Get The App

શિવજીના આઠ મુખ્ય નામો

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News
શિવજીના આઠ મુખ્ય નામો 1 - image

આ પણાં પ્રાચિન દેવતાઓમાં 'શિવ'ને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ભાવ- અને ભક્તિ પૂર્વક એમનાં નામનું સ્મરણ કરવાથી તે તુરન્ત જ પ્રસન્ન થઈ જાય છે. તેથી તેને 'આશુતોષ' પણ કહેવાય છે.  શ્રી પુષ્પદંતે શિવજીનાં ગુણગાન ગાયેલાં શિવમહિન્મ સ્તોત્ર' ની રચના કરી હતી. અને વરદાન પામી શિવજીનાં આઠ નામોનું વર્ણન છે. જે નામષ્ટક તરીકે જાણીતા છે. સહસ્રનામો પણ રૂદ્રીનાં પાંચમાં અધ્યાયમાં આવ્યા છે. પરંતુ મુખ્ય આઠ નામો છે. એમાનાં કોઈ એક નામનો જાપ 'મંત્ર' બની આપણું કલ્યાણ કરી જાય છે.

'ભવ, શર્વ, રુદ્ર- પશુપતિ, ઉગ્ર- સહમહાન, ભીમ, અને ઇશાન, આમ આઠ નામો શિવજીનાં છે. એમાં પ્રત્યેક નામ બોધક છે. એવું શાસ્ત્ર પણ પ્રતિપાદન કરે છે. સર્વનાં કારણભૂત- ઇશ્વર- (શિવજી) તમને હું સર્વભાવથી પ્રણામ કરૂં છું.'

૧) ભવ: જે ઉત્પતિનો વાચક છે. જે સર્વની  ઉત્પતિનું કારણ છે. તેનું નામ 'ભવ' છે. સંસારની ઉત્પતિ અને લયનાં કારણ ભૂત હોવાથી તેને 'ભવ' પણ કહે છે.

૨) શર્વ: જે સર્વને ધારણ- પોષણ કરે છે. બધા દોષોની ક્ષમા કરે છે. તેવા પૃથ્વી તત્ત્વનું સુચન 'શર્વ' નામથી થાય છે. તે

૩) રુદ્ર: પાપીઓને ક્રોધથી, હાથથી, બાણથી મારીને રડાવે છે. તેથી તેને રુદ્ર કહે છે. અસતનો પણ રૂદ્રસ્વરૂપથી રડાવીને નાશ કરનારા છે. આ કોપાયમાન શિવજીનું સ્વરૂપ તે રુદ્ર સ્વરૂપ છે. આ સર્વને ભસ્મ કરનારૂં તેનું અગ્નિતત્વનું સૂચક છે.

૪) પશુપતિ: પશુપતિ તે તેનું ચેતન સ્વરૂપ છે. પશુજાતિ અથવા સર્વ અજ્ઞાાની જીવો એવા બન્ને હોવાથી ભગવાન પશુપતિ કહેવાય છે.

૫) ઉગ્રઃ પ્રચંડ વેગથી વહેતા વાયુતત્વનાં પ્રતીક રૂપે ઉગ્ર નામથી તે ઓળખાય છે.

૬) સહમહાન: સહમહાન નામનો અર્થ થાય છે. મહાન સહિતનો શબ્દ, અર્થાત 'મહાદેવ' સર્વ મહાનતા સહિત જે પ્રવર્તે છે તે, મહાનતા અને મનને શિતળતા આપનાર ગ્રહ ચંદ્ર સર્વ શીતળતા પ્રદાન કરે છે. આમ 'સહમહાન્'એ નામ 'સોમમૂર્તિ'નું છે.

૭) ભીમ: ભીમ એટલે વિશાળ કાય, જેની વિશાળ કાયા છે તે એટલેકે આકાશ, આકાશ સર્વવ્યાપી છે. આથી ભીમ એ નામ શિવજીનાં આકાશનું પ્રતીક રૂપે છે.

૮) ઇશાન: ઇશાન એટલે જે સર્વનો નિયંતા છે. જેને લઈને પ્રાણીમાત્રનું જીવન છે. તે 'સૂર્ય' .

શિવની આ આઠ વિભૂતિ છે. તેમાની કોઈપણ એક વિભૂતિનું અનુસંધાન કરીએ તો ઇશ્વરનું જ અનુસંધાન થાય છે. આ નામોનું રટન એ શિવજીની સ્તુતિ છે.

શિવજીનું સ્વરૂપ: અત્યંત નિકટવર્તી એવા આપને નમસ્કાર અને વળી અત્યંત દૂરવર્તન, કામ ને ભસ્મ કરનારા, અતિ સૂક્ષ્મ તથા અતિ મહાન, ત્રણનેત્રોવાળા,  સર્વાત્મા સ્વરૂપ,  રજોગુણથી સંસાર ઉત્પન કરનારા અને તમો ગુણથી નાશ કરનારા તેમજ એ ત્રણેય ગુણોથી રહિત-નિર્ગુણ એવા આપનાં સ્વરૂપોને અમે પ્રણામ કરીએ છીએ.

- ડો. ઉમાકાન્ત જે.જોષી