- પરોપકારી વૃક્ષ પરથી લોકો ભલે ગમે તેટલા ફૂલ કે ફળ ચૂંટી જાય, વૃક્ષ ખાલી થતું નથી. વહેતી નદીમાંથી લોકો ગમે તેટલું જળ ભરી જાય નદી ખાલી થતી નથી
છાંદોગ્ય ઉપનિષદમાં એક બ્રાહ્મણની વાત આવે છે. એકવાર કુરૂદેશમાં ભયંકર દુકાળ પડયો. પ્રજાના ઘરોમાં અનાજ ખલાસ થઈ ગયું. પ્રજા અન્નના અભાવથી દેશ છોડી ભાગવા લાગી. ત્યાં ઉષસ્તિ નામનો એક દાની બ્રાહ્મણ રહેતો હતો. તેની યુવાન પત્નીનું નામ આટિકી હતું. તેઓ પણ કુરૂદેશ છોડી અહીં-તહીં ભટકવા લાગ્યા. ખાધા વગર તેમના શરીર અશક્ત થઈ ગયાં હતાં. ઉષસ્તિને છાંટો જળ પીવા મળ્યું નહોતું. તે નબળો થઈ ગયો હતો. એટલામાં નજીકના ગામમાં તેમણે એક મહાવતને જોયો. એ હાંડલીમાં અડદ ઉકાળીને ખાઈ રહ્યો હતો. ઉષસ્તિ પગ ઘસડતાં તેની ઝૂંપડી સુધી પહોંચ્યો. બેસી પડયો. મહાવતે તેની સૂકી આંખોમાં ભૂખની લાચારી જોઈ. મહાવત ઉદાર દિલનો હતો. તે ઉષસ્તિની આંખોથી બોલાતી ભૂખની ભાષા સમજી ગયો. ઝૂંપડીમાં ગયો. બન્ને માટે તે પતરાળી લાવ્યો. થોડા થોડા અડદ બન્નેને આપ્યા. તેઓ એટલા ભૂખ્યા હતા કે કેવી રીતે ખાય છે તેની સૂઝ પણ ના રહી. પતિ-પત્નીના પેટમા અન્ન ગયું અને જાણે જીવમાં જીવ આવ્યો. મહાવતે કહ્યું, 'ભાઈ, હવે અડદ તો નથી રહ્યા. આ થોડું જળ છે. પી લો.' ઉષસ્તિએ મહાવતની સામે જોયું. હાથ જોડી ઇન્કાર કર્યો. મહાવત આશ્ચર્ય પામ્યો. ઉષસ્તિએ કહ્યું, 'હે ઉપકારી મહાશય, તમે કરેલી વિનંતી મને યોગ્ય લાગતી નથી. (ન હિ પ્રાણૈ પ્રિયતમં લોકે કિંચન વિદ્યતે) સંસારમાં પ્રાણ કરતાં વધુ પ્રિય બીજી કોઈ વસ્તુ નથી. હું ભૂખ્યો હતો. ભૂખના લીધે મારા પ્રાણ જાય એવી સ્થિતિ હતી. તમે ઉપકાર કરીને અડદ ના આપ્યા હોત તો કદાચ હું મરી જાત ! પ્રાણ બચાવવા મારે ઉપકાર લેવો પડયો પણ તમારા જળ ઉપર મારો હક્ક ના ગણાય. જળ તો મને વહેતી નદીમાંથી ગમે ત્યાંથી મળી જશે. તમારા અંત:કરણના તળિયે વહેતું કરૂણાનું પવિત્ર જળ મેં પી લીધું છે. ક્યારેક મને પણ એ પવિત્ર જળ વહેતો કરી દેશે. આજ્ઞા આપો.' ઉષસ્તિ અને તેની પત્ની આગળ વધ્યાં. રસ્તામાં ઉષસ્તિને સમાચાર મળ્યા કે એક રાજા યજ્ઞાકાર્ય માટે ક્યારના તેને શોધી રહ્યા છે. તેની ભાળ ના મળતાં બીજા ઋત્વિજો પાસે યજ્ઞાકાર્ય શરૂ કરાવ્યું છે. ઉષસ્તિ તરત તે રાજ્યમાં જઈ રાજાને મળ્યો. રાજાએ આદરપૂર્વક તેનું સ્વાગત કર્યું અને હવે પછીનું યજ્ઞાકાર્ય પૂર્ણ કરાવવા વિનંતી કરી. ઉષસ્તિએ બ્રાહ્મણો સામે જોયું. પછી રાજાને કહ્યું, 'મહારાજ, આ ઋત્વિજો પણ જ્ઞાની છે. તેમને હટાવશો નહિ. તેઓ મારી આજ્ઞા અનુસાર યજ્ઞાકાર્યમાં સહભાગી થશે. અમે સૌ સાથે મળીને આ યજ્ઞાકાર્ય પૂર્ણ કરીશું. તમે મને જે દક્ષિણા આપો તે સર્વને સરખા ભાગે આપજો અને ત્યારબાદ ઋત્વિજોને સાથે બેસાડી ખૂબ જ ભક્તિભાવપૂર્વક યજ્ઞાકાર્ય સંપન્ન કરાવ્યું. સૌ એ ઉષસ્તિનું બહુમાન કર્યું.
પરોપકારી વૃક્ષ પરથી લોકો ભલે ગમે તેટલા ફૂલ કે ફળ ચૂંટી જાય, વૃક્ષ ખાલી થતું નથી. વહેતી નદીમાંથી લોકો ગમે તેટલું જળ ભરી જાય નદી ખાલી થતી નથી. એમ સજ્જનો ગમે તેટલો ઉપકાર કરે તેમની સજ્જનતા ઘટતી નથી. દયા હમેશાં ઉપકાર કરવાના કારણો શોધે છે. માણસાઈ અકારણ ઊતરે છે. લોભ, લાલચ અને સ્વાર્થ કાનથી બહેરાં હોય છે. તેમને ઉપકારનું કર્ણપ્રિય સંગીત સંભળાતું નથી.
મહાભારતમાં દુર્યોધન સાથે મિત્રતાની આડમાં કર્ણ ઘણા અધર્મ આચરે છે છતાં તેની સૌજન્યતા, દાનશીલતા અને પરોપકારવૃત્તિ ભૂલાય તેમ નથી. જ્યારે મહાભારતનું યુદ્ધ નક્કી થઈ ગયું ત્યારે દેવરાજ ઇન્દ્રને પોતાના પુત્ર અર્જુનની ચિંતા થઈ. ઇન્દ્રને ડર હતો કે યુદ્ધમાં કર્ણની શક્તિથી અર્જુન પર આફત આવી શકે છે. તે વૃદ્ધ બ્રાહ્મણનો વેષ ધારણ કરી કર્ણ પાસે ગયો. અને જન્મજાત મળેલા અમૂલ્ય કવચ અને કુંડળ માંગી લીધા ! કર્ણ પાસે સામાન્ય વ્યક્તિ પણ તેની ઇચ્છિત વસ્તુ મેળવીને પાછી ફરતી હતી પણ કદી કોઈએ એવો હક્ક જતાવ્યો નહોતો કે જે આપતાં કર્ણ સાવ પાંગળો થઈ જાય. સ્વર્ગના વૈભવમાં આળોટતા ઇન્દ્રનું કર્ણ પાસે માંગવા જવું એક છળ હતું. ચતુરાઈપૂર્વકની છેતરામણી હતી. કર્ણની પરોપકારવૃત્તિ, દાનશીલતા તેની માણસાઈ હતી. તેના પર ઇન્દ્રનો જરાય હક્ક નહોતો. કર્ણની ભલમનસાઈનો ઇન્દ્રએ ભરપૂર દુરૂપયોગ કર્યો હતો.
અણી વખતે મદદ કરવામાં સ્વાર્થ ના હોય, ગણત્રી ના હોય. હિસાબ ના હોય, બીજો વિચાર ના હોય. અંત:કરણના અનાજનું જ્યારે જ્યારે માનીએ ત્યારે ત્યારે જે કરીએ તે ભાવાવેશમાં થતું હોય છે. તે બુદ્ધિગમ્ય નથી હોતું, હૃદયગમ્ય હોય છે. ત્યારે આપવું એ જ પામવું લાગે છે. જીવ રોમેરોમ આનંદમાં હોય છે. શ્રી વિનોબા ભાવે ભુદાન યાત્રા કરતા. તેમની પાછળ પાછળ રવિશંકર મહારાજ પદયાત્રા કરતા. મહારાજ પદયાત્રા કરતા કરતા સાબરકાંઠાના એક નાના ગામમાં પહોંચ્યા. ગામ વચ્ચે બેસે. બેઠા બેઠા રેંટિયો કાંતતા રહે. ગામમાંથી જેને જે આપવું હોય તે મહારાજને આપે. મહારાજ ગામમાંથી જેને જરૂરિયાત હોય તેને બોલાવી તે વસ્તુ આપે. ત્યાં એક માજી આવ્યા. 'મહારાજ, હું એકલી છું. મારે નાના નાના બે ઘર છે. એકમાં હું રહું છું અને બીજા ઘરમાં બકરીઓ રાખું છું. મહારાજ, બકરીઓ તો વાડામાં પણ રહી શકે. આ બીજું ઘર દાનમાં લેશો !' મહારાજ માજીની અમીરાઈ જોઈ નતમસ્તક થઈ ગયા. તેમણે પૂછયું, 'તમારા ગામમાં કોઈ ઘર વગરનો માણસ છે ? હોય તો તેને બોલાવીએ.' માજીએ થોડું વિચારીને કહ્યું, 'હા, મહારાજ, ગામમાં એક રાવળીયો રહે છે. એને ઘર નથી. એ બાપડાને ઘર આપશો તો રાજી થશે.' મહારાજે રાવળીયાને બોલાવ્યો. મહારાજે બધી વાત કરી. એ તો રાજીનો રેડ થઈ ગયો. મહારાજને અને માજીને પગે પડયો.
મહારાજે તેને કહ્યું, 'જો ભાઈ, એક શરતે તને આ ઘર અપાવું છું. આ માજી જીવે ત્યાં સુધી તારે એમની સેવા કરવી પડશે.' હજુ મહારાજ આગળ કંઈ બોલે એ પહેલાં માજી બોલી ઉઠયાં. 'થોભો મહારાજ થોભો. એની પાસે ઘર નથી એટલે એને હું ઘર આપું છું. મારી સેવા કરાવવા નથી આપતી. આજથી ઘર ઉપર તેનો હક્ક છે. મારે એની પાસે શેની આશા રાખવાની! મહારાજ, એટલું લખાણ કરી દો કે મારા મરી ગયા પછી એની પાસે ઘર કોઈ પાછું ના લઈ શકે. બસ.' કોઈ પણ આશા વગરનો આ છે પરોપકાર. સાચી માણસાઈ. બીજાને દેવાદાર બનાવવા કદી ઉપકારના કરવો.
- સુરેન્દ્ર શાહ


