200 વર્ષમાં પ્રવેશ : વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ
- વિશ્વની સૌથી મોટી કાપર (લાકડાની) હવેલી કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં છે
ઇ.સ.૧૮૧૮માં બ્રિટીશ શાસન ઇષ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અમદાવાદ શહેરમાં હતું. તત્કાલીન કલેક્ટરશ્રી સર એન્ડ્રોપ ભગવાન શ્રી સ્વામિનારાયણના માનવ જીવનના ઉત્થાનના કાર્યો જેવા કે, સમાજ સેવા, ધર્મ-જાગૃતિ, અંધ-શ્રધ્ધા, કૂરીવાજો, વ્યસન મુક્તિ વગેરે કાર્યોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
ઇ.સ.૧૮૧૮ ના વર્ષમાં જ અમદાવાદ ભદ્રના કિલ્લાની મુખ્ય કચેરીમાં આમંત્રિત કરીને ૧૧૧ તોપના શાહી સન્માનથી મુલાકાત કરીને સમાજ સુધારણાના હેતુથી અમદાવાદ શહેરમાં મંદિર- આશ્રમ કરવા પર્યાપ્ત માત્રામાં કાલુપુર વિસ્તારની એકસો એકરની ભૂમિનું દાન કર્યું. તે ભૂમિના દસ્તાવેજને વિલાયતની રાણી વિકટોરીયાના હસ્તાક્ષર કરાવીને 'યાવત્ચંદ્ર દિવાકરૌ' ની અવધી સુધીનો લેખ અર્પણ કર્યો.
સંપ્રદાયનું સર્વ પ્રથમ મંદિર સનાતન હિન્દુ ધર્મ વૈષ્ણવી પરંપરાવાળુ ધર્મપિતા-ભક્તિમાતા સહિત શ્રી નરનારાયણ ભગવાનની સર્વ પ્રથમ મંદિરની સ્થાપના ભગવાનના વરદ્ હસ્તે વિ.સં. ૧૮૭૮ ફાગણ સુદી-૩ અર્થાત્ ઇ.સ.૧૮૨૨ તા.૨૪ ફેબ્રુઆરીના શુભ મંગળ દિવસે તત્કાલીન અંગ્રેજ કલેક્ટર સર જાસ્કીનની ઉપસ્થિતિમાં સંપૂર્ણ રાજાશાહી સન્માન સાથે ચાર વેદના ૧૦૮ ભૂદેવોના પુરોહિત પદે અમદાવાદ શહેરના સાધુ- સંતો-નગરપતિઓ- પદાધિકારીઓ- શાસ્ત્રીઓ- પુરાણીઓની તેમજ સંતો- હરિભક્તોની પાવન ઉપસ્થિતિમાં મધ્યાહ્ન અભિજીત સ્થિર નક્ષત્રમાં શ્રીનરનારાયણ ભગવાન ધર્મપિતા-ભક્તિમાતાની તથા શ્રી રાધા-કૃષ્ણ ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાવિધિ વૈદિક મંત્રોની ધ્વનિ સહિત પ્રતિષ્ઠા કરી જય-જયકાર થયો. તે સમયે નગરજનોના હૃદયમાં અવર્ણનીય અનુભુતિનો અનુભવ થયો. તે અવસરમાં ૨૬ ફેબ્રુઆરીના દિવસે કાંકરીયા સરોવરની પાળે શહેરના ભૂદેવો સહિત નગરજનોની શહેર ચોરાશી કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા.
ઇ.સ.૧૮૨૨માં મંદિરની સાથે સાથે વિશ્વમાં સર્વથી મોટુ કાષ્ટ કલાકૃતિવાળુ હવેલી મંદિર ભગવાન સ્વામિનારાયણના વરદ્ હસ્તે થયેલ છે. જેમાં મુખ્ય મંદિરની સાથે હવેલીના થાંભલાઓ- જરૂખાઓ- કમાનો પૂતળીઓ- કઠેડાઓ- દ્વાર- બારીઓ-કુંભીઓ વિગેરેમાં ભારતદેશની આઝાદીના ઇતિહાસોના પ્રસંગોને કંડારવામાં આવેલા છે. જેનો ક્યાંય જોટો ન મળે તેવી કલાકૃતિનો વારસો શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુરની હવેલી-મંદિરમાં જોવા મળે છે. ભારતદેશમાં કાષ્ટ-પથ્થર- મારબલ-ઇંટો વિગેરેના લાખો મંદિરો છે. પરંતુ વિશ્વની સૌથી મોટી કાષ્ટની હવેલી- કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં છે.
ઇ.સ.૧૮૨૨માં ભગવાન શ્રી સ્વામિનારાયણે કાલુપુરમાં શ્રી નરનારાયણદેવ સ્થાપિત કર્યા. ત્યાર પછી ઇ.સ.૧૮૨૬માં મંદિરની સંપૂર્ણ જવાબદારી પોતાના અનુગામી પુત્ર પ.પૂ.ધ.ધુ ૧૦૦૮ આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજશ્રીને સોંપી. તેઓએ સંસ્કૃત પાઠશાળા, ગૌ-શાળા, ધર્મશાળા, યજ્ઞાશાળા, ભોજનશાળા વગેરેનો પ્રારંભ કર્યો. અને ૪૨ વર્ષ સુધી ગાદી ઉપર આચાર્ય પદે રહ્યા. ત્યાર પછી અનુગામી પુત્ર પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી કેશવપ્રસાદજી મહારાજશ્રી ૨૨ વર્ષ રહ્યા. તેમના અનુગામી પુત્રી પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ પુરુષોત્તમપ્રસાદજી મહારાજશ્રી ૧૨ વર્ષ રહ્યા. તેમના અનુગામી પુત્ર પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજશ્રી ૩૫ વર્ષ રહ્યા. તેમના અનુગામી પુત્ર પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ૩૨ વર્ષ રહ્યા. તેમના અનુગામી પુત્ર પ.પૂ.ધ.ધુ ૧૦૦૮ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ૩૫ વર્ષ રહ્યા. તેમના અનુગામી પુત્ર વર્તમાન સમયમાં પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી આચાર્ય પદે બિરાજમાન છે. તેમના અનુગામી પુત્ર પ.પૂ.૧૦૮ શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી લાલજી પદે રહી 'પર્વ' મહોત્સવના અધ્યક્ષપદે રહીને સંપૂર્ણ આયોજનનું નેતૃત્વ સંભાળી રહ્યા છે.
- સાધુ પુરુષોત્તમપ્રકાશદાસ