Get The App

અભિગમ અને આલોચનાનો અર્થભેદ તમે જાણો છો ?

Updated: Jan 11th, 2023

GS TEAM

Google News
Google News
અભિગમ અને આલોચનાનો અર્થભેદ તમે જાણો છો ? 1 - image


- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ

ધ ર્મની શૈલીમાંથી એની પરિભાષા ઉગતી હોય છે. ધર્મના અનુયાયીઓના સ્વભાવમાંથી એના શબ્દો સર્જાતા હોય છે. સામાન્ય રીતે વ્યવહારમાં કોઈના વખાણ કરીએ, તો તેને પ્રશંસા કહેવામાં આવે છે. પ્રશંસા એટલે એ વ્યક્તિનું મહિમાગાન. જ્યારે જૈન ધર્મમાં એને માટે એક અદ્ભુત શબ્દ વપરાયો છે અને તે છે અનુમોદના. એનો અર્થ એ છે કે એના સારા કાર્યની આપણે અનુમોદના કરીએ છીએ. વળી આ અનુમોદનાનો એટલો અપાર મહિમા છે કે ન પૂછો ને વાત. તો આવા બીજા કેટલીક જૈન ધર્મની પરિભાષા જોઈએ.

અવર્ણવાદ : ગુણવાન વ્યક્તિઓમાં દોષારોપણ કરવું, ગુણીજનોની નિંદા કરવી કે એમના દોષનું કથન કરવું. (૧) તેમના પૂર્ણ જ્ઞાનાદિમાં શંકાસ્પદ કથન કરવું તે કેવળી અવર્ણવાદ, (૨) માંસાહાર રાત્રિભોજનમાં કોઈ દોષ નથી તેવું શાસ્ત્ર વિરૂદ્ધ કહેવું તે શ્રુતજ્ઞાન અવર્ણવાદ, (૩) શ્રમણ સાધુજનો પ્રત્યે અશુચિ જોવી, તેમના સંયમમાં દોષ જોવો અને કહેવો, (૪) વીતરાગ ધર્મમાં અલ્પતા જોવી કે કહેવી તે અવર્ણવાદ, (૫) વૈક્રિય દેવોના દોષોનું કથન કરવું તે દેવઅવર્ણવાદ.

અસ્તેય : ચોરીરહિત. (સ્તેય : ચોરી) ત્રીજું અણુવ્રત તથા મહાવ્રત છે. શ્રાવક માલિકની રજા વગર માર્ગમાં પડેલા કોઈ પણ અણહક્કના પરદ્રવ્યને ગ્રહણ કરતો નથી કે અન્યને આપતો નથી તે સ્થૂલ અણુવ્રત છે. ક્રોધ, માન, માયા કે લોભવશ અન્યની વસ્તુને ગ્રહણ ન કરે. અન્યથી ભુલાઈ ગયેલી વસ્તુને ગ્રહણ ન કરે. જે મળે તેનાથી સંતોષ માને છે. અન્યના ધનને ગ્રહણ કરતો નથી કે પુત્રાદિકને આપતો નથી. અન્યાયપૂર્વક ધન ગ્રહણ ન કરે. તે શ્રાવકનું ત્રીજું અણુવ્રત છે. જીવો આર્તધ્યાન વડે જીવતપર્યંત દુઃખી થાય છે. તેથી એ ચોરીનું કાર્ય પાપજનક નિંદનીય છે. દૃઢ શ્રાવણ મૃત્યુનો સ્વીકાર કરશે પણ ચોરી ન કરે.

અસ્તેય મહાવ્રત : સાધુજનોનું અસ્તેય મહાવ્રત કહેવાય છે. કોઈ પણ સ્થળે પડેલી કે આપ્યા વગરના સચિત-અચિત પદાર્થો સ્થૂલ કે સૂક્ષ્મ પણ અલ્પાધિકપણે મન, વચન, કાયાથી સદાને માટે ત્યાગ કરે. સ્વામીની મંજૂરી વગર ઉપકરણ ગ્રહણ ન કરે. જરૂર હોય અને ગ્રહણ કરે તો તેમાં આસક્તિ ન રાખે. વિના પ્રયોજને યાચના ન કરે. સંયમને ઉપયોગી વસ્તુને - ઉપકરણને ગ્રહણ કરે, માલિકની મંજૂરી વગર ઘરમાં પ્રવેશ ન કરે વગેરે અચૌર્યવ્રતની ભાવના છે. અન્યથા અતિચાર લાગે. યદ્યપિ ચોરીના દોષથી જીવ અધોગતિ પામે છે. સર્વત્ર દુઃખ અને દારિદ્ર પામે છે. ચોરી એ હિંસાનો ભાવ છે.

અનુમોદના : અનુ એટલે પાછળ અને મોદ એટલે પ્રમોદ અથવા હર્ષ. આમ અનુમોદના શબ્દ થયેલા સુકૃતની પાછળ પ્રમોદ વ્યક્ત કરવાનું સૂચન કરે છે. કોઈ અન્ય વ્યક્તિ સુકૃત કરે અને આપણે એની પ્રશંસા કરીએ, તે અનુમોદના કહેવાય. આપણી સુકૃત કરવાની શક્તિ મર્યાદિત હોય છે, પરંતુ આપણે જગતમાં થતાં સુકૃતોની અનુમોદના કરી શકીએ છીએ. તે સુકૃત કર્યા બરાબર જ ગણાય. શાસ્ત્રો કહે છે કે અનુમોદનાથી કોટિગણું ફળ મળે છે. આપણે જાતે કદાચ કોઈ મોટું સત્કાર્ય ન કરીએ, પરંતુ બીજાનાં સત્કાર્યોની અનુમોદનાથી અનંતભવોનાં આપણાં દુષ્કૃત્યો બળીને ખાખ થાય છે અને આત્મશુદ્ધિ થાય છે.

આગમસાહિત્ય : મૂલ વૈદિક શાસ્ત્રો જેમ 'વેદ' કહેવાય છે. બૌદ્ધ શાસ્ત્રો જેમ 'પિટક' કહેવાય છે તેમ જૈનશાસ્ત્રો 'શ્રુત', 'સૂત્ર' કે આગમ કહેવાય છે. સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આમ્નાય અને જિનવચન એ બધાયે આગમના પર્યાયવાચી શબ્દો છે.

આપ્તનું વચન તે આગમ. જૈન દૃષ્ટિએ રાગદ્વેષના વિજેતા, સર્વજ્ઞા, સર્વદર્શી જિન તીર્થંકર આપ્ત છે. તીર્થંકર કેવલ અર્થરૂપમાં ઉપદેશ આપે છે અને ગણધર તેને ગ્રંથબદ્ધ કે સૂત્રબદ્ધ કરે છે. જૈન આગમોની પ્રમાણિક્તા માત્ર તે ગણધરકૃત હોવાને લીધે જ નથી, પણ તેના અર્થના પ્રરૂપક તીર્થંકરની વીતરાગના અને સર્વાર્થસાક્ષાત્કારિત્વને લીધે છે. ગણધર તો માત્ર દ્વાદશાંગીની જ રચના કરે છે. અંગો સિવાયનાં આગમોની રચના સ્થવિર કરે છે.

આયંબિલ વર્ધમાન તપ : પ્રસિદ્ધ તપ. જે કર્મના રસને તપાવે એટલે કે બાળી નાખે તે તપ છે. વિગઈનો ત્યાગ તે રસત્યાગ છે. વિગઈ એટલે વિકૃતિ. જે રસના સેવનથી મન, વચન અને કાયામાં વિકૃતિ આવે તે વિગઈ. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને મેવા-મીઠાઈ- આ છ વિગઈઓ છે અને છ વિગઈના ત્યાગપૂર્વક કરાતું એકાસણું તે આયંબિલ કહેવાય છે. આયંબિલ એ ઉત્તમ પ્રકારનું તપ છે. રસનેન્દ્રિયને જીતવા માટેનો અમોઘ ઉપાય છે. ચડતા ક્રમે ઓળી કરવી તે વર્ધમાન તપ કહેવાય છે.

આગમ : ગણધર ભગવંતોએ રચેલાં મૂળ શાસ્ત્રો તથા ગીતાર્થ આચાર્યોની પરંપરા યુક્ત મૂળ સિદ્ધાંતશાસ્ત્રોને આગમ કહે છે. સવિશેષ પક્ષપાતરહિત વીતરાગ પ્રભુ દ્વારા પ્રતિપાદિત, પૂર્વાપર વિરોધથી રહિત આગમો પ્રમાણ છે. જેમાં જીવાજીવાદિ સમસ્ત પદાર્થોનું તથા લોકનાં સ્વરૂપનું પ્રમાણિત નિરૂપણ છે. આપ્તપુરુષના વચન આદિથી રચેલા પદાર્થના જ્ઞાનને આગમ કહે છે.

આરતી : આનો મૂળ સંસ્કૃત શબ્દ 'આરાત્રિક' છે. એનો અર્થ છે રાત પડતી હોય ત્યારે દીવો પ્રગટાવવો તે. પરંતુ ધીરે ધીરે આરતી પૂજાના અંત સમયના દીવા તરીકે પ્રચલિત બની. આરતી ઉતારતી વખતે દક્ષિણાવર્ત રીતે ઉતારવી એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ ઉતારવી. ત્રણ વાર નીચે અને ત્રણ વાર ઉપર એમ આવર્ત લેવા એટલે કે ફેરવવી. નાકથી ઉપર અને નાભિથી નીચે આરતી લઈ જવી જોઈએ નહીં.

આત્મા : એક સ્વાતંત્ર્ય ચેતન તત્ત્વ. સામાન્ય માનવીઓ પોતાના દેહને જ આત્મા માને છે, પરંતુ શરીર અને આત્મા બંનેનાં લક્ષણ અને સ્વરૂપ ભિન્ન છે. જે વ્યક્તિના મૃત્યુ સમયે સમજાય તેવું છે. દેહ આદિ પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે લક્ષણોવાળા છે. જ્યારે આત્મા જ્ઞાન, દર્શન અને અનુભવાત્મક છે. દેહ આદિ અને અંત ધરાવે છે એટલે કે જન્મ અને મરણ ધરાવે છે, જ્યારે આત્મા અનાદિ, અનંત અને અરૂપી છે. એ ઈંદ્રિયોથી અગોચર છે. શરીર જન્મ, જરા, મરણ અને રોગ ધરાવે છે, તો આત્મા એ અજર, અમર, અરોગી અને શાશ્વત છે. આત્મા એ દેહ નથી, પણ કર્મવશ દેહને ધારણ કરનારો છે. બંનેનો સંયોગ કર્મને કારણે થતો હોય છે.

આલોચના : પોતાના થયેલા દોષોનું ગુરુ પાસે નિવેદન કે કથન કરવું એ આલોચના છે. શ્રુતજ્ઞાનના રહસ્ય જાણનારા, નિરાસ્ત્રવી, રત્નત્રયના આરાધક, વીતરાગી એવા ગુરુ સમક્ષ પોતાના દોષ નિષ્કપટ ભાવથી કહેવા. આલોચના એ એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે. આલોચનાના સાત પ્રકાર છે - (૧) દૈવસિક, (૨) રાઈ, (૩) ઇર્યાપથિક, (૪) પાક્ષિક, (૫) ચાતુર્માસિક, (૬) સાંવત્સરિક, (૭) ઉત્તમાર્થ.

ચારિત્રનું આચરણ કરતાં જે કાંઈ અતિચાર લાગે એની પશ્ચાત્તાપપૂર્વક નિંદા (ગર્હા) કરવી એ આલોચના છે. શુદ્ધ ભાવથી પોતાના દોષોની કબૂલાત કરવાથી ભાવોની શુદ્ધિ થાય છે.

આત્માનુભવ-આત્માનુભૂતિ : પારમાર્થિક આનંદનો અનુભવ શુદ્ધાત્માનો અનુભવ છે. તેની મોક્ષમાર્ગમાં પ્રધાનતા છે. આત્માનુભવ ઈન્દ્રિય અગોચર સ્વ-સંવેદ્ય છે. જેનો ઉપયોગ રાગદ્વેષરહિત હોય, સ્વભાવમાં સ્પર્શેલો હોય, કર્મોદયથી ભિન્ન હોય તે એવા જ્ઞાન શુદ્ધ ચારિત્રના વૈભવબલથી જ્ઞાનચેતનાનો અનુભવ કરે છે. સમ્યગ્દર્શન નિશ્ચયથી આત્માના અનુભવ વડે થાય છે.

આનુપૂર્વી : એક ભવથી બીજા ભવમાં જવા - આકાશ શ્રેણીમાં જીવને કાટખૂણે વાળનારું કર્મ. 

આનુપૂર્વી : નામકર્મનો ભેદ છે. જેના ઉદયથી પૂર્વ શરીરના આકારનો નાશ નથી થતો. પૂર્વ શરીર છૂટે અને ઉત્તર શરીરની પ્રાપ્તિ થતાં આકાશ શ્રેણીએ જતા જીવને અંતરાલ વર્તી જે સમય જાય તેમાં જીવપ્રદેશોનો મરણના પહેલાંનો વિશિષ્ટ આકાર તે આનુપૂર્વી છે. આ નામકર્મથી જીવ બાંધેલી ગતિ પ્રત્યે ગમન કરે છે. ચાર ગતિને આધારે આનુપૂર્વી ચાર પ્રકારની છે.

આનુપૂર્વીના ત્રણ પ્રકાર છે : પૂર્વાનુમુખી, પરંપરાથી ચાલી આવતી હોય તે, જેમકે પ્રથમ તીર્થંકરથી ચોવીસ તીર્થંકરની વંદના ક્રમશઃ કરવી.

યથાતથાનુપૂર્વી : પહેલા સોળમા ભગવાનની પછી બારમા પછી ચોવીસમાં એમ વંદના કરે તે.

પશ્ચાનુપૂર્વી : અંતના ક્રમને લઈને આદિ ક્રમમાં જવું તે. જેમકે શમ સંવેગને બદલે અનુકંપા, આસ્તિકયથી વિચારવું. 

જૈન ધર્મની પરિભાષાના આ લેખો અંગે અનેક લોકોએ જિજ્ઞાસા અને ઉત્સુક્તા પ્રદર્શિત કરી. આ પરિભાષાનો સિલસિલો આપણે થોડા સમય બાદ ફરી ચાલુ કરીશું. આમાં જેમણે ઊંડો રસ લીધો છે અને આનંદ વ્યક્ત કર્યો છે, તે સહુનો આભાર માનીએ છીએ.

Tags :