Get The App

દોષદર્શન .

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
દોષદર્શન                                                  . 1 - image

માનવી જીવનસફર દરમ્યાન જાણે-અજાણે જ્યારે જ્યારે કોઈ આપત્તિ-વિપત્તિ-પરાજય કે પ્રતિકૂળ સંજોગો ઉભા થાય તે સમયે અન્ય માનવીનાં દોષોને, ભૂલોને કે સંજોગોને સહજપણે જવાબદાર ઠેરવે છે - અહીં બચાવ કે બહાનાં શોધાય છે. પોતાનાં પરાજય કે પ્રતિકૂળતા માટે સારું કાર્ય બધું મારું - સફળતા - અનુકૂળતા એ મારો પુરુષાર્ષ-પ્રયત્ન અને અજુગતું-ભૂલભરેલું-દોષગ્રસ્ત એ અન્યના દોષે-ભૂલે જોવા મળે ! સ્વાભાવિક છે પારકાં દોષે-દોષદર્શને-ત્રુટિએ નિષ્ફળ માનવી સાંત્વના મેળવવા પ્રયત્નશીલ રહે છે. વળી - જે માનવીનાં સંપર્કમાં આવીએ તેનાં દોષો-ત્રુટિઓ અને ખામીઓ પ્રથમ નજરે જોવા એ દોષદર્શન બની રહે.

વાસ્તવમાં-આજનાં સમયમાં સ્વભાવે-કાર્યશૈલીએ સર્વગુણી-દોષરહિત માનવી શોધવો એ કપરું કાર્ય છે. દરેક માનવીમાં કંઈ સારું જમા પાસું-સદ્ગુણો હોય તો કંઈક સ્વાભાવિક ત્રુટિઓ-ક્ષતિઓ-ભૂલો રહેવાના જ ! અહીં માનવીનાં માત્ર દોષો તરફ કાગદ્રષ્ટિ અને સદ્ગુણોની અવગણના કે બેધ્યાનપણું એ માનવીનાં દોષદર્શન બની રહે ! દોષદર્શન એ સરળ, સહજ અને હાથવગી માનવ મનોવૃત્તિ છે જે સમયનાં વહેણે વિચારશૈલીમાં ફેરવાતાં જે તે માનવીની કાયમી આદત-કુટેવ બની રહે. ઘણું ખરું પરદોષદર્શન સંદર્ભે આપણે આપણી જાત પ્રત્યે વફાદાર-પ્રમાણિક હોતાં નથી કે રહેતાં નથી. જાણે અજાણે છેતરીએ, જાત પ્રત્યે દંભી બની કપટ અને અન્યાય કરતાં આવ્યા હોઈએ છીએ, આ પ્રકારની સહજ મનોવૃત્તિએ માનવીનાં દુ:ખદાયક દોષદર્શન પ્રવેશે છે. જે ધીમા પગલે અનિચ્છનીય સહજ વૃત્તિઓ-નિંદા, ટીકા-ટિપ્પણીનું સ્થાન લે છે. માનવીમાં રહેલાં પ્રબળ દોષદર્શને રાગ અને દ્વેષનો પ્રવેશ થતાં માનવીના આનંદ, પ્રસન્નતા અને શાંતિ નષ્ટ થાય છે. સ્થાયી સ્વરૂપનાં દોષદર્શને, નિંદા, ટીકા એ માનવી ડરામણો, અશાંત, ઉચાટ, ઉન્માદ, વિષાદ-વ્યથામાં રહે છે કેમ કે આ કુસંગભર્યા સ્વભાવે નફરત-ઘૃણા-તિરસ્કારની તમસવૃત્તિ કાયમી સ્થાયી થાય છે. વિશેષ મનની આ દોષદર્શન વળગણે માનવીને - 'સ્વદોષ ક્યારેય દેખાય નહીં, સર્વમાં પરદોષ હાથવગા-સરળ સહજ મળી રહે.' આ મનોગ્રંથિ-ગાંઠે વિચારોની શુધ્ધ સમતુલા, હકારાત્મક દ્રષ્ટિ, આંતરસુઝ નષ્ટ થતાં માનવીનાં તંદુરસ્તી-પ્રસન્નતા, આનંદમય માનવીજીવન માટે દોષદર્શન હાનિકારક બની રહે છે.

માનવીએ દોષદર્શનની બદીથી કે વૃત્તિથી મુક્ત રહેવા પોતાનાં મનને કેળવવું રહ્યું ! સમતોલ સમજણે અને પરિપકવતાની રૂએ અન્ય માનવીય ક્ષતિઓ કે ભૂલોનો સહજ સ્વીકાર કરવો જ રહ્યો. 'માનવમાત્ર ભૂલો-ત્રૂટિઓ-દોષોને પાત્ર' વિધાનમાં રહેલાં પરિપકવ વાક્યે તેમજ ક્ષમ્ય-ખેલદિલભાવે માનવીમાં રહેલાં દોષદર્શન ને સ્થાને ગુણદર્શનનો મહાવરો કેળવવો. આમ,માનવીના દોષદર્શન ન જોતાં દોષમુક્તિ અને દ્વેષમુક્તિની ઉપસ્થિતિએ માનવીનાં હૈયે આનંદ ઉભરાય.

સર્જનાત્મક ટિપ્પણ: ખરેખર ! માનવીએ જો દોષદર્શન જોવા હોય તો વિકાર, ભોગવિલાસ, વ્યસન- કુસંગ અને સાંસારિક ભૌતિક સુખોમાં જોવા રહ્યા જેના હકારાત્મક ઉકેલે વૈરાગ્ય - તપબળ અને ત્યાગવૃદ્ધિની ફળશ્રુતિ સ્વરૂપે જીવનયાત્રા સુખદ આનંદ સ્વરૂપ બની રહે !

શુભમ્ ભવતું- સૌનું કલ્યાણ થાઓ!

- કમલેશ હરિપ્રસાદ દવે