Get The App

" ફરજ એ ફરજ છે- પ્રેમ નથી .

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
" ફરજ એ ફરજ છે- પ્રેમ નથી                                 . 1 - image

- મેનકા એક આજ્ઞાંકિત અપ્સરા હતી. ફકત તપોભંગ કરવા વિશ્વામિત્રનું  પડખું સેવ્યું હતું. આદેશનું પાલન કરનારમાં લાગણી, સંવેદના, તલસાટ, વિરહ કે પ્રેમ ના હોઈ શકે

તપસ્વી વિશ્વામિત્ર રાજા ગાધિના પુત્ર હતા. તેમને તપોબળથી ક્ષત્રિયતાનો ત્યાગ કરી બ્રહ્મતેજ મેળવવું હતું. તે તપ કરવામાં ઉગ્ર હતા. (તેજસા નિર્દહેલ્લોકાન.. તૂર્ણમાવર્તવેદ્ દિશ :) તે ધારે તો પોતાના તેજથી સંપૂર્ણ લોકને ભસ્મ કરી શકે, પગની એક ઠોકરથી પૃથ્વીને કંપાવી શકે, વિશાળ મેરૂ પર્વતને નાની ટેકરી બનાવી શકે. બધી દિશાઓને ઊંઘી છતી કરી શકે. વિશ્વામિત્રની આવી આકરી તપસ્યાથી ઇન્દ્રને ફાળ પડી. તેને સિંહાસન છિનવાઈ જવાની બીક લાગી. ખૂબ વિચાર કરી સ્વર્ગની અપ્સરા મેનકાને બોલાવી. ઇન્દ્રએ તેને વિનંતિપૂર્વક આદેશ આપ્યો. (રૂપયૌવન માધુર્ય.. તપસસ્તં નિવર્તય)' મેનકા, તુ તારા સૌંદર્ય, યુવાની, મધુર સ્વભાવ, સ્ત્રી સહજ હાવભાવ, મંદ મંદ હાસ્ય અને મધુર વાતોથી વિશ્વામિત્રને લલચાવી તેમની તપસ્યા ભંગ કરવા પૃથ્વી પર જા. 'મેનકા આદેશનું પાલન કરવા પૃથ્વી લોકમાં આવી. વિશ્વામિત્ર તેમના આશ્રમમાં એક ધ્યાન થઈ તપ કરી રહ્યા હતા. મેનકાએ ચરણસ્પર્શ કરી તેમને પ્રણામ કર્યા.

વિશ્વામિત્રએ આંખો ખોલી. નજર સામે એક અણીશુધ્ધ સુંદર યૌવન ઉભી હતી. (તસ્યા રૂપગુણાન દૃષ્ટા.. કામવશં ગતઃ)

તે મેનકાના અપાર સૌંદર્ય અને ગુણો જોઈ કામાસક્ત થઈ ગયા. તપમાંથી વિચલિત થઈ ગયા. મેનકા જે ચાહતી હતી તે થઈ રહ્યું હતું. ત્યારબાદ વિશ્વામિત્ર અને મેનકા ઘણા સમય સુધી સાથે રહી વન. ઉપવનમાં વિહાર કરતા રહ્યા. વિશ્વામિત્ર અલૌકિક સુખ અનુભવી રહ્યા હતા. છેવટે હિમાલયના રમણીય શિખર પર માલિની નદીને કિનારે મેનકાએ એક બાળકીને જન્મ આપ્યો. (કૃતકાર્યા તતસ્તૂર્ણમગચ્છચ્છક્ સંસદમ્) જેવું ઇન્દ્રએ સોંપેલું વિશ્વામિત્ર તપોભંગનું કાર્ય પૂરૂં થયું કે મેનકા નવજાત બાળકીને છોડીને ઇન્દ્રલોક પાછી જતી રહી. મેનકાએ ફક્ત ઇન્દ્રએ સોંપેલી ફરજ બજાવી હતી. એ નવજાત બાળકીને શકુંતોએ (પક્ષીઓ) પોતાની પાંખો ફેલાવી સાચવી હતી એટલે તેનું નામ શકુંતલા પડયું. વખત જતાં તે કણ્વઋષિના આશ્રમમાં ઉછરીને મોટી થઈ હતી.

વિશ્વામિત્ર જેને પ્રેમ સમજી બેઠા હતા એ તો ઇન્દ્રએ રચેલું કાવતરૂં હતું અને મેનકા એક આજ્ઞાાંકિત અપ્સરા હતી. ફકત તપોભંગ કરવા તેમનું પડખું સેવ્યું હતું. આદેશનું પાલન કરનારમાં લાગણી, સંવેદના, તલસાટ, વિરહ કે પ્રેમ ના હોઈ શકે. ફરજ કદી પ્રેમના તોલે ના આવી શકે. ફરજ બજાવનારનું હૃદય તેની જીભ પર હોય છે, જ્યારે પ્રેમ કરનારની જીભ તેના હૃદયમાં હોય છે. ફરજનો સમય નિશ્ચિત હોય છે. પ્રેમ મુક્ત હોય છે. દાદા-ધર્માધિકારીનો દીકરો ભણવામાં થોડો કાચો હતો. દાદાએ તેના માટે એક પગારદાર શિક્ષક રોક્યો. શિક્ષક ઘરે આવે ઘરવાળા માનભેર તેમનું સ્વાગત કરે. ચા-પાણી કરાવે. શરત, મુજબ શિક્ષક એક કલાક ભણાવે. એક કલાક એટલે એક કલાક. અડધી મિનિટ પણ વધારે ના રોકાય. બે ચાર મહિના પછી શિક્ષકે પગાર વધારવાની માણગી કરી. દાદાએ તેમને સમજાવ્યા. થોડો સમય માંગ્યો. પણ બે દિવસમાં જ શિક્ષકે કહી દીધું.'જુઓ, મહેરબાની કરીને મારો પગાર વધારી દો ! નહિતર હું ભણાવવા નહિ આવું. હડતાળ પાડીશ !' અને ખરેખર શિક્ષકે હડતાળ પાડી. આવવાનું બંધ કરી દીધું. છોકરાએ ના આવવાનું કારણ પૂછયું એટલે દાદાએ કહ્યું. ' તારા ગુરૂ હમણાં હડતાળ પર છે. તે ભણાવવા નહિ આવે. થોડો વખત હું ભણાવીશ. પણ છોકરાને આ વાત ના ગમી. તે શિક્ષકને ઘરે ગયો. દૂરથી જોયું તો શિક્ષક તેમના પૂત્રને ભણાવી રહ્યા હતા.  છોકરાએ ઘેર આવી આ વાત કરી. ' બાપુજી, તમે તો કહેતા હતા કે ગુરૂજી હડતાળ પર છે. પણ એ તો એમના પુત્રને ભણાવતા હતા. આ કેવી હડતાળ ?' દાદા-ધર્માધિકારીએ શાંતિથી કહ્યું,' દીકરા, શિક્ષક હડતાળ પાડી શકે. બાપ હડતાળ ના પાડી શકે. ફરજ હડતાળ પાડી શકે. બાપનો પ્રેમ હડતાળ ના પાડી શકે. સમજ્યો !'

ભલે બાહ્ય દેખાવમાં બન્ને સરખાં લાગે પણ પ્રેમ અને ફરજ અલગ અલગ મહત્વ ધરાવે છે. પ્રેમમાં ગંગોત્રીના જળ જેવી શુધ્ધતા હોય છે. જીવને ટાઢક પહોંચાડતી અનુભૂતિ હોય છે. ફરજમાં પ્રેમનો દેખાડો હોય છે. પ્રેમ ઝૂકે છે. ફરજ અક્કડ રહે છે. દંભી સગપણમાં ગળપણ નથી હોતું. ફરજપૂર્વક જીવાતા જીવનમાં માણસની જીભમાં વર્તનમાં, હાવ-ભાવમાં, વાતચીતમાં એક બનાવટી મીઠાશ દેખાય છે. તેમાં કોઈ જીવનદાયક શક્તિ નથી હોતી. ના છૂટકે જીવાતા સંબંધમાં ફરજ હાજર રહે છે. પ્રેમ ઓગળી જાય છે. ક્યારેક તો આવા નિર્જીવ સંબંધમાં પ્રેમનું સર્વોચ્ચ રૂપ જોવા મળે છે.

એક ભારતીય ચીનના પ્રવાસે ગયો. જુદા જુદા સ્થળોએ ખૂબ ફર્યો. એક દિવસ તે ગ્રેવયાર્ડની (કબ્રસ્તાન) બાજુમાંથી પસાર થતો હતો. અચાનક તેની નજર એક ચીની સ્ત્રી પર ગઈ. તે તેના પતિની તાજી કબર પર પંખો નાખી રહી હતી. ભારતીયને આશ્ચર્ય થયું. તેના પ્રેમ અને નીતિશુધ્ધ આચરણ પ્રત્યે અહોભાવ જાગ્યો. તે અંદર ગયો. તમારા પતિ પ્રત્યે તમારો આ પ્રેમ જોઈ મને આનંદ થયો. પતિના મૃત્યુ બાદ પણ તમે તેની આટલી કાળજી રાખો છો ? આટલી લાગણી ધરાવો છો ! ખરેખર, તમારો પ્રેમ અજોડ છે. પેલી સ્ત્રીએ ઊંચે જોયું. મિસ્ટર, તમારી ગેરસમજ થાય છે. મારા પતિએ મરતાં પહેલાં બધાની હાજરીમાં વચન લેવડાવ્યું હતું કે એના કબરની માટી સુકાય નહિ ત્યાં સુધી મારે ફરી લગ્ન ના કરવા ! આ કબરની માટી જલદી સુકાય એટલે પંખો નાખું છું !! 'આ બાહ્ય દેખાવને પ્રેમ સમજવો કે ફરજ?

દંભી લાગણી દર્શાવનારના મનનું પડ ખોલીને તપાસીએ તો એમાં સ્વાર્થ સાધવાની ઇચ્છા સિવાય કશું દેખાતું નથી. સ્વાર્થી હાવ-ભાવ પર પ્રેમનો વરખ ચઢેલો હોય છે. આપણી પાસે માલમિલકત જેવું કશું ના હોય એ જીવનની નિષ્ફળતા નથી. પણ હૃદયથી કોઈ આપણને પ્રેમ કરનાર ના હોય એમાં જીવનની નિષ્ફળતા છે.

- સુરેન્દ્ર શાહ