Get The App

આ૫ણે કેદી થવું છે કે રાજા? .

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
આ૫ણે કેદી થવું છે કે રાજા?                                                  . 1 - image

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

પારસમલ શેઠ પૌત્ર ઋષભને કહે છે, 'વીતરાગવાટિકા ઉદ્યાનમાં ગુરુદેવ પધાર્યા છે.' તેમને આપણા ધર્મસ્થાનકમાં પધારવા વિનંતી કરી છે તો બેટા, આપણે તેમને તેડવા જવાનું છે. તું જવા માટે તૈયાર થઈ જા.' શેઠ પૌત્ર ઋષભને બૂમ પાડે છે, ''જલ્દી આવ. ઋષભ દોડતો ઝરૂખામાં આવે છે. શેઠ કહે, 'બે હાથ જોડ, રાજાજી જઈ રહ્યા છે.' ઋષભ કહે, 'દાદા, આમાં રાજા કોણ છે એ કેમ ખબર પડે ?' શેઠે કહે, 'જો, આગળ બે, બન્ને બાજુમાં એક-એક એક બે અને પાછળ એક એ પાંચની વચ્ચે જે ચાલી રહ્યાં છે એ રાજા છે. બાળક ઋષભના માનસપટ પર અંકિત થઈ ગયેલું કે, 'પાંચની વચ્ચે જે જઈ રહ્યાં છે તેને રાજા કહેવાય.'

દાદા અને પૌત્ર ઉદ્યાનમાં પહોંચે છે. ગુરુદેવ મંગલપાઠનું ઉદ્ઘોષ કરે છે અને ધર્મસ્થાનક તરફ પગપાળા વિહાર કરે છે. સ્થાનક આવતાં પહેલાં ઋષભ દાદાને કહે છે, 'દાદા દાદા, જુઓ, રાજા જઈ રહ્યાં છે. હાથ જોડો.' દાદા કહે, 'બેટા એને હાથ ન જોડાય.' 'ઋષભ કહે, કેમ ?' દાદા કહે, 'એ કેદી છે.' ઋષભ કહે, 'તમે કહેતા હતા ને કે આગળ-પાછળ, બાજુમાં પાંચ વચ્ચે જે ચાલે એ રાજા કહેવાય.' જુઓ દાદા, આ પાંચ વચ્ચે ચાલી રહેલ છે એ રાજા જ છે.' દાદા કહે, 'બેટા, એ રાજા નથી, એ કેદી છે. એને જેલમાં પુરશે. એ ભાગી ન જાય એટલે આગળ-પાછળ પાંચ સૈનિકો છે.' ઋષભ કહે કે, 'દાદા, કેદી કોણ અને રાજા કોણ ? એને કઈ રીતે ઓળખી શકાય ?' દાદા વિમાસણમાં પડી ગયા. તેમણે ગુરુદેવ સામે જોયું. ગુરુજીએ આ બન્ને વચ્ચેનો આખો સંવાદ સાંભળ્યો હતો, એટલે ગુરુજીએ કહ્યું, 'ઋષભ, સ્થાનક આવી ગયું. આપણે અંદર જઈએ, પછી હું તને આનો ભેદ સમજાવીશ.' સ્થાનકમાં સાધુવૃંદે ઈરિયાવહીના પાઠ દ્વારા આલોચના કરી અને નવકાર મંત્રના સમૂહગાન પછી પૂજ્ય આચાર્ય ઉદયસૂરિજીએ વિહારમાં બનેલી ઘટનાની વાત કરી. ઋષભના પ્રશ્નનું સમાધાન આપતાં કહ્યું કે, 'પાંચ માણસો કે સૈનિકોની વચ્ચે ચાલનારી વ્યક્તિને જે તરફ જવું હોય તે તરફ પાંચ વ્યક્તિ ચાલે તેને રાજા કહેવાય અને પાંચ સૈનિકો વચ્ચે ચાલનારી વ્યક્તિને સૈનિકો જ્યાં લઈ જાય તેને ત્યાં જવું પડે તેને કેદી કે બંદી કહેવાય, સમજ્યો ?' ઋષભ કહે, 'હા ગુરુદેવ, હવે સમજાયું.'

આપણી પાસે પાંચ સૈનિકોરૂપી પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું આપણું મન છે. આ પાંચ સૈનિકો આપણા રક્ષક બને કે ભક્ષક તે આપણા મનને આભારી છે. પાંચ ખૂંખારી, તોફાની અને ઊછળતા અશ્વોવાળો રથ ધસમસતો જઈ રહ્યો હોય અને એ રથ પર એનો સારથિ અશ્વોને પોતાની ઈચ્છા પ્રમાણે આમ તેમ દોડાવતો, ઉછાળતો અને કૂદાવતો હોય એ કાલ્પનિક અશ્વ એટલે આપણી પાંચ ઈન્દ્રિયો અને એના પરનો સારથિ એટલે આપણું મન. આ મન ઈચ્છે તે પ્રમાણે આપણી ઈન્દ્રિયોને દોડાવે. પાંચ ઈન્દ્રિયો અને તેના ત્રેવીસ વિષયોના ભોગવટામાં આપણે રમમાણ છીએ.

 આંખ આપણી ભીતરનું પણ પ્રતિબિંબ છે. મનમાં વાસના હશે તો જોનારા બધું ત્યજીને માત્ર વાસના જ શોધશે. મનમાં પવિત્રતા હશે તો આંખ પ્રભુદર્શન માટે ઝંખશે, જે આંખના સંયમને નિભાવશે. બીજી ઈન્દ્રિય તે આપણી જીભ. જિહ્ના ઈન્દ્રિયને સ્વાદમાં રસ છે. મનને સ્વાદમાં રસની તીવ્રતા હોય તો ભક્ષ્ય, અભક્ષ્ય, સારા-નરસાના, સમય-કસમયના વિવેક વિના જીભના સ્વાદને પોષશે. જ્ઞાનીઓ કહે છે કે, જેણે સ્વાદ જીત્યો તેણે જગત જીત્યું. જિહ્નાનો મનોગત સંયમ સ્વાદવિજયની યાત્રાને માર્ગે લઈ જશે.

જીભનો સંયમ વાણીના સંયમ સાથે જોડાયેલો છે. અશ્લીલ બોલવું, ગાવું કે બીભત્સ ઉચ્ચારણ કરાવશે તે અસંયમ. મનનો વાણી પ્રત્યેનો સંયમ, હિત, મીત અને પ્રિય બોલવું તે વાણીનું તપ છે, તે ઉક્તિને ચરિતાર્થ કરશે. અહીં પ્રિયનો અર્થ આત્મહિતકારી વચનો તે લેવાનો છે. મનને ગમતું હોય ને કર્ણેન્દ્રિય દ્વારા સાંભળે છે. મનનો અસંયમ અશ્લીલ ગીતો કે વાર્તા સાંભળશે પણ સંયમી મન પ્રભુકથા કે પરમાત્મા પ્રત્યેનું ભક્તિ કે સ્તવના જ સાંભળશે. ઘ્રાણેન્દ્રિય સુગંધની ભોગી છે. મનને અત્તરની સુવાસ ગમશે, પછી ભલે તે કેટલાય જીવોનો કુટો કાઢીને બનાવેલ હોય, પણ સંયમની મનને આવી સુગંધની લોલુપતા નથી. પાંચમી ઈન્દ્રિય છે સ્પર્શ. આ ઈન્દ્રિય હંમેશાં સુંવાળી, મુલાયમ સ્પર્શને ઝંખે છે. આ સ્પર્શ વાસનાને પણ પોષશે. સુંવાળાં વસ્ત્રો પણ ગમે, પછી ભલે સિલ્કનાં રેશમી વસ્ત્રો બનાવવામાં શેતુરના લાખ્ખો કીડાઓની હિંસા થઈ હોય. સદ્ગુરુને શરણે જવાથી સંયમ સહન સધાય. જેણે ઈન્દ્રિઓને જીતી છે તે જિનેન્દ્રને વંદન.

આપણું મન પાંચ ઈન્દ્રિઓના ભોગમાં નિરંકુશ અને વિવેકહીન રીતે દોરવાઈ જાય તો આપણે કેદી અને મન સ્વેચ્છાપૂર્વક સંયમ સ્વીકારે અને વિવેકપૂર્ણ વર્તન કરે તો ઈન્દ્રિયોને સ્વની ઈચ્છા પ્રમાણે દોરી શકે તો આપણે રાજા. આપણે કેદી થવું છે કે રાજા ? નિર્ણય આપણા હાથમાં છે.