- બ્રહ્માજીએ કહ્યું, 'આ ધરતી પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. એટલે અમરત્વનું વરદાન હું ના આપી શકું.' ભાઈઓએ કહ્યું, 'ઠીક છે. તો અમને એવું વરદાન આપો કે કોઈ મનુષ્ય, કોઈ પ્રાણી અમને મારી ન શકે
હિરણ્યકશિપુના વંશમાં રાક્ષસ નિકુંભને બે પુત્રો હતા. સુંદ અને ઉપસુંદ. તે બન્ને હિંસક, અવિવેકી, દુરાચારી અને કપટી હતા. બન્ને ભાઈઓમાં ખૂબ પ્રેમ હતો. બન્નેની ઇચ્છા સરખી, આચરણ સરખું, વિચાર સરખા, અભિપ્રાય સરખા, આમ તેમના શરીર જુદા પણ પ્રાણ એક હતો. તેમને 'અમર' થવાની ઇચ્છા જાગી. તેમણે પર્વત પર જઈ એકાંતમાં તપ શરૂ કર્યું. શરીર સુકાવા લાગ્યું. તેમના તપથી વિંધ્યાચલ પર્વત તપ્ત થઈ ગયો. બ્રહ્માજી પ્રગટ થયા. તેમની ઇચ્છા પૂછી. તેમણે વરદાન માંગ્યું. 'અમે માયાવી થઈ અદ્રશ્ય થઈ શકીએ, ગમે તેવું શસ્ત્ર ચલાવવામાં પારંગત થઈ શકીએ. અમારું મૃત્યુ કદી ના થાય. અમે અમર થઈ જઈએ.' બ્રહ્માજી મૂંઝાયા. કહ્યું, 'આ ધરતી પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. એટલે અમરત્વનું વરદાન હું ના આપી શકું.' ભાઈઓએ કહ્યું, 'ઠીક છે. તો અમને એવું વરદાન આપો કે કોઈ મનુષ્ય, કોઈ પ્રાણી અમને મારી ન શકે. ફક્ત અમે જ એકબીજાને મારી શકીએ. (જે કદી શક્ય નહોતું.) અમારા મૃત્યુનું કારણ ફક્ત અમે જ બનીએ.' બ્રહ્માજી મર્માળુ હસ્યા અને 'એવમસ્તુ' કહી વિદાય થયા.
પછી તો બન્ને બેફિકર, બેલગામ અને ઘાતકી થઈગયા. એક પછી એક રાજ્ય જીતી હાહાકાર મચાવી દીધો. એવી કત્લેઆમ ચલાવી કે ઋષિગણો આશ્રમ ખાલી કરી જંગલની ગુફાઓમાં ભરાઈ ગયા. દેવતાઓ સ્વર્ગ છોડી અહીં તહીં સંતાવા લાગ્યા. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ પર તેમણે સત્તા હાંસિલ કરી દીધી. યજ્ઞા, પૂજન, ભજન, વેદાધ્યયન, કથાવાચન જેવાં સદ્કાર્યો બંધ થઈ ગયાં.
છેવટે શ્રી મહાદેવ અને શ્રી વિષ્ણુ બ્રહ્માજીને મળવા ગયા. 'હે પ્રભુ, આ તમે કેવું વરદાન આપી દીધું ? ત્રિલોકમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. (દુર્જનસ્ય વિશિષ્ટત્વં... પારણં પશુમારણમ્) તમે જાણો છો કે દુર્જન કદી તપ કરતો નથી અને કરે તો તેમની દાનત બીજાને નુકસાન પહોંચાડવાની જ હોય છે. આમ તો વાઘ ઉપવાસ કરે જ નહિ પણ જો કરે તો બીજા દિવસે પારણું કરવા તે પશુની હત્યા જ કરવાનો. પ્રભુ, આવા દુર્જનો પોતાનો સ્વાર્થ સાધવા તપ કરી આપણી પાસે ઇચ્છિત વરદાન માંગવાના અવસરો શોધે છે. આવા દુર્જનો પર કૃપા કરી આપણે વરદાન આપીશું તો તે આપણી જ બનાવેલી સૃષ્ટિની અમૃતધારાને ચૂસી ચૂસીને સૂકવી નાખશે.' ત્યારબાદ બ્રહ્માજીએ વિશ્વકર્માને બોલાવી એક અપ્રતિમ સૌંદર્યવતી સ્ત્રીનું સર્જન કરાવ્યું. કહેવાય છે કે તે સ્ત્રીના અંગ પર એક તલ રાખવા જેટલીય એવી જગ્યા નહોતી કે જે આકર્ષક ના હોય. એટલે તે સુંદર સ્ત્રીનું નામ તિલોત્તમા રખાયું.
'સુંદોપ સુંદોપાખ્યાન' મુજબ આ સુંદરીના અનુપમ સૌંદર્યમાં બન્ને ભાઈઓ આસક્ત થઈ ગયા. 'આ મારી પ્રેયસી છે. મારી સ્ત્રી છે. તું તેનાથી દૂર રહે !' તિલોત્તમાને મેળવવા બન્ને ઝઘડવા લાગ્યા. એકબીજાના દુશ્મન બની ગયા. છેવટે ગદાયુદ્ધ શરૂ થયું અને બન્નેએ એકબીજા પર પ્રહાર કરી એકબીજાને મારી નાખ્યા.
બ્રહ્માજી સર્જનહાર છે પણ તેમના બનાવેલા તેમને જ બનાવે ત્યારે દેવોએ તેમને વારવા પડે. તેમની સહજતા, કૃપા, સરળતા કે સારપની હદરેખા પર ફરી વિચાર કરી રોકવા પડે. આપણે ગમે એટલા સારા હોઈએ પણ મુગટ સાચવવા માથું હોડમાં ના મુકાય ! વોલ્તેરે કહ્યું છે ્રી હ્વીજં ૈજ ીહીદ્બઅ ર્ક ંરી ર્ર્ખ્તઙ્ઘ. સર્વોત્તમ એટલે કે વધારે સારું સારાનો દુશ્મન છે. ગુલાબનું ફૂલ સારું છે, સુગંધીદાર છે પણ તેમાંથી બનાવેલું ગુલકંદ ગુલાબનું દુશ્મન છે. મહેંકતા ફૂલો મનને તરબતર કરી દે છે પણ તેમાંથી બનાવેલું અત્તર ફૂલોનું દુશ્મન છે. સ્વાર્થી માણસને ફક્ત દૂધ સાથે નિસ્બત છે ગાય કે ગોવાળ સાથે નહિ. કોઈ કપટી માણસ સ્વાર્થ સાધવા ગમે ત્યારે કોલબેલ વગાડે ત્યારે બારણું ખોલતાં પહેલાં આપણી બુદ્ધિ કે સમજણની બારીઓ ખુલી જવી જોઈએ. કારણ કે વધુ પડતું સાધુત્વ મુશ્કેલી ઉભી કરી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનતા પહેલાં લિંકન વકીલાત કરતા હતા. કેસ હાશમાં લેતાં પહેલાં જ તે મૌખિક રીતે વ્યાજબી ફી નક્કી કરતા. જો કેસ જીતે તો નિશ્ચિત રકમ લેવી અને હારે તો નક્કી કરેલી ફી કરતાં ફક્ત દસ ટકા જ લેવાના ! એક વખત એક રેલવે કંપની તરફથી તે નીચલી કોર્ટમાં કેસ લડયા. સામે પક્ષે વકીલો ખૂબ સમર્થ અને નામાંકિત હતા. લિંકન કેસ હારી ગયા. લિંકને ફી ના લીધી. લિંકને સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી ઝીણી ઝીણી વિગતો એકઠી કરી ખૂબ મહેનત કરી કેસ જીતી ગયા. રેલવે કંપની જીતી એટલે તેમને લાખો ડોલરનો ફાયદો થયો. લિંકને નક્કી કર્યા મુજબ બે હજાર ડોલરનું બિલ મોકલ્યું. પણ હવે રેલવે કંપનીના મેનેજરની દાનત બગડી. તેણે ચેક સાથે કવર મોકલ્યું. 'મિ. લિંકન, યાદ રાખો. તમે એક મામુલી શિખાઉ વકીલ છો. નામાંકિત વકીલોની માફક આટલી મોટી ફી શેની માંગો છો ? તમારી હેસિયત પ્રમાણે બસો ડોલર પણ વધારે ગણાય. આ ચેક વટાવી લેશો.' લિંકને વિચાર્યું, આ વખતે જો હું આ ચેક સ્વીકારી લઈશ તો મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. અને રેલવે કંપની ભવિષ્યમાં આવી રીતે બીજાની મહેનતનું શોષણ કરશે. તેમણ ેરેલવે કંપની પર પાંચ હજાર ડોલરનો દાવો માંડયો. છેવટે તે કોર્ટમાં જીતી ગયા. કંપનીને પાંચ હજાર ડોલર આપવા પડયા. પોતે ભલે સાચા, સરળ અને સારા છે પણ તેનો લાભ કંપનીને ના લેવા દીધો. જો કે ત્યારબાદ તે ઘણા સામાન્ય માણસોના કેસ નજીવી ફી લઈને લડતા અને ઘણીવાર ફી લીધા વગર પણ કેસ લડયા હતા.
લંકા જવા માટે વિશાળ સાગરને લાંઘવાની જરૂર હતી. શ્રી રામે વિનંતી કરી, પ્રાર્થના કરી, આંખ ઊંચી કરી છતાં સમુદ્ર એ રસ્તો ના આપ્યો. છેવટે શ્રી રામે ધનુષ્ય-બાણ ઉઠાવી લલકાર કર્યો (ઇદાનીં ભસ્મસ્તત્કુર્યાં....) હું અત્યારે જ આ નદીપતિ સમુદ્રને ભસ્મ કરી નાખું છું.' વાતાવરણ ભયભીત થઈ ગયું અને સાગરે ચરણોમાં મસ્તક નમાવી રસ્તો કરી આપવો પડયો.
આપણી સારપને એક મર્યાદિત વર્તુળમાં સાચવી રાખવી જરૂરી છે. ભૂલેચૂકે જો લક્ષ્મણરેખા ઓળંગી જવાય તો કપટી રાવણ તેનું અપહરણ કરવા સાધુવેશે તૈયાર જ ઊભો હોય છે.
- સુરેન્દ્ર શાહ


