Get The App

આશીર્વાદનું અમૃત .

Updated: Mar 15th, 2023

GS TEAM

Google News
Google News
આશીર્વાદનું અમૃત                                 . 1 - image

આ પણે ત્યાં ધાર્મિક, સામાજિક અને સાંસારિક બાબતોમાં આશીર્વાદનું અનેકગણું મહત્વ છે. આશીર્વાદ અંતરની ઊર્મિઓ અને લાગણીઓનું પ્રતીક છે. આશીર્વાદ આપતી વખતે જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓ તરફથી વિવિધ પ્રકારના આશીર્વાદ આકાર લેતા હોય છે. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો અખંડ સૌભાગ્યવતી ભવ, અષ્ટપુત્રા ભવ, પુત્રવતી ભવ, દૂધો ન્હાઓ પુતો ફલો, દીર્ધાયુ ભવ, શતં જીવઃ શરદઃ વગેરે મુખ્ય છે. આજના સંદર્ભમાં પ્રેમવતી ભવ કે આરોગ્યવતી ભવ જેવા આશીર્વાદ આપવાનો સમય આવી ગયો છે.

સામાજિક તથા વિવિધ ધાર્મિક વિધિઓ જેવી કે યજ્ઞા, જનોઈ, લગ્ન, વાસ્તુ, સગાઈ જેવા પ્રસંગોએ વડીલો કે માતાપિતા જુદા જુદા આશીર્વાદ આપતા જોવા મળે છે. શ્રાદ્ધ, તર્પણ કે વરસી જેવી વિધિ બાદ સ્વર્ગસ્થ પિતૃઓના આશીર્વાદ લેવામાં આવે છે વિવિધ શુભ કાર્યો શરૂ કરતાં પહેલાં પણ આશીર્વાદ લેવાની પરંપરા રહી છે. રક્ષાબંધન સમયે બહેન ભલે નાની હોય તો પણ મોટા ભાઈને શુભ આશિષ આપે છે. આ જ રીતે  સ્વસુર પક્ષ વહુ કે જમાઈને આશીર્વાદ આપતા હોય છે. લગ્ન સમયે મંડપમાં નવયુગલને પુષ્પવૃષ્ટિથી સ્નેહીજનો શુભેચ્છા સાથે મંગલ આશીર્વાદ પણ આપે છે.

આશીર્વાદ અંતરની લાગણીઓનો પડઘો છે. દિલમાંથી નીકળેલી દુવા અવશ્ય લાભદાયી નીવડે છે. આશીર્વાદ આપનાર પણ સંતોષ સાથે આનંદની લાગણી અનુભવે છે. યજ્ઞાકાર્યની પૂર્ણાહૂતિ સમયે બ્રાહ્મણ પણ યજમાનને આશિષ આપતા હોય છે. આપણે ત્યાં લોકો મકાન કે ઘરનાં નામમાં પણ આશિષ શબ્દ લખાવે છે જેમકે રામ-આશિષ, માતૃ આશિષ, પિતૃ આશિષ વગેરે આશીર્વાદ આપતી વખતે બ્રાહ્મણો કળશમાં પવિત્ર જળ ભરીને આસોપાલવનાં પાનથી યજમાન પર જળનો છંટકાવ કરતાં કરતાં આશીર્વચનો બોલતા હોય છે.

આશિષ અને દુવા તે આશીર્વાદનાં અન્ય નામ છે. ઘણા કહે છે કે દવા કરતાં દુવા વધારે કામ કરે છે.  

આશીર્વાદમાં અનેક પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે: ''સદા વંશની વૃદ્ધિ થાઓ, શતશવત્સર આયુષ્ય મળે, ધન ધાન્ય સાથે આરોગ્યની'' પ્રાપ્તિ થાય, પશુ-બહુ-પુત્રનો લાભ થાય, પુત્રપ્રાપ્તિ થાય નોકરીમાં બઢતી મળે ઈત્યાદિ પણ આશીર્વચનોના પ્રકાર છે.

 આશીર્વાદનો અરૂણોદય અનંતની નજીક લઈ જાય છે. આશીર્વાદની અલમારીમાં અમુલ્ય અલંકારોનો ખજાનો ભરેલો પડયો છે. આશીર્વાદ દીર્ઘજીવી હોય છે. તે કદી અલ્પજીવી હોતા નથી. આશીર્વાદનો અંજામ હંમેશા સારો આવે છે. વાણી જ બ્રહ્મ છે. મધુર વાણીથી બોલેલાં વચનો કે અપાયેલ આશીર્વાદ અમૃત સમાન હોય છે. દેવો પણ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ પૃથ્વી પર કરીને આશીર્વાદ આપતા હોય છે. અંતરના આશિષ અંદરથી નીકળેલા હોવાથી અવશ્ય ફળીભુત થાય છે. ''ભદ્રં કર્ણેભિ: શ્રૃણુ યામ દેવા ભદ્રં યશ્પેમાક્ષભિજત્રા: ।। આ જગતમાં આ જગતમાં સહુ સુખી રહે, નિરોગી રહે દીર્ઘાળુ રહે અને શુભ પ્રવૃત્તિમાં રસ રહે તેવી અંતરની અભિલાષા છે. આશીર્વાદના અમૃતનું રસ પાન જીવનને ધન્ય બનાવશે.''

- ભરત અંજારિયા