Get The App

આજે અને અત્યારે ઝાઝું જીવન માંગવું નહીં

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
આજે અને અત્યારે ઝાઝું જીવન માંગવું નહીં 1 - image

- જે થાય તે બધો ધર્મ કરી લેવો પુણ્ય, પરોપકાર અને પર સેવાની એકેય તક જવા દેવી નહીં

એક લોકકથા છે. જેમાં બ્રહ્માજીએ ચાર જીવ બનાવ્યાં. માનવ, ગધેડો, કૂતરો અને ઉલ્લુ (ઘૂવડ). કોઈને ખોટું ન લાગે અને સમાનતાના ન્યાયનો નિયમ જાળવવા તેમણે દરેકને ૪૦-૪૦ વર્ષનું આયુષ્ય આપ્યું. ઉલ્લુએ પ્રશ્ન કર્યો કે મહારાજ મારે શું કરવાનું ? જવાબ મળ્યો આંધળાની જેમ બેસી રહેવાનું. જે કંઈ મળે તે ખાઈ લેવાનું. ખબર પડી કે બ્રહ્માજીએ ૪૦ વર્ષની ઉંમર આપી છે તેણે વિચાર્યું કે આંધળાપણામાં ૪૦ વર્ષનું જીવન જીવવું બહુ અઘરું છે. તેણે ઉંમર ઓછી કરવા વિનંતી કરી.

બ્રહ્માજી એ દયા દાખવી ઉંમર ૨૦ વર્ષની કરી આપી અને વધેલાં ૨૦ વર્ષની એક પોટલી બાંધી બાજુ પર મૂકી દીધી. કૂતરાએ પણ રજૂઆત કરી કે બસ મારે પૂંછડી હલાવે રાખવાની ને કોઈ દયા દાખવે ને જે આપે તે ખાઈ લેવાનું ? ને થાય તેટલી ચોકી કરવાની ! ને બસ આખો દિવસ ભસ્યા જ રાખવાનું ? તેણે પણ બ્રહ્માજીને વિનંતી કરી કે ૪૦ વર્ષ તો બહુ કહેવાય, મારી ઉંમર ઘટાડી આપો. શ્રી બ્રહ્માજીએ તેની રજૂઆત સાંભળી દયા દાખવી ઉંમર ૨૦ વર્ષની કરી આપી અને વધેલાં ૨૦ વર્ષની એક પોટલી બાંધી બાજુ પર મૂકી દીધી. હવે ગધેડા એ પણ વિનંતી કરી બસ મારે બીજા ના બોજ ઉપાડવાના, જે કંઈ ખાવા મળે તે ખાઈ લેવાનું. ગધેડાભાઈ તો ઢીલાઢસ થઈ ગયા. બ્રહ્માજીએ વિનંતી સ્વીકારી ઉંમર ૨૦ વર્ષની કરી આપી અને વધેલાં ૨૦ વર્ષની પોટલી બાંધી એક બાજુ ઉપર મૂકી દીધી. છેવટે 'માનવ' બ્રહ્માજી પાસે આવ્યો અને વિનંતી કરી કે, હે પ્રભુ ! તમે મને ૪૦ વર્ષની ઉંમર આપી છે અને લીલાલહેર કરવા જણાવ્યું છે. પણ ૪૦ વર્ષની ઉંમર તો ઘણી ટૂંકી કહેવાય. ભણવાનું, કામ ધંધે જવાનું, પરિવારને ખુશમાં રાખવાનો, મઝા લૂંટવાની વગેરે માટે તો ૪૦ વર્ષ ખૂબજ ઓછા કહેવાય, મારી ઉંમર વધારી આપો. બ્રહ્માજીએ સંતોષમાં રહેવાની શીખામણ આપી પણ માનવ માંગણીથી હટયો નહીં. આથી બ્રહ્માજીએ તેમની પાસે જે ૬૦ વર્ષની ત્રણ પોટલીઓ (૨૦+૨૦+૨૦) હતી તે માનવને આપી દીધી અને આયુષ્ય ૧૦૦ વર્ષનું કરી આપ્યું. માનવે શા માટે જાણી જોઈને તૃષ્ણાવશ પોતાના તે સમજમાં આવતું નથી. સૌ જાણે છે કે મનુષ્યના શરૂના ૪૦ વર્ષમાં હર્ષ, આનંદ, માનપાન, મોજમજામાં વ્યતિત થાય છે. પછીના ૨૦ વર્ષ જે ગધેડાના પરત લીધેલા તે ૨૦ વર્ષની મુદત સંસારનો ભારે બોજ ખભે ને માથે ઉપાડી પરસેવાથી રેબઝેબની અવસ્થામાં ગુજારવા પડે છે. કમાવાની ચિંતા, ઘરમાં માંદગી આવે તો ચિંતા ને ચિંતામાં શાંતિથી રોટલો પણ ખાઈ શકાતો નથી. બીજા ૨૦ વર્ષ જે કૂતરાના છે તે શરૂ થાય છે ઘરવાળી વધેલું, કાચુંપાકું તેને ખાવા આપી દે છે. જીભ રૂપે પૂંછડી હલાવે પણ તે જોવાની કોને ફૂરસદ છે ? સૌ પોતપોતામાં વ્યસ્ત છે. ત્યાં છેલ્લે ઉલ્લુની (ઘુવડની) ઉંમર ૨૦ વર્ષ ભોગવવાનું શરૂ થઈ જાય છે. જેમાં આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, જીભ લોચા વાળે છે, લાળ ટપકે છે, લાકડી વિના ક્યાંય જવાતું નથી, તેથી આંધળાની જેમ તૂટેલી ખાટ કે ખાટલા ઉપર આખો દિવસ અને રાત બળાપા કરીને ગુજારવી પડે છે.

તેથી આ કથાનો સાર એ છે કે ઘડપણમાં ગોવિંદના ગુણ ગાશું તેવો વાયદો ન કરવો, યુવાનીમાં શરીર સારું હોય ત્યારે જે થાય તે બધો ધર્મ કરી લેવો, પુણ્ય પરોપકાર અને પર સેવાની એકેય તક જવા દેવી નહીં. પ્રભુની પ્રાર્થનામાં સ્વસ્થ જીવન માંગવું પણ લાંબુ આયુષ્ય માંગવું નહીં.ળ

- દિનેશ શાહ