- સુખ દુ:ખનો આધાર આપણી ઇચ્છાઓ પર છે. પણ એ ઇચ્છાની હદ કોણ નક્કી કરે? સુખનો આધાર આપણે વધુ મેળવીએ છીએ કે ઓછું મેળવીએ છીએ એના પર નહિ. પણ શું મેળવીએ છીએ, કઈ રીતે મેળવીએ છીએ. એના પર છે
તપસ્વી આબાર કાલમ અને ઋષિઉદ્રક પાસે સમાધિ અવસ્થાનું જ્ઞાાન લીધા પછી પણ સિધ્ધાર્થના મનનું સમાધાન ના થયું. તેમણે વિચાર કર્યો. ગુરૂજ્ઞાાન શ્રેષ્ઠ છે એમાં શંકા નથી પણ ફક્ત જ્ઞાાનથી નિર્વાણની પ્રાપ્તિ થવાની શક્યતા નહિવત્ લાગે છે. તપસ્યાથી માણસની દુષ્ટ મનોવૃત્તિ થોડા સમય માટે ભલે દબાય પણ તેનો સદંતર નાશ થતો નથી. માટે જુદા જુદા ગુરૂ પાસે જઈ જ્ઞાાન માટે સમય બગાડવા કરતાં જાતે જ આત્મ કલ્યાણનો માર્ગ શોધવો જોઈએ. અને તેમણે તેની શરૂઆત કરી. સિધ્ધાર્થ શ્વાસોચ્છવાસ કાબૂમાં રાખી કલાકો સુધી મૃતવત ધ્યાનસ્થ બેસતા. હવે આવું કરવાથી શરીર બળવા લાગ્યું. પેટમાં વેદના શરૂ થઈ. દેહ દુબળો પડયો. જો કે સિધ્ધાર્થ ચલિત ના થયા. ધીરે ધીરે અન્નનો ત્યાગ કર્યો. અશક્તિની હદ આવી ગઈ. હાથ પગ સળી જેવા થઈ ગયા. બરડાની કરોડ દેખાવા લાગી. પાંસળીઓ નબળી પડી ગઈ. આંખોની કીકીઓ અંદર ઊંડી ઊતરી ગઈ. અંગનું તેજ હણાઈ ગયું. પેટ અને પીઠ ચોંટીને એક થઈ ગયાં. છેવટે એક દિવસ વિચાર આવ્યો.' આટ આટલું દૂખ ભોગવવા છતાં મને પરમશાંતિનો અનુભવ થતો નથી. મારા પ્રયત્નમાં જરૂર ભૂલ થઈ રહી છે. નાનપણમાં પિતાજીની સાથે ખેતરમાં ગયો હતો ત્યાં જાંબુના ઝાડની છાયામાં હું એકવાર સહજ ધ્યાનસ્થ થઈ ગયો હતો. મને યાદ છે તે વખતે હું દેહદંડન કરતો નહોતો છતાં મને સમાધિરુપ પ્રાપ્ત થયું હતું. એટલે અત્યારના મારા દેહદંડનથી મને કોઈ ફાયદો થાય એમ લાગતું નથી. નાનપણમાં મળેલું સમાધિસુખ પાપ કે વાસનાની તૃપ્તિથી મળેલું નહોતું. સહજ હતું. સંસારમાં રચ્યો પચ્યો હતો છતાં મળ્યું હતું ! ખરેખર, મારે તપશ્ચર્યાનો વિકટ માર્ગ છોડી સાદા માર્ગે પ્રયાણ કરવું જોઈએ. આત્મ સિધ્ધિ મેળવવા તણાઈ જવા કરતાં આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવો જોઈએ. તે દિવસથી સિધ્ધાર્થ ભિક્ષા માગી થોડું થોડું ખાવા લાગ્યા. મિતાહાર કર્યાથી દિવસે દિવસે તેમના શરીરમાં શક્તિનો સંચાર થયો. અને તે અણીશુધ્ધ સમાધિસુખ અનુભવવા લાગ્યા. આત્મચિંતન શરૂ થયું ત્યારથી શરીર અને આત્માના ભેદ સમજાવવા લાગ્યા. એક ધ્યાન અને એક સરખા તપથી તેમને ચાર આર્ય સત્યો અને આર્ય અષ્ટાંગિક માર્ગનું વિશુધ્ધ જ્ઞાાન પ્રાપ્ત થયું અને છેવટે તે બુધ્ધત્વ પામ્યા. તેમણે નક્કી કર્યું યોગ્ય દૃષ્ટિ, યોગ્ય સંકલ્પ, યોગ્ય વાણી, યોગ્ય કર્મ, યોગ્ય પ્રયત્ન, યોગ્ય સ્મૃતિ અને યોગ્ય સમાધિથી મધ્યમમાર્ગ પર ચાલી નિર્વાણ પ્રાપ્ત થાય છે. સમ્યક્ જ્ઞાાન વગર ફક્ત શરીરને કષ્ટ આપતા વ્રત. નિયમ કે ઉપવાસથી દુ:ખ દૂર થતું નથી.
દુનિયામાં મોટા ભાગના લોકો સામાન્ય જીવન જીવે છે. તનતોડ મહેનત કરી માંડ પોતાના જીવનની જરૂરિયાત પૂરી કરે છે. તેમના માટે નાનકડી ખુશી મહાઉત્સવ બની જાય છે. જ્યારે કેટલાક સુખસગવડથી છલોછલ દેખાય છે. તેઓ માનસિક રીતે દેખાદેખીના સુખમાં એટલા ગળાડૂબ રહે છે કે તેમને સમજાતું જ નથી કે તેમને શું જોઈએ છે ? તેમની શું ઇચ્છા છે ? તેમને શેની તલાશ છે ? તે શું શોધે છે ? એક કાલ્પનિક પ્રવાહમાં તે તણાતા જાય છે. છતાં તે તરસ્યા રહે છે. જ્યારે વિનમ્રતા, ધૈર્ય, અને જીવન રહસ્યને પામી જનાર વિવેકપૂર્ણ જીવે છે. તેઓ માન- અપમાનથી પર રહે છે. વધારાની કોઈ આરઝૂ નથી હોતી. તેમની પાસે જીવનનું ધ્યેય છે. માનવ કલ્યાણનું
૧૯૦૬ની ૧૯મી એપ્રિલે પેરિસમાં રસ્તો ઓળંગતા એક ટ્રકની ટક્કરથી પિયરે કયુરીનું અવસાન થયું. જોડી તૂટી ગઈ મેડમ કયુરી માટે આ આઘાતજનક ઘટના હતી. તેમને આરી બેંકરલ સાથે એકવાર નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. પણ તેમના બધા પૈસા સંશોધન કાર્યમાં ખર્ચાઈ જતા. સ્કુલ ઓફ ફિઝિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી' નામની પ્રયોગશાળા ધમધોકાર ચાલતી. છતાં તેમનું ગુજરાન ચાલતું. તે ફ્રાંસની સરકારે અને ત્યાંની યુનિવર્સિટીએ મેડમકયુરીને આજીવન પેન્સન આપવાનું નક્કી કર્યું. અને થોડાક પૈસા ડિપોઝિટ પેટે આપવાનું નક્કી કર્યું. મેડમ ક્યુરીએ જવાબ લખ્યો. 'સર, આભાર. આપ સૌ એ અમારા વિષે વિચાર્યું તે બદલ અમે ઋણી છીએ. પણ અમારી આજીવિકા માટે જરૂરી કમાણી હું કરી લઉં છું. જો મને વધારે પૈસા મળશે તો મારૂં ધ્યાન તેને સાચવવામાં લાગી જશે. હું મારૂં ધ્યાન નવી શોધમાં કેન્દ્રિત કરવા માગું છું. જો મારૂં ધ્યાન પૈસા સાચવવા તરફ તણાઈ જશે તો વિક્ષેપ પડશે. અને મેડમ ક્યુરી કામ કરતી રહી. ૧૯૦૮માં ધાતુમાંથી શુધ્ધ રેડિયમ અલગ કરવા માટેની શોધ માટે તેમને રસાયણ શાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ મળ્યું. એ પછી પણ એકસરે ના ઉપયોગ અને રેડિયો એકટિવ પદાર્થોના સંશોધન પાછળ જીવ્યા ત્યાં સુધી કાર્યરત રહ્યાં.
એ વાત સાચી છે કે આપણા સુખ દુ:ખનો આધાર આપણી ઇચ્છાઓ પર છે. પણ એ ઇચ્છાની હદ કોણ નક્કી કરે ? સુખનો આધાર આપણે વધુ મેળવીએ છીએ કે ઓછું મેળવીએ છીએ એના પર નહિ. પણ શું મેળવીએ છીએ, ક્યારે મેળવીએ છીએ. કઈ રીતે મેળવીએ છીએ. એના પર છે. સામાન્ય જીવન જીવતો માણસ જરૂરિયાતો ભેગી કરતાં કરતાં ક્યારે વધુ મેળવવાની લાલચમાં ફસાઈ જાય છે તેનો તેને ખ્યાલ પણ નથી રહેતો. એટલે જ ધર્મશાસ્ત્રો કહે છે. ભૂખે મરી જવાય એટલું ઓછું પણ નહિ અને પેટ ફાટી જાય એટલું વધારે પણ નહિ ! એટલે મધ્યમસર સારૂં. પાણીમાં એટલે સુધી જ ઉતરવું કે ખોબામાં લઈ પાણી પી શકાય, એટલે દૂર ના જવું કે પાણીના પ્રવાહમાં તણાઈ જવાય.
- સુરેન્દ્ર શાહ


