- શ્રી સહજાનંદસ્વામીએ શિક્ષાપત્રી ગ્રંથમાં 212 સોનેરી સલાહ આપેલી છે
દરેક માનવીના જીવનમાં નાની કે મોટી આફતો આવી જ હોય છે. આફતો જીવનમાં આવી પડે ત્યારે આફતોનો સામનો કરવા આપણી પાસે હંમેશા બે રસ્તા હોય છે.
એક તો આફત સામે ભાંગી પડીને રોદણાં રોવાં, કે પછી....આફતને ટક્કર આપીને બીજા માટે પ્રેરણારૂપ બનવું... અંતે તો આપણે આ બે રસ્તામાંથી કોઇ એક જ પસંદ કરવાનો હોય છે! તેથી જીવનમાં સફળતા હાંસલ કરવી હોય તો, આવેલા પડકારોને પહોંચી વળવા માટે પુરુષ પ્રયત્ન કરવો જોઇએ. સારો ખેલાડી બોલને ફટકારે એ પહેલાં મનમાં બાઉન્ડરી બહાર મૂકી ચૂક્યો હોય છે અને પછી તેને ફટકારે છે. આ બધું ક્ષણિક પ્રક્રિયામાં બની જાય છે. પરંતુ મહત્વની વાત છે કે સફળતા હાંસલ કરવાનું વિઝન હોવું જોઇએ.
અને જે માણસની પાસે વિઝન હોય છે, તે એક દિવસ સફળ પણ અવશ્ય થાય છે. કહેવાય છે ને કે, નિષ્ફળતાના પગથિયા વડે જ સફળતાની સીડી ચડાય છે.
ચાલો, આપણે તૈયાર થઇ જઇએ, સફળતાની સીડી ચડવા માટે.
એક કિશોર જંગલમાં ભૂલો પડયો. અંધારામાં ઝાડ નીચે બેઠેલા વૃદ્ધને તેણે કહ્યું, ''હું જંગલમાં ભૂલો પડયો છું અને હવે તો રાત પણ પડી ગઈ છે ! તમે મને ઘરે પહોંચવાનો રસ્તો બતાવશો ?''
પેલા વૃદ્ધે એક સળગતી મીણબત્તી આ છોકરાને આપીને કહ્યું, ''લે આ મીણબત્તી. એના અજવાળે તું ઘરે પહોંચ.''
છોકરો બોલી ઊઠયો, ''પણ દીવાનું અજવાળું તો સાવ ઓછું અને ઝાખું છે ! હું જંગલને કેવી રીતે પાર કરી શકીશ?''
વૃદ્ધ દાદાએ કહ્યું, ''બેટા મીણબત્તીનું અજવાળું ભલે ઝાંખું હોય, પરંતુ તે એક એક ડગલું ભરવા માટે પૂરતું છે.''
પેલા છોકરાએ દાદાજીની સલાહ માની અને ઘરઘોર જંગલમાં મીણબત્તીના અજવાળે એક એક ડગલું ભરતાં, રસ્તાનાં વિઘ્નોને પાર કરતાં, તે અંતે સહી સલામત ઘરે પહોંચી ગયો.
મોટેભાગે જીવનમાં આવનારી સમસ્યાઓના સરવાળાને યાદ કરીને આપણે હિંમત હારી જઇએ છીએ. પણ એક પછી એક સમસ્યા હલ કરીએ તો એક દિવસ બધી જ સમસ્યાઓ હલ થઇ જાય.
આપણે જ્યાં છીએ ત્યાંથી માત્ર એક ડગલું જ આપણે આગળ વિચારવાનું છે. જેમ જેમ આપણી ગાડી આગળ વધે તેમ તેમ તેનો પ્રકાશ આગળ ને આગળ વધતો રહેવાનો છે. એટલે આપણે મંજિલની જગ્યાએ સામે દેખાતા પગલાં તરફ ધ્યાન આપવું જોઇએ.
ચીની કહેવત: 'હજારો માઇલોની યાત્રા પણ...
આરંભાય તો છે, કેવળ એક ડગથી!'
ચાલો, મોટી મંઝિલની ચિંતા છોડો, ચાલવાનું શરુ કરીશું તો, પહોંચી જઇશું.
શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી ૨૦૦ વર્ષ પહેલા જનસમાજના હિતાર્થે શિક્ષાપત્રી ગ્રંથમાં ૨૧૨ શ્લોકમાં સરળ અને સચોટ માર્ગદર્શન આપ્યું છે. તેથી જ દરરોજ આ શિક્ષાપત્રી ગ્રંથ વાંચવાની આજ્ઞા પણ કરે છે. આપણે આ શિક્ષાપત્રી ગ્રંથની દરરોજ એક એક સલાહને જીવનમાં ઉતારીએ તો આપણું જીવન જ બદલાઈ જાય કારણ કે, અત્રે આ લેખમાં જે વાત સમજાવી છે તેવી અનેક પ્રેરણાદાયી વાતોનો સંગ્રહ એટલે જ શિક્ષાપત્રી ગ્રંથ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


