- પ્રેરણાની પરબ - આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
માનવજીવનને પ્રાપ્ત કર્યા પછી આપણે કદાચ ઘણા મુશ્કેલ લક્ષ્યો સર કર્યા હશે અને કરતા હોઈશું. પરંતુ આપણી સમક્ષ એક મુશ્કેલ લક્ષ્ય એવું ઉપસ્થિત છે કે જેને સર ન કરીએ તો પ્રાપ્ત કરેલા બાકીના તમામ લક્ષ્યોની વાસ્તવિક દ્રષ્ટિએ કોઈ કિંમત નથી. માનવજીવનમાં અવશ્ય મેળવવા જેવું આવું મુશ્કેલ લક્ષ્ય એટલે સજ્જનતાની પ્રાપ્તિ. અપેક્ષાએ ખૂબ કઠિન ગણાય એવું આ લક્ષ્ય આપણે આસાનીથી સર કરી શકીએ એ માટે પ્રાચીન જૈનાચાર્ય સોમપ્રભસૂરીશ્વરજી મહારાજે વિવિધ વીશ વિષયોથી ભરપૂર સિંદૂરપ્રકર ગ્રન્થમાં સજ્જન બનવા માટેના આઠ લક્ષણો દર્શાવ્યા છે. આ આઠ લક્ષણો જો આત્મસાત્ થઈ જાય તો આપણે આસાનીથી સજ્જન બની શકીએ. આજે આપણે એ લક્ષણો પૈકી આઠમા લક્ષણનો વિચાર-વિસ્તાર કરીશું. ત્યાં આઠમું-અંતિમ લક્ષણ દર્શાવતા મહત્ત્વની વાત લખી છે કે 'ઉક્તોડપ્યપ્રિયમક્ષમાં ન રચયતિ.' મતલબ કે 'સજ્જન વ્યક્તિ એ છે કે જે કોઈનાં કટુવચનો સાંભળવા છતાં ક્રોધમાં-આવેશમાં ન આવે.'
આજે દુનિયા જ્યારે 'ટીટ ફોર ટેટ' અને 'જેવા સાથે તેવા' થવાનું માનસ ધરાવે છે ત્યારે વિદ્ધજ્જનો અને ચિંતકો તેનાથી સાવ સામા છેડાની વાત કરે છે. તેઓ કહે છે કે કોઈના ગુસ્સાના જવાબમાં ગુસ્સો કરવો એ વીરતા નથી. પરંતુ ગુસ્સાના પ્રતિભાવમાં પણ ક્ષમા રાખવી-શાંતિ અપનાવવી એ વીરતા છે. આ જ પ્રવાહમાં એક મસ્ત વાક્ય સરસ પ્રેરણા કરે છે કે 'બદલો ન લો, ખુદને બદલો' આવી રીતે ક્ષમા-શાંતિ-સમતાનું આલંબન લેનાર વ્યક્તિને ત્રણ મજાના લાભ થાય છે : (૧) પ્રત્યેક પરિસ્થિતિમાં તે પ્રસન્ન રહી શકે છે. (૨) પ્રત્યેક વ્યક્તિઓમાં તે આદરણીય બની શકે છે અને (૩) વિરોધીઓના દિલ પણ તે જીતી શકે છે. આવો, એક હ્ય્દયસ્પર્શી ઘટના દ્વારા ક્ષમાના આ લાભોનું મહત્ત્વ આપણે સજીએ :
એક સ્થળે કોલ્લક સંતનું પ્રવચન યોજાયું હતું. નિશ્ચિત દિવસે સભાસ્થળે મોટી સંખ્યામાં શ્રોતાઓ પ્રવચન સાંભળવા આવ્યા. પણ એમાં તકલીફ એ હતી કે ઉપસ્થિતમાંથી મોટા ભાગના શ્રોતાઓ સંતના વિરોધી હતા અને માત્ર સંતની ભૂલ પકડવા-દોષ જોવા માટે આવ્યા હતા. સંતને આ વાતનો પૂરો ખ્યાલ હતો. પણ તેમણે એની જરા ય પરવાહ કર્યા વિના પોતાની આગવી શૈલીમાં રસપ્રદ પ્રવચનની શરૂઆત કરી. સંતની શૈલી અને વિષય ઉપર પ્રભુત્વ વગેરે એવા અદ્દભુત હતા કે જે લોકો માત્ર વિરોધ કરવાના આશયથી આવ્યા હતા તેમના ઉપર પણ સંતની વાણીની ઊંડી અસર થઈ. એક તબક્કો તેમાં એવો આવ્યો કે ઉપસ્થિતમાંથી પોણાભાગના શ્રોતાઓ સંતના વિરોધી મટીને સમર્થક બની ગયા. આ જોઈને એક કટ્ટર વિરોધી શ્રોતા રહી ન શક્યો. એને થયું કે જો આમ જ ચાલશે તો સભાના અંતે મારા સિવાય તમામ સંતના સમર્થક બની જશે. આથી ચાલુ પ્રવચનમાં સંતને ડિસ્ટર્બ કરવા એણે રાડ પાડીને કહ્યું : ''આજે અહીં આટલી હોંશિયારી કરો છો, મોટી વાતો કરો છો, પણ તમારી મા કોણ હતી તે મને ખબર છે. તમારી મા વેશ્યા હતી વેશ્યા.'' સભામાં સન્નાટો છવાઈ ગયો આ સાંભળીને. સૌને લાગ્યું હવે સંતને પણ ગુસ્સો આવશે. પણ બન્યું સૌની ધારણાથી વિપરીત. સંતે તુરંત મિષ્ટભાષામાં જવાબ વાળ્યો : ''મારા જન્મ સમયે મારી મા મૃત્યુ પામી હતી તેથી તે કોણ હતી એ મને ખબર નથી. પરંતુ મારી પ્રભુને પ્રાર્થના છે કે જો તું સાચો હોય તો પ્રભુ મારી માને માફ કરે અને મારી મા સાચી હોય તો પ્રભુ તને માફ કરે.'' સંતનું આ અદ્દભુત ક્ષમાવચન સાંભળીને બાકીના તમામ વિરોધીઓ પણ ક્ષણવારમાં તેમના સમર્થક બની ગયા. આપણે પણ આવી ક્ષમાને અપનાવીએ અને તે માટે યાદ રાખીએ આ વાક્ય કે 'તોતડી જીભ હજી ચાલશે, પણ તોછડી જીભ નહિ ચાલે...'


