- દુર્યોધન ક્રોધી સ્વભાવનો હતો. બધાની વચ્ચે થતો ઉપહાસ તેનાથી સહન ના થયો. નાનકડો દરબારી પણ તેની ઠેકડી ઉડાડે એ તેનાથી સહન ક્યાંથી થાય! હકીકતમાં તેને પાંડવોની સંપત્તિ જોઈ ઇર્ષ્યા થઈ હતી
કૌરવો અને પાંડવો વચ્ચે વધતા વેરભાવથી ભિષ્મ અને વિદુર જેવા વિદ્વાનોએ મહારાજ ધૃતરાષ્ટ્રને સલાહ આપી કે પાંડવોને તેમના ભાગનું રાજ્ય આપી દેવું. ધૃતરાષ્ટ્રે ક-મને નિર્જન, ખડકાળ, બિનઉપજાઉ ખાંડવવન પાંડવોને સોંપી દીધું. દુર્યોધન અને ધૃતરાષ્ટ્રને એમ હતું કે વનવગડામાં પાંડવો કેવી રીતે રહી શકવાના હતા ? પણ શ્રીકૃષ્ણના કહેવાથી મયદાનવે એ વનવગડાને પુષ્પવાટિકા, લતાકુંજો અને સુંદર જળાશયોથી સુશોભિત કરી ખાંડવપ્રસ્થ બનાવી દીધું. મયદાનવ શ્રેષ્ઠ સ્થાપત્ય વિશારદ શિલ્પી હતો. તેણે પાંડવો માટે અભૂતપૂર્વ, અજાયબ રાજભવન રચી આપ્યું. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞા કર્યો. સૌને નિમંત્રણ મોકલાવાયું. રાજા મહારાજાઓ અને કૌરવો પણ ત્યાં ગયા. દુર્યોધન ખાંડવપ્રસ્થનો વૈભવ જોઈ દંગ રહી ગયો. હસ્તિનાપુરનો એક પણ ખૂણો ખાંડવપ્રસ્થ જેટલો આકર્ષક નહોતો. જળ ત્યાં જમીન, જમીન ત્યાં જળ. ભીંત ત્યાં દરવાજા, દરવાજા ત્યાં ભીંત દેખાતી હતી. ભલભલા રાજા મહારાજાઓ ભ્રમમાં પડી જતા. ઘણા ખોટી જગ્યાએ અથડાઈ જતા, પડી જતા. દુર્યોધન પણ ભ્રમિત થઈ ગયો. જમીન હતી ત્યાં જળની આશંકાથી વસ્ત્ર ઉપર ઉઠાવતો એકવાર સ્ફટિકમણિ જેવા કમળોથી શોભતા જળને જમીન સમજી પડી ગયો. તે નીચે ફરસબંધી સમજ્યો હતો ત્યાં જળ હતું. તેને આમ પડેલો જોઈ ભીમ, અર્જુન, સહદેવ, નકુલ અને ત્યાં ઊભેલા રાજસેવકો પણ હસવા લાગ્યા. ઉપર ઝરૂખામાં સખીઓથી ઘેરાયેલી દ્રૌપદી પણ મશ્કરીપૂર્વક હસી પડી. (જોકે આજના કથાકારો 'આંધળાનો પુત્ર આંધળો' જેવું દ્રૌપદીએ કહેલું ટીકાત્મક કથન કહે છે એવો કોઈ શ્લોક મૂળ મહાભારતમાં નથી)
દુર્યોધન આમેય ક્રોધી સ્વભાવનો હતો. બધાની વચ્ચે થતો ઉપહાસ તેનાથી સહન ના થયો. નાનકડો દરબારી પણ તેની ઠેકડી ઉડાડે એ તેનાથી સહન ક્યાંથી થાય ! મામા શકુનિની નજર તેના પર પડી. તેને ધૂંઆપૂંઆ થતો જોઈ પૂછયું, '(દુર્યોધન કુતોમૂલં નિ:શ્વસન્નિવ ગચ્છસિ) દુર્યોધન, કેમ બેચેન થઈ રહ્યો છે ? અહીં તને દુ:ખી થવાનું કયું કારણ મળી ગયું ?' મયદાનવની સ્થાપત્ય કલા જોઈ ભલભલા ભ્રમિત થતા પણ એકલા દુર્યોધનને સામાન્ય મજાક અપમાનજનક લાગી હતી. હકીકતમાં તેને પાંડવોની સંપત્તિ જોઈ ઇર્ષ્યા થઈ હતી. તેમનો ઝળહળતો વૈભવ સહન થતો નહોતો. તેના મનમાં પાપપૂર્ણ વિચારો આવતા હતા. જે તેનાથી ના થયો તે રાજસૂય યજ્ઞા પાંડવોએ કરી બતાવ્યો હતો. તે જેમ જેમ વિચારો કરતો તેમ તેમ મનમાં થયેલા અપમાનના દુ:ખમાં ઉમેરો થતો હતો. ધોમધખતા ઉનાળામાં પાણીના ટીપાં સૂકાઈ જાય એમ તે ઇર્ષ્યાથી બળવા લાગ્યો. તેણે મામા શકુનિને કહ્યું, 'મામા, હવે હું સળગતી આગમાં પ્રવેશ કરી બળી મરીશ. ઝેર ખાઈ લઈશ અથવા પાણીમાં ડૂબીને મરી જઈશ. મારાથી હવે જીવાશે નહિ! ઇર્ષ્યાની આગથી મારી જે હાલત થઈ છે તે પિતાજીને કહી દેજો. હું હસ્તિનાપુર પાછો આવવાનો નથી. હવે મારે જીવવું નથી.' નાનકડી મજાકને અપમાન સમજી તે દુ:ખી થતો રહ્યો અને વિચારો કરી માનસિક અને શારીરિક દુ:ખ ઉમેરતો ગયો.
જીવનમાં દુ:ખ તો આવશે જ. જો આપણે દુ:ખની ક્ષણોને પકડી રાખીશું તો વધારે દુ:ખનો ઉમેરો થતો રહેશે. આવેલા દુ:ખ કરતાં તે વિષેના નકારાત્મક વિચારો દુ:ખને વધુ ઘેરું કરે છે. દુ:ખને પકડી રાખવાથી ભવિષ્યનો ભય વધે છે. વર્તમાનનું સુખ નષ્ટ થઈ જાય છે. હિંમત ભાંગી જાય છે, માનસિક શક્તિ ઓછી થતી જાય છે, આસપાસ રહેતા પ્રિયજનો પણ આપણને દુ:ખી જોઈ ઉદાસ થતા જાય છે, જો આપણે જાગૃત ના રહીએ તો જીવન રસહીન થતું જાય છે. કોઈપણ દુ:ખદ ઘટના વખતે મનનો અભિગમ કેવો રાખવો, અથવા દુ:ખને કયા દ્રષ્ટિકોણથી જોવું તે આપણી આંતરિક સમજ ઉપર છે. હકારાત્મક દ્રષ્ટિકોણથી મન વધારે દુ:ખી નથી થતું.
વિમ્બલ્ડન વિજેતા આર્થર એશને ૧૯૮૩માં હૃદયની બિમારી થઈ હતી. ઓપરેશન વખતે તેને લોહી ચઢાવવાની જરૂર પડી. સંજોગવશથી એ લોહીથી તેને એચ.આઈ.વી. પોઝિટીવનો જીવલેણ ચેપ લાગ્યો. એક પળ માટે તે સૂનમૂન થઈ ગયો. બીજાની માફક કોઈ ઉધામા ના કર્યા. રોકકળ ના કરી. મને શાંત રાખ્યું. જે બન્યું તે સ્વીકારી લીધું. તે મરણપથારીએ હતો ત્યારે એક પ્રશંસકે પૂછયું, 'સર, તમને એવું નથી લાગતું કે ઇશ્વરે તમારી સાથે અન્યાય કર્યો હોય ! તમને ફરિયાદ કરવાની ઇચ્છા નથી થતી કે ઇશ્વરે તમારી સાથે જ આવું કેમ કર્યું ?' ત્યારે એક સંતને શોભે એમ આર્થરે કહ્યું, 'ના, ઇશ્વર સામે મારે કોઈ ફરિયાદ નથી. જુઓ, દુનિયામાં કરોડો લોકો ટેનિસ રમે છે. તેમાંથી પાંચેક લાખ વ્યવસાયી ધોરણે ટેનિસ રમવાની લાયકાત કેળવે છે. પાંચેક હજાર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે છે. એમાંથી પચાસ ખેલાડી વિમ્બલ્ડન મેચ રમવા જાય છે. એમાંથી ય ચાર સેમિફાઈનલ અને ફક્ત બે જ ફાઈનલ સુધી પહોંચે છે. મેં ત્રણ ગ્રાન્ડ સ્લેમ અને લગભગ એકાવન ટાઈટલ્સ જીતેલા છે. વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ જીતીને કપ હાથમાં લીધો હતો ત્યારે હું ખુશ હતો. ઘણો ખુશ ! ત્યારે મેં ઇશ્વરને નહોતું પૂછયું કે હું જ આ કપ શા માટે જીત્યો !! આ જિંદગી પણ રમત જેવી છે. રમત ક્યારેક તો પૂરી થવાની જ છે. મારા માટે મહત્વનું એ છે કે ટેનિસની રમતની માફક જિંદગીની રમતનું ટાઈટલ પણ હું હસતાં હસતાં જીતી શકું અને તેના એક ખાસ મિત્રએ કહ્યું હતું કે આર્થરે સહેજ પણ કણસ્યા વગર છેલ્લા શ્વાસ લીધા હતા.
એક વૃક્ષ પરથી ફળ નીચે પડે ત્યારે કયું બળ કામ કરતું હશે ? કદાચ ફળ પાકી ગયું હોય, વાવાઝોડું આવ્યું હોય, ડાળીનો એ ભાગ સડી ગયો હોય, વૃક્ષને કોઈએ હલાવ્યુ ંહોય અથવા માળીએ ચૂંટયું હોય. ફળ પડયાનું એકાદ નિમિત્ત જરૂર બન્યું હશે. સંસાર વૃક્ષની ડાળી પરથી આપણી જિંદગીનું ફળ ગમે તે નિમિત્તે ખરી કે પડે એમાં દોષ કોને દેવાનો ? કર્મના પરિણામમાં નિમિત્ત બનનારને દોષ દેવાથી આવેલા દુ:ખમાં ઉમેરો જ થાય છે. જરૂર એ સાક્ષી બની પસાર થતી ઘટનાને પકડયા વગર પસાર થવા દેવી કારણ કે નિમિત્ત કે ઘટના નહિ આપણું મન જ આપણને સુખી કે દુ:ખી કરે છે.
- સુરેન્દ્ર શાહ


