mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઢીંગલીનો સંદેશ : ''હું વર્લ્ડ-ટૂર પર ગઈ છું''

Updated: Jul 10th, 2024

ઢીંગલીનો સંદેશ : ''હું વર્લ્ડ-ટૂર પર ગઈ છું'' 1 - image


- પ્રભાતના પુષ્પો- ગુણવંત બરવાળિયા

એ ક સાત-આઠ વર્ષની બાલિકા અરહા, એના મિત્રો સાથે ગાર્ડનમાં જતી અને એની મિત્ર ઢીંગલી સાથે રમતી. બગીચામાં રંગબેરંગી પતંગિયાં, કોયલનો ટહુકાર, અનેકવિધ પુષ્પો, ભ્રમર અને ફુલથી બીજા ફૂલ પર પરાગરજ પ્રસરાવતા મધુર ગુંજન કરે... એ બંધાનો અરહા મુગ્ધભાવે આસ્વાદ માણે અને નિર્દોષભાવે ઢીંગલી સાથે રમવામાં કેટલોક સમય પસાર કરે છે.

આ જ બગીચામાં એક પ્રૌઢ અને ગંભીર એવા દિલીપભાઈ દરરોજ આવતા, અરહા અને તેની બાળમિત્ર ઢીંગલીને કિલ્લોલ કરતાં નિહાળી આનંદિત થતા. એક દિવસ અરહા તેની પ્રિય ઢીંગલીને વૃક્ષ નીચે મૂકી તેના બાલમિત્રો સાથે દોડાદોડી અને ધીંગામસ્તી કરતી બગીચામાં ઘણી દૂર ચાલી ગઈ. પાછી આવી અને વૃક્ષ નીચે જ્યાં ઢીંગલી રાખી હતી ત્યાં ગઈ, પણ ત્યાં ઢીંગલી ન હતી. તે આકુળવ્યાકુળ થઈ ગઈ, ઘણી જગ્યાએ ઢીંગલીની શોધખોળ કરી, પરંતુ ઢીંગલી ન મળી અને તે દુ:ખી થઈ ગઈ. એવામાં વોક કરતા દિલીપભાઈ ત્યાંથી પસાર થતા હતા. અરહાનો રડમસ ચહેરો જોઈ અને કહ્યું કે, 'બેટા શું થયું ? પડી ગઈ ? ક્યાં વાગ્યું?' અરહા કહે, 'ના અંકલ, હું મારી ઢીંગલી અહીં રાખીને ગઈ' તી પણ પાછી આવીને જોયું તો ઢીંગલી ન હતી.'દિલીપભાઈએ કહ્યું, 'અત્યારે ઘણું મોડું થયું છે. કાલે હું પણ થોડો વહેલો આવી જઈશ અને આપણે બન્ને મળીને ઢીંગલીને શોધી લઈશું.' અરહા કહે, અંકલ, મેં બધેં જ જોયું, સાચે જ મને ક્યાંય ન મળી. મારી પ્રિય ઢીંગલી ખોવાઈ ગઈ છે' દિલીપભાઈએ તેને આશ્વાસન આપી વિદાય કરી. બીજે દિવસે દિલીપભાઈ ગાર્ડનમાં થોડા વહેલા આવ્યા અને અરહાની રાહ જોતા બેન્ચ પર બેઠા. અરહા આવી એટલે તેમણે તરત જ પૂછયું, 'અંકલ, શું મારી ઢીંગલી મળી ?' દિલીપભાઈએ કહ્યું, 'ઢીંગલી તો નથી મળી, પણ તારા પર ઢીંગલીએ એક પત્ર લખ્યો છે તે મળ્યો.' અરહાએ ઝડપથી તે પત્ર હાથમાં લીધો. ઢીંગલીનો સંદેશ હતો કે, 'પ્રિય અરહા! હું વર્લ્ડ-ટૂર પર ગઈ છું, હું તને જે-જે સ્થળોએ જઈશ તેનું વર્ણન કરતો પત્ર મોકલતી રહીશ, તું પ્રસન્ન રહેજે.' દિલીપભાઈએ કહ્યું, 'હવે તો તું ખુશ ને ? તારી ઢીંગલી તો દુનિયાની સફરે ગઈ છે અને તને યાદ પણ કરે છે!'

બે દિવસ પછી દિલીપભાઈએ અરહાને ઢીંગલીનો પત્ર આપ્યો. 'અમેરિકામાં આજે મેં નાઈગ્રા ધોધ જોયો, ખૂબ મજા આવી. સ્ટેચ્યુ ઓફ લીબર્ટી પણ જોયું, તને ખૂબ યાદ કરી.' પત્ર વાંચીને તો અરહા હર્ષિત થઈ ને નાચવા-કૂદવા લાગી. થોડા દિવસ પછી દિલીપભાઈને તેને યુરોપની યાત્રાની વિગતો જણાવતો પત્ર આવ્યો, જેમાં તેણ એફિલ ટાવર વગેરેનું હૂબહૂં વર્ણન કરેલું.

સમાંતરે દિલીપભાઈ બગીચામાં વહેલાસર પહોંચી બેન્ચ પર બેઠા હતા. અરહા આવતાં જ તેને કહ્યું કે, 'જો, આ તારી ઢીંગલી વર્લ્ડ-ટૂર કરીને પાછી આવી ગઈ છે.' અરહાએ ઢીંગલી હાથમાં લઈને કહ્યું કે, 'અંકલ, આ મારી ઢીંગલી નથી.' દિલીપભાઈએ કહ્યું કે, 'આ ઢીંગલીની બાજુમાંથી એક પત્ર પણ મને મળ્યો છે' અને તેમણે એ પત્ર અરહાને આપ્યો. ઢીંગલીએ કહ્યું હતું કે, હું વર્લ્ડ-ટૂરથી પાછી આવી ગઈ છું, પણ મને જોઈને તું એમ વિચારીશ કે આ મારી ઢીંગલી કેમ હોય શકે ? માટે જ હું તને આ પત્ર લખી રહી છું. વર્લ્ડ-ટૂર કરવાને કારણ મારો રંગ બદલાઈ ગયો છે. મારું કદ અને વસ્ત્ર પણ બદલાઈ ગયાં છે, પરંતુ હું જ તારી પ્રિય ઢીંગલી છું.' અરહાએ આનંદિત થઈ ઢીંગલીને છાતીસરસી ચાંપી દીધી અને અંકલને પ્રણામ કરી ઢીંગલીની સાથે બગીચામાં નીકળી ગઈ.

સમય સરતો ગયો. અરહા બાળપણમાંથી તરુણી બની ગઈ હતી. અચાનક એક દિવસ એના હાથમાં ઢીંગલી આવી, જાણે તેના સ્મરણ-મંજૂષામાંથી કેટલીક મધુર યાદોનો પંખીઓ ઊડયાં. ઢીંગલીને નિહાળી આમતેમ ફેરવી તો તેના વસ્ત્રોમાંથી તેને એક ચિઠ્ઠી મળી. તેમાં લખ્યું હતું કે, 'પ્રિય અરહા! પરિવર્તનનો સ્વીકાર એ જ આપણા જીવનના વિકાસનું પરિબળ છે. પ્રેમ અને સ્નેહના સ્વરૂપો બદલયા છે, પણ પ્રેમ ચિરંજીવ રહે છે. 'તું પ્રગતિ કરી રહે' એવા દિલીપ અંકલના આશીર્વાદ અને તેમાં વર્ષો પહેલાંની તારીખ લખી હતી.

હવે અરહાને સમજાયું કે,ઢીંગલીનું સ્વરૂપ બદલાયું પણ દિલીપ અંકલના પત્રોએ મને પ્રસન્ન રાખી.

બર્લિનના લેખક લેરીસા થ્યૂલ આ દૃષ્ટાંત દ્વારા સંદેશ આપે છે કે, કોઈના દર્દને દૂર કરવું અને તેને ખુશ રાખવા, તે સદાચારનું એક લક્ષણ છે. ભગવાન મહાવીરના વીતરાગ ધર્મમાં આ વાત સુપેરે સમજાવી છે કે, અન્યનું દુ:ખ જોઈ આપણે એના દુ:ખની અનુભૂતિ કરી, એ દુ:ખ દૂર કરવાનો પુરુષાર્થ કરીએ, આ સમાનુભૂતિ દ્વારા આપણામાં સંવેદના પ્રગટ થશે જે સ્વર પર કલ્યાણકારક છે. અહીં દિલીપ અંકલની સંવેદના - વાત્સલ્યભાવ અને બાલિકાના નિર્દોષભાવે જીવનની એ ક્ષણોમાં કાંચતમણિ યોગનું સર્જન કર્યું.

Gujarat