Get The App

આવી રે ''દિવાળી'', થશે ''આનંદ''ની હેલી

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
આવી રે ''દિવાળી'', થશે ''આનંદ''ની હેલી 1 - image

હવે, દિવાળીનો પ્રારંભ થશે. એકાદશી, બારસ, ધનતેરસ, દિવાળી અને નૂતનવર્ષ નજીક આવી ગયું છે. દિપાવલીનો ઉત્સવ આવે એટલે સૌના હૃદયમાં આનંદ થાય. ઉત્સવો ઉજવવાથી મનને શાંતિ મળે છે. એકબીજા પ્રત્યે સંબંધો તાજા થાય છે. તેથી આપણે દિપાવલી ઉજવીએ છીએ. પરંતુ આ આનંદ થોડા દિવસમાં શમી કેમ જાય છે ? આ આનંદ અખંડ રહે તે માટે શું કરવું જોઈએ ?

નદીના પાણીમાં લીલ બાઝી હોય અને એની ઉપર પથ્થર મારો એટલે તે ખસી જાય. પછી થોડીવારમાં પાછી લીલ આવી જ જાય છે. તેવી રીતે આપણે ઉત્સવો ઉજવીએ છીએ. ક્ષણિક આનંદ મળે છે. વળી, પાછા હતાશામાં ડૂબી જઈએ છીએ.

જો દિવાળીનો સદાય આનંદ રાખવો હોય તો શું કરવું જોઈએ ? આપણા હૃદયમાં રહેલા અંધકારને દૂર કરવો જોઈએ. ચિંતા અને ફરિયાદો છોડીને વેર-ઝેરને ભૂલીએ. બીજા ઉપરની શંકાઓને છોડીને વિશ્વાસ કરીએ. આળસ છોડી-પુરુષાર્થ કરીએ. સૌને સાથે સંપ-સૌહાર્દભાવ કેળવીએ.

દિવાળી કેમ ઉજવાય છે? રામચંદ્ર ભગવાન અયોધ્યા પાછા આવ્યા એના આનંદમાં ઉજવાય છે. આપણે ભગવાનને નિત્ય યાદ કરીએ તો દિવાળી સાર્થક બની જાય.

દિવાળીના પાવન પર્વ ઉપર દિલમાં જ્ઞાન અને પ્રેમના દિવડા પ્રજ્વલિત થાય, નૂતનવર્ષમાં જીવનમાં સદ્ગુણોના સરવાળા અને ભૂલોની બાદબાકી થાય, આધ્યાત્મિક અને આલોકમાં જીવનયાત્રા મંગલમય, સફળ અને સુખદાયી બની રહે, જીવન સદાચારમય, ભક્તિમય, શાંતિમય અને પ્રગતિશીલ બને રહે તે માટે આપણે સહુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ તો, અવશ્ય દિવાળીનો આનંદ અખંડ રહેશે અને જીવનમાં સુખની હેલી વરસતી રહેશે.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ