Get The App

વહેલી સવારની પ્રાર્થનાઓ .

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
વહેલી સવારની પ્રાર્થનાઓ                    . 1 - image


 હે ઇશ્વર! વિશ્વની બધી જ હકારાત્મક ઉર્જાનો મારામાં સંચાર થાય અને નકારાત્મક ઉર્જા ધીરે ધીરે ઓછી થાય.

 હે ઇશ્વર! દિવસ દરમ્યાન આવનારી નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવાની હિંમત આપો.

 હે ઇશ્વર! મારી અને મારી આસપાસના લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે.

 હે ઇશ્વર! મને એવો સમય આપો કે હું થોડો સમય મારી જાત સાથે વિતાવી શકું.

 હે ઇશ્વર! મારામાં રહેલો ગુસ્સો ધીરે ધીરે ઓછો થાય અને મનમાં પ્રસન્નતાનો વાસ થાય.

 હે ઇશ્વર! સમગ્ર વિશ્વનું કલ્યાણ થાઓ.

 હે ઇશ્વર! આજે હું કોઈ એક સત્કાર્ય કરી શકું તેવી મને તક આપો.

 હે ઇશ્વર! આજે મારા શબ્દોથી કોઈની લાગણી ન દુભાય.

ઇ શ્વર રોજ આપણને એક નવી નકકોર સવાર આપે છે. સવાર પડતાં જ આપણે સહુ પોત પોતાના ની વ્યાક્રમમાં વ્યસ્ત બની જઈએ છીએ. એમ જ જીવનની ઘટમાળ ચાલતી રહે છે. અતી વ્યસ્તતાના કારણે દિવસ ક્યારે ઉગે છે અને ક્યારે આથમી જાય છે તેનો ખ્યાલ પણ ઘણીવાર રહેતો નથી. રોજ રોજ એકધારા નીત્યક્રમથી ઘણીવાર  તો કંટાળો ઉપજે છે. હકીકતમાં, સમય તો તેની ગતિએ જ ચાલે છે, પરંતુ આપણને જ જરૂર કરતાં વધારે દોડવાની આદત પડી ગઈ છે. જેને કારણે આપણને જીવતરનો જ થાક લાગવા માંડયો છે. જીંદગીની દોડમાં વિસામો લેવાનું સર્વોત્તમ માધ્યમ એટલે પ્રાર્થના અને એ પણ વહેલી સવારની પ્રાર્થના.

વહેલી સવારનો સમય પોતાની સાથે ખુબ બધી હકારાત્મક ઉર્જા લઈને આવે છે. આપણો નીત્યક્રમ ચાલુ કરતાં પહેલાં જો ફક્ત થોડો સમય પ્રાર્થના માટે ફાળવીએ તો તેની ઉર્જા દિવસ દરમ્યાન ચાલુ થઈ શકે તો તેનાથી સુંદર વાત બીજી શી હોઈ શકે ? પ્રાર્થના કરવા માટે એકાંત મહત્ત્વનું છે. શરીરથી જ નહીં, મનને પણ વિચારોથી મુક્ત કરવું જરૂરી છે, તો એ સાચું એકાંત કહી શકાય. સમય હોય અને શક્ય હોય તો કુદરતના સાનિધ્યમાં થોડો સમય પ્રાર્થના માટે ફાળવવો જોઈએ. કુદરતી વાતાવરણની મન અને શરીર પર ખુબ જાદૂઈ અસર થાય છે. કુદરતના ખોળે બેસીને વહેલી સવારમાં કરેલી પ્રાર્થના બાકીના દિવસમાં નવી જ ઉર્જાનો સંચાર કરે છે. પ્રાર્થના કરવાથી મન અને વિચારોમાં સ્થિરતા આવે છે, પ્રાર્થના આવનારા સમયમાં નાની-મોટી સમસ્યાઓ સામે લડવા માટે નવું જોમ પુરૃં પાડે છે.

અહીં જણાવેલી કેટલીક પ્રાર્થનાઓ વહેલી સવારમાં કરી અને આવનારા સમયને વધુ સુખશાંતિ સભર અને આનંદદાયક બનાવીએ.

પ્રાર્થનાનો અર્થ દર વખતે યાચના નથી હોતો. પ્રાર્થના એ અંત:કરણ શુદ્ધ કરવાની પ્રક્રિયા પણ છે. તન-મન બંનેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના જરૂરી છે. વહેલી સવારની ઉર્જા આપણી અંદર શોષાય તે માટે પ્રાર્થના જરૂરી છે. સવારની પ્રાર્થના દિવસ દરમ્યાન સ્થિતપ્રજ્ઞા થઈ અને નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે.

વહેલી સવારનો થોડો સમય પ્રાર્થના માટે ફાળવી  અને ત્યારબાદ નીત્યક્રમ શરૂ કરીએ તો આ આદત ખુબ જ સારાં પરિણામો આપે છે.

જેમ યોગ, મેડીટેશન કે કસરત માટે વહેલી સવારનો સમય ઉત્તમ ગણાય છે, તે જ રીતે પ્રાર્થના કરવા માટે પણ સવારનો સમય ઉત્તમ છે. બાકી તો જીવનયાત્રામાં આપણા પ્રયત્નો શુભ અને સાચી દિશામાં હશે તો ઇશ્વરકૃપા નિશ્ચિત જ છે. આવનારી ઘણી બધી નવી નક્કોર સવારો પ્રાર્થના સભર બને તેવી મંગલ કામના..

- પ્રણામિ બુચ દેસાઈ

Dharmlok

Google NewsGoogle News