથી ?
એક દિવસ શેઠે એને તેની પાસે બેસાડયો અને પૂછયું કે, 'તું ગેરહાજર રહ્યો. વળી તે મહિને તારો પગાર પણ વધાર્યો છતાં તારા તરફથી કોઈ શબ્દો સાંભળવા ના મળ્યા. ફરી એક દિવસ તું કામ પર ગેરહાજર રહ્યો. એ મહિને તારો પગાર ઘટાડી નાખ્યો છતાં પગાર ઘટાડાની તેં ફરિયાદ ન કરી.' પેલા નોકરે જવાબ આપ્યો કે, 'હું આટલાં વર્ષથી નિષ્ઠાપૂર્વક આપને ત્યાં કામ કરું છું તેથી મને શ્રદ્ધા હતી કે હું અગત્યના કે અનિવાર્ય કારણ સિવાય ગેરહાજર ન જ રહું તેવું તમે માનતા હશો. પ્રથમ વાર હું કામ માટે જવા તૈયાર થયો ત્યારે મારી પુત્રવધૂને લેબરપેઈન (પ્રસૂતિપીડા) ઉપડી એ દિવસે મારો પુત્ર બહારગામ હતો. હું અને મારી પત્ની તેને હોસ્પિટલમાં લઈ ગયાં. પાંચ-છ કલાકની પીડા સહન કરી અને ડૉક્ટરની સારવાર પછી તેને પુત્રજન્મ થયો, એ સાંજ સુધી હું હોસ્પિટલમાં જ હતો... અને પગાર વધારાથી મેં એ વિચાર્યું કે, પરિવારમાં એક વ્યક્તિ વધી એટલે ખર્ચ વધશે તે મને કુદરતે સહાય કરી તેમ માન્યું. બીજી વખતે ગેરહાજર રહ્યો તે સવારે જ મારા વૃદ્ધ પિતાનું અવસાન થયું. તેમના અંતિમસંસ્કારમાં મારો પૂરો દિવસ ગયો.' પગાર ઘટાડા વિશે મેં એમ વિચાર્યું કે પરિવારમાં એક સભ્ય ઘટયો, ખર્ચ પણ ઘટયો, તેથી પગાર ઘટાડાને કુદરતનો ન્યાય ગણી સ્વીકાર કર્યો.
સુખ કે દુ:ખમાં સમભાવમાં રહેતા આ નોકરને શેઠે માત્ર એટલું જ કહ્યું કે, તારા સ્વીકારભાવને હું વંદન કરું છું.


